________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૩
• વસ્તુપાલ મંત્રીપદે આરૂઢ થયા પછી ગિરનાર તથા શંત્રુજયની યાત્રા તથા સંઘ કાઢયા હતા. તેમનું મરણ પણ યાત્રા દરમિયાન જ થયેલું હતું.
વસ્તુપાલ અને તેજપાલ પ્રભાવશાળી પુરૂષો હતા. ધોળકા અને અણહિલવાડના રાજય દરબારોમાં તેમનું સ્થાન ઘણું ઊચું હતું. તેમની ઉદારતા અને દાની હોવાના કારણે જ ગુજરાતમાં સંસ્કારિક નવજીવન મળ્યું. વસ્તુપાલ અને તેજપાલે અનેક મંદિરો, ધર્મશાળાઓ, તળાવો, કૂવાઓ તથા અન્ય સ્થાપત્યો બંધાવ્યા હતા. વળી તેમણે દવાખાના, શિવાલયો મઠો અને મજીદો પણ બંધાવી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ 'પ્રબંધકોશ” માં કરેલો છે.
આબુ ઉપરના તથા ગિરનાર ઉપરના વિશ્વ વિખ્યાત દેવાલયો આજે પણ અકબંધ છે, જ્યારે અન્ય સ્થાપત્યના નમૂનારૂપે બે સ્તંભો આપણા હાલના પાટણના જુના કાલીકા મંદિરના બાંધકામમાં વપરાયેલા જણાય છે. જીજ્ઞાસુ વાચકે આ બંને સ્તંભો ઉપર કંડારેલા શિલાલેખો વસ્તુપાલના કુટુંબીજનોની માહિતી આપી છે. બંને ભાઈઓ સર્વધર્મ પ્રત્યે સમભાવ અને સદ્ભાવ રાખતા હતા. દરેક સંપ્રદાયવાળા તેમને પોતાના ગણીને આદર આપતા હતા.
વસ્તુપાલ-તેજપાલે આ મહાન કલાની કૃતિઓ જેવા દેવાલયો અને સ્થાપત્યો બાંધવા નાણાંની વ્યવસ્થા ક્યાંથી કરી હશે ? રાજ્યના ભંડારમાંથી તો એક પાઇ પણ ખર્ચાય નહિ. તમામ ખર્ચ પોતે કરેલું છે. આ માટે નીચે મુજબની બે વાર્તાઓ પ્રચલિત છે.
(૧) સૌરાષ્ટ્રની યાત્રાએ વસ્તુપાલ અને તેજપાલ નીકળ્યા તે પહેલા પોતાના એક લાખ દ્રવ્ય (એક પ્રકારનું ધન) જમીનમાં દાટવા ગયા. જેથી યાત્રાએથી પરત આવ્યા બાદ સલામત રીતે આ દ્રવ્ય સચવાઈ રહે. તે વખતે જમીન ખોદતાં તેમને ઉછું જમીનમાંથી પુષ્કળ ધન મળ્યું. વસ્તુપાલ તેજપાલની ચતુર પત્નિ અનુપમાને આ ધનનો શો ઉપયોગ કરવો તે પૂછયું, ત્યારે આ સંસ્કારી અનુપમાએ ઉત્તર આપ્યો હતો કે, “આ ધન જડયું છે ધરતીમાંથી પણ હવે તેને પર્વતોની ટોચે રાખીશું જેથી ફરી કોઇના હાથમાં આવે જ નહિ” આ રીતે મળેલ ધનમાંથી આબુ અને ગિરનાર ઉપર પ્રસિદ્ધ મંદિરો બંધાવ્યા.
(૨) બીજી વાર્તા એવી છે કે, એક મુસ્લિમ વેપારી નામે સઇદ, વસ્તુપાલની આજ્ઞા ન માનતા સામો થયો. ત્યારે તેને હરાવી કેદ કર્યો અને તેની મિલ્કત રાણા વીરધવલની આજ્ઞા મુજબ રાજકોષમાં લીધી અને તેના ઘરની ધૂળ વસ્તુપાલને મળી, આ કહેવાતી ધૂળ એ સુવર્ણ રજ હતી. આમ સઇદની મિલ્કતમાંથી મોટો હિસ્સો મળ્યો હતો. તેમાંથી અમર સ્થાપત્યો બંધાવ્યા. વસ્તુપાળ મહાન રાજપુરૂષ, વહીવટકર્તા અને મહાન સાહિત્યકાર હતો. તેમનું સાહિત્ય મંડળ ઘણું મોટું હતું.
આરસમાંથી બનાવેલ આ સ્થાપત્યોના કારીગરોને મજૂરીમાં પથ્થરની જે ભૂકી રજ પડે તેના વજનની બરાબર સુવર્ણ (સોનું) આપવામાં આવતું હતું. કર્નલ ટોડ કહે છે કે, વસ્તુપાલનું જીવનચરિત્ર આલેખી શકાય તેમ નથી. કલમ પણ થાકી જાય. એવું મહાન એમનું જીવનચરિત્ર છે. વસ્તુપાલના મરણ પછી દશ વર્ષ બાદ તેજપાલનું પણ મરણ થયું હતું. તેજપાલનું મરણ ઇ.સ.૧૨પરમાં થયું હતું. તેથી વસ્તુપાલનું મરણ ઈ.સ. ૧૨૪૨ માં ગણાય.