SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ સાંખ્યદર્શન ૧૧૧ પ્રભાવે બુદ્ધિનો આવો પરિણામ થાય છે. આ વિપર્યયના પાંચ પ્રકાર છે - અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. પતંજલિ આ પાંચને પાંચ કલેશો કહે છે. મિથ્યાજ્ઞાનમાંથી જ અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ જન્મે છે એટલે અસ્મિતા વગેરેને વિપર્યયના ભેદ ગણ્યા છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ યથાક્રમે તમ, મોહ, મહામોહ, તામિસ્ર અને અંધતામિસ્ર નામે પણ પ્રસિદ્ધ છે.૩૨ અવિદ્યાના આઠ પ્રકાર છે. પ્રકૃતિ, મહત્, અહંકાર અને પંચતન્માત્રમાં આત્માનું જ્ઞાન તે અવિદ્યા છે. આમ અવિદ્યાના વિષય પ્રકૃતિ વગેરે આઠ હોઈ અવિદ્યાના પ્રકારો આઠ મનાયા છે. અસ્મિતા પણ આઠ પ્રકારની છે. દેવો અણિમા વગેરે આઠ ઐશ્વર્ય પ્રાપ્ત કરીને ‘હું અમર છું’ એવું ધારે છે અને અણિમા વગેરે ઐશ્વર્ય અશાશ્વત હોવા છતાં શાશ્વત માની લે છે. વળી, અણિમા વગેરે ઐશ્વર્ય બુદ્ધિનો ધર્મ છે. અમરત્વનું અભિમાન કરનાર જીવ સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમ છતાં ‘હું ઐશ્વર્યવાળો છું' એવું જ્ઞાન જીવ કરે છે. એટલે તે ભ્રમ જ છે. અસ્મિતાના વિષયસ્વરૂપ અણિમા વગેરે આઠ હોઈ અસ્મિતાના પણ આઠ પ્રકાર મનાયા છે. રાગના દશ પ્રકાર છે. રાગનો અર્થ છે ઈચ્છા, અનુરાગ કૈ આસક્તિ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગન્ધ અનુરાગના વિષયો છે. આ શબ્દ વગેરે પ્રત્યેકના બે પ્રકાર છે—સ્વર્ગીય અને અસ્વર્ગીય. આમ શબ્દ વગેરે વિષયોના દશ પ્રકાર થાય છે. શબ્દ વગેરે દશ પ્રકારના વિષયો સાક્ષાત્ સુખનાં સાધનો હોઈ રાગને પણ દશ પ્રકારનો કહ્યો છે. યુક્તિદીપિકાકાર કહે છે કે માતા, પિતા, પુત્ર, ભાઈ, પુત્રી, પત્ની, બેન, ગુરુ, મિત્ર અને ઉપકારીરૂપ દશવધ કુટુંબમાં ‘આ મારાં છે’ એવો ભાવ તે રાગ છે. દ્વેષના અઢાર પ્રકાર છે. સુખનાં સાધન હોઈને તેમ જ દુઃખવિનાશના હેતુ હોઈને શબ્દ વગેરે વિષયો સ્વાભાવિક રીતે જ ઇચ્છાના વિષયો બને છે. અણિમા વગેરે આઠ ઐશ્વર્ય ઇચ્છિત શબ્દ વગેરે વિષયોની પ્રાપ્તિના ઉપાયો છે. ઇન્દ્રિયોના વિષય શબ્દ વગેરે ઉપસ્થિત થતાં કોઈ કોઈ વાર તેઓ એકબીજાનો અવરોધ પણ કરે છે અને પરિણામે દ્વેષનો વિષય પણ બને છે. ઉદાહરણાર્થ, સ્પર્શસુખના અનુભવ વખતે મધુર શબ્દ પણ સાંભળવો ગમતો નથી. આમ શબ્દ વગેરે દ્વેષનો વિષય પણ બને છે. તેમની પ્રાપ્તિના ઉપાયો અણિમા વગેરે પણ દ્વેષનો વિષય બને છે. શબ્દ વગેરે દશ અને અણિમા વગેરે આઠ દ્વેષના વિષયો છે, એટલે દ્વેષને અઢાર પ્રકારનો કહ્યો છે. અભિનિવેશનો અર્થ છે મૃત્યુનો ભય. અભિનિવેશના પણ અઢાર પ્રકાર છે. દેવો અણિમા વગેરે ઐશ્વર્યને પ્રાપ્ત કરીને જ્યારે શબ્દ વગેરે વિષયોનો ભોગ કરે છે ત્યારે તેમના શબ્દ વગેરે વિષયોનો અને તેમની પ્રાપ્તિના ઉપાયો અણિમા વગેરેનો રખે નાશ થાય એવો ભય તેમને હમેશાં રહે છે. આવા ભયનો વિષય અઢાર (શબ્દ વગેરે દસ અને અણિમા વગેરે આઠ) પ્રકારનો હોઈ અભિનિવેશને અઢાર પ્રકારનો કહ્યો છે. માઠર કહે છે દવિધ શબ્દ વગેરે ભોગ્ય વસ્તુઓથી અને તેમના પ્રાપ્તિના અણિમા વગેરે આઠ ઉપાયોથી મરણ આપણને વંચિત કરી નાખશે એવો મરણભય અઢાર પ્રકારનો છે કેમ કે મરણભયમાં અઢાર પ્રકારની ઇષ્ટ વસ્તુઓના વિયોગનો ભય રહેલો છે. 33
SR No.005833
Book TitleShaddarshan Part 01 Sankhya Yog
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy