________________
(૧૨)
થવાનું થયું. આ દરમિયાન અનેક શાસ્ત્રોની અવગાહના દ્વારા પરિકર્મિત થયેલ વિશિષ્ટ ક્ષયોપશમવાળી પૂ. જયઘોષવિજયજી મહારાજની પ્રજ્ઞા કર્મસાહિત્યના શાસ્ત્રોમાં નિર્દિષ્ટ પદાર્થોના હેતુઓ શોધવામાં ખૂબ વિશાળ બની. તેઓ અનેક રીતે પદાર્થો સિદ્ધ કરી બતાવતા. પૂજ્યપાદ પરમગુરુદેવશ્રીને થયું કે આ હેતુઓ વગેરે સંગ્રહિત થાય તો એક વિશાળ કસાહિત્યનું સર્જન થાય. પૂજયપાદશ્રીએ પોતાના વિચારો જણાવ્યાં. પણ આવી ઉંડી સૂક્ષ્મ વાતોમાં ઉતરી તેને શબ્દારૂઢ કરી ગ્રંથોના સર્જનનું કામ સાધુઓને ખુબ કઠણ લાગ્યું. જોઈએ તેવો ઉત્સાહ ન જાગ્યો.
સં. ૨૦૧૫ નું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં થયું. પૂજ્યપાદશ્રી અનેક રીતે અમારો ઉત્સાહ જગાડવા પ્રયત્ન કરતા. છેવટે એક પ્રભાતે પૂજ્યપાદશ્રીએ પોતે જાતે આલેખન કરવાનો પ્રારંભ કર્યો. અમારા મન પલડ્યા. અમે પૂજ્યપાદશ્રીનો નૂતન કર્મસાહિત્ય સર્જનનો નિર્ણય માથે ચઢાવ્યો.
પૂ. જયઘોષવિજયજી મહારાજ, પૂ. ધર્માનંદવિજયજી મહારાજ તથા હું અમે ત્રણેએ સુરેન્દ્રનગરમાં વાસુપૂજય દાદાની નિશ્રામાં પ્રથમ પદાર્થ સંગ્રહ કરવાનો પ્રારંભ કર્યો. ત્રણેયે કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, શતકચૂર્ણિ, કસાયપાહુડ તથા અન્ય શ્વેતાંબર-દિગંબર ગ્રંથોના આધારે “ક્ષપકશ્રેણિ'ના પદાર્થો સંગ્રહ કરવાનું કામ શરૂ કર્યું... અનેક ગ્રંથોના આધારે અમે ત્રણેયે “ક્ષપકશ્રેણિ' વિષે ઉંડી વિચારણાઓ કરી. શરૂઆતમાં ગુજરાતીમાં તેનું આલેખન કર્યું. દરમિયાન આ વિશાળ કાર્યમાં અન્ય સાધુઓ પણ જોડાય તે માટે વ્યાકરણ વગેરેના અભ્યાસથી પરિકર્મિત બુદ્ધિવાળા મુનિશ્રી ગુણરત્નવિજયજી મહારાજ, મુનિશ્રી વીરશેખરવિજયજી મહારાજ આદિ કેટલાક મુનિઓને કર્મગ્રંથકર્મપ્રકૃતિના અભ્યાસમાં પૂજ્યપાદશ્રીએ જોડ્યાં. વિશાળ પ્રજ્ઞાવાળા આ મહાત્માઓ પણ તૈયાર થયા. પ્રારંભમાં ઉપશમશ્રેણિના પદાર્થો તૈયાર કર્યા. ઉપશમનાકરણની કર્મપ્રકૃતિની ગાથાઓનું આ બધા પદાર્થોને સમાવિષ્ટ કરતુ વિવેચન પણ મેં લખ્યું.
સં. ૨૦૧૬ નું ચાતુર્માસ શિવગંજ થયું. ગુજરાતી ભાષા બદલાતી રહે છે. સંસ્કૃત ભાષા શાશ્વત જેવી હોઈ સમસ્ત સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃતમાં રચવાનો નિર્ણય થયો. “ક્ષપકશ્રેણિ” ના પદાર્થોને પ્રાકૃતભાષાની ગાથાઓ અને સંસ્કૃત ટીકા દ્વારા ગ્રંથ રચવાનું કાર્ય મુનિશ્રી ગુણરત્નવિજયજી મહારાજને સોંપાયું. તેમાંથી “ખવગસેઢી” ગ્રંથની રચના થઈ. જિનશાસનના અમૂલ્ય નિધાન જેવો આ ગ્રંથ છે. પૂજ્યપાદશ્રીની ઈચ્છા તો બંધનકરણાદિ બધા જ કરણો ઉપર માર્ગણા દ્વારોથી પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશનું વિસ્તૃત વર્ણન કરતા ગ્રંથોના નિર્માણની હતી.
સં. ૨૦૧૭ માં મારું સ્વાસ્થ પાછું બગડ્યું. ન છૂટકે પૂજ્ય ગુરુદેવોથી છુટા પડી મારે ઉપચારાર્થે સુરેન્દ્રનગર જવું પડ્યું. આ બાજુ બંધનકરણના પદાર્થવિશેષના સંગ્રહના કાર્યમાં પૂ. જયઘોષવિજયજી મહારાજ અને પૂ. ધર્માનંદવિજયજી મહારાજ સાથે મુનિશ્રી વીરશેખરવિજયજી મહારાજ જોડાયાં. તેમણે પદાર્થસંગ્રહ ઉપરથી પ્રાકૃત ગાથાઓનું પણ નિર્માણ કર્યું. અતિલઘુવયમાં દીક્ષિત થયેલ આ પુણ્યાત્માએ કાર્ય જલ્દી થાય એ માટે લગભગ ૬૦ હજાર જેટલી પ્રાકૃત ગાથાઓનું નિર્માણ કર્યું. આ ગાથાઓ ઉપર વિસ્તૃત ટીકા નિર્માણ કરવાનું કાર્ય જુદા જુદા મુનિઓને સોંપાયું. પૂ. જયઘોષવિજયજી મહારાજ, પૂ. ધર્માનંદવિજયજી મહારાજ, મુનિશ્રી