________________
૫૪
સરળ ગુજરાતી વ્યાકરણ
૩. પતિપત્ની વહેલાં દાખલ થયાં. ૪. પતિ વહેલો રવાના થયો.
ઉપરનાં પહેલાં બે વાક્યોમાં વપરાયેલું બહાર' ક્રિયાવિશેષણ એના એ રૂપમાં વપરાયું છે. ઉપરનાં ત્રીજા અને ચોથા વાક્યોમાં વપરાયેલું ‘વહેલું’ ક્રિયાવિશેષણ ‘વહેલાં’ અને ‘વહેલો' એમ અલગ અલગ રૂપે વપરાયું છે.
એટલે કે ‘બહાર’ જેવું ક્રિયાવિશેષણ વાક્યમાં ગમે તે લિંગવચન ધરાવતું ક્રિયાનાથ (પતિપ્રત્ની, પત્ની) પદ હોય તોપણ કોઈ ફેરફાર વિના એના એ રૂપે વપરાય છે. ‘વહેલું’ જેવું ક્રિયાવિશેષણ, વાક્યમાં વપરાયેલા ક્રિયાનાથ (પત્ની, પતિ) અનુસાર લિંગવચનના પ્રત્યયો (‘આં’, ‘ઓ’) લે છે.
જે ક્રિયાવિશેષણ ક્રિયાનાથ અનુસાર લિંગવચનના પ્રત્યયો લેતાં નથી તેમને અવિકારી અને જે ક્રિયાવિશેષણ ક્રિયાનાથ અનુસાર લિંગવચનના પ્રત્યયો લે છે તેમને વિકારી ક્રિયાવિશેષણો કહે છે. અંદર, બહાર, ઝટ, તરત, કદાચ અવિકારી ક્રિયાવિશેષણોનાં ઉદાહરણો છે. પાછું, વહેલું, મોડું વિકારી વિશેષણોનાં ઉદાહરણો છે. (બ) ક્રિયાપદ : લિંગ અને વચન :
આગળ જોયાં એ ચાર વાક્યો ફરી તપાસીએ. એમાંનાં ‘આવ્યાં’, ‘બેસી રહી’, ‘દાખલ થયાં’, ‘૨વાના થયો’ એ ક્રિયાપદો તપાસો. એ ક્રિયાપદોને પણ વાક્યમાં વપરાયેલા ક્રિયાનાથ (‘પતિપત્ની’, ‘પત્ની’, ‘પતિપત્ની’, ‘પતિ’) અનુસાર લિંગવચનના પ્રત્યયો (‘આં’, ‘ઈ’, ‘આ’, ‘ઓ’) લાગ્યા છે.
જ્યારે -ત, -ય, -ધ, -ડ, -ન, નાર, -વ એવા કોઈ પ્રત્યય સાથે આવે ત્યારે તેને વાક્યમાં વપરાયેલા ક્રિયાનાથ અનુસાર લિંગવચનના પ્રત્યયો લાગે છે.
લિંગવચન સિવાયના પ્રત્યયો લાગેલાં ક્રિયાપદોને અવિકારી અને લિંગવચનના પ્રત્યયો લાગેલાં ક્રિયાપદોને વિકારી ક્રિયાપદો કહે છે. આમ સંજ્ઞા, સર્વનામ અને વિશેષણની જેમ ક્રિયાવિશેષણ અને ક્રિયાપદ જેવાં પદો પણ અવિકારી અને વિકારી એમ બે વર્ગમાં વહેંચાયેલાં હોય છે.