________________
(૨૧)
ચૂર્ણિ પર ટીપ્પણકાર : કમ્મપયડીચૂર્ણિ ગ્રન્થના ટીપ્પણકાર શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજ ડભોઈમાં બારમી સદીમાં જન્મ પામેલા. માતા મોંઘીબાઈ અને પિતા ચિંતકના કુલદિપક હતા. નાની વયે દીક્ષા લીધી. દીક્ષાદિવસથી છ વિગઈના ત્યાગ સાથે બાર દ્રવ્યથી વધારે વસ્તુ ન વાપરવાનો અભિગ્રહ લીધેલો હતો. આયંબિલ તપની આરાધના સાથે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ મહારાજ પાસે અધ્યયન કરીને સમર્થ નૈયાયિક બનેલા હતા. અનેકાન્ત જયપતાકા ઉપરનું તેઓશ્રીનું ટીપ્પણ તથા લલિતવિસ્તરારંજિકા વગેરે તેઓશ્રીના પ્રબળ નૈયાયિકપણાની ગવાહી પૂરે છે. તેઓશ્રી ૫૦૦ મુનિવરોમાં અધિપતિ હતા. એમાં મુખ્ય શ્રી વાદિદેવસૂરિ મહારાજને પોતાના જ્ઞાનસંયમના પ્રભાવે જ્ઞાનચારિત્રમાં એવા ઘડ્યા. અને વાદશક્તિ-વષ્કૃત્વશક્તિનો એવો વિકાસ સધાવ્યો કે જેના પ્રભાવે, સમગ્ર ગુજરાતના શ્વેતાંબર સંઘના માથેથી ગુજરાત ત્યાગ કરવાની એક ભયંકર આફત ટળી ગઈ. વર્તમાનમાં જે ગ્રન્થોનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ મળે છે એવા તેઓશ્રીના રચેલા લભ્ય-અલભ્ય ગ્રન્થોની યાદી એકત્રીસ ગ્રન્થોની છે. સંવત ૧૧૭૮ ના કારતક વદ પાંચમે પાટણ મુકામે તેઓશ્રીની જીવનજ્યોત સંકેલાઈ ગઈ. તેઓશ્રીએ ચૂર્ણિના વિષમપદોને ટીપ્પણ દ્વારા વિશદ કરવાનો પ્રયાસ કર્યો છે.
કર્મપ્રકૃતિના પ્રથમ વૃત્તિકાર શ્રી મલયગિરિ મહારાજઃ આ વૃત્તિકારના પણ જન્મસ્થળ વગેરે જાણવા મળતા નથી. છતાં તેઓશ્રી કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિ મહારાજના સમકાલીન હતા એ જણાય છે. કારણ કે શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજ અને શ્રી મલયગિરિ મહારાજે ગરવા ગિરનાર પર પદ્િમની સ્ત્રીની ઉપસ્થિતિમાં પણ નિર્વિકાર રહીને શ્રી સિદ્ધચક્રજીની વિશિષ્ટ સાધના કરી હતી, જેના પ્રભાવે ઈન્દ્રના સામાનિક દેવ શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વરદેવે પ્રત્યક્ષ થઈને વરદાન માગવાનું કહેવા પર શ્રી હેમચંદ્રચાર્યે રાજાને પ્રતિબોધ કરવાની શક્તિ માગી, શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે સોપદ્રવ કાન્તિનગરીથી જિનપ્રાસાદને નિરુપદ્રવ સ્થળે લઈ જવાનું વરદાન માંગ્યું... અને શ્રી મલયગિરિ મહારાજે જૈન ગ્રન્થો પર સરળ વૃત્તિઓ (વિવેચનાઓ) રચવાનું વરદાન માંગ્યું. આ વરદાનના પ્રભાવે તેઓ સમર્થ વૃત્તિકાર થયા. શ્રી વ્યવહારસૂત્ર, પંચસંગ્રહ, બૃહકલ્પની અર્ધપીઠિકા, નંદી અધ્યયન, છઠ્ઠો કર્મગ્રન્થ, પન્નવણા સૂત્ર, ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ,
જ્યોતિષ્કરડક, જીવાભિગમ સૂત્ર, ક્ષેત્રસમાસ, ધર્મસંગ્રહણિ, રાયપસણી, આવશ્યક સૂત્ર, ભગવતી સૂત્રનું ૨૦મું શતક, કમ્મપયડી, ... વગેરે ગ્રન્થોની રહસ્યાર્થ ભરપુર વૃત્તિઓ તેઓશ્રીએ રચેલ
તેઓશ્રી કૃતજ્ઞ અને નમ્ર હતા. એટલે ઘણા ગ્રન્થોની વૃત્તિના પ્રારંભે ચૂર્ણિકારને કે પ્રાચીન વૃત્તિકારને તેઓ નમસ્કાર કરે છે. છઠ્ઠા કર્મગ્રન્થની ટીકાની પ્રશસ્તિમાં તેઓ લખે છે કે – મંદબુદ્ધિવાળા જીવો પણ ચૂર્ણિગ્રન્થોનો ઊંડો અભ્યાસ કરીને વૃત્તિ બનાવવા સમર્થ બને છે. હું પણ ચૂર્ણિકારના વચનબળથી વૃત્તિ રચું છું. કેવી લઘુતા !
કર્મપ્રકૃતિના બીજા વૃત્તિકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ઃ ઉત્તર ગુજરાતમાં પાટણ પાસે કનોડુ ગામમાં પિતાશ્રી નારાયણ શ્રેષ્ઠીના ધર્મપત્ની સૌભાગ્યદેવીની કુક્ષીએ જન્મ...