________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૯૨
‘સરસ્વતીપુરાણ’ : એક પરિચય
પરપ
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
આપણા ધર્મગ્રંથોમાં ચાર વેદો સાથે અઢાર પુરાણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ‘સરસ્વતીપુરાણ’એ આ અઢાર પુરાણો પૈકીનો ગ્રંથ નથી. અઢાર પુરાણ ઉપરાંત કેટલાય જ્ઞાતીઓના ઇતિહાસ ગ્રંથોને પણ ‘પુરાણ’ શબ્દ લગાડવામાં આવ્યો છે. દા.ત. (૧) લેઉઆ પુરાણ (૨) શ્રીમાલપુરાણ (૩) નાન્દીપુરાણ (૪) હિંગુલાપુરાણ વગેરે. એ રીતે સરસ્વતી નદીનું મહાત્મ્ય દર્શાવતા આ ગ્રંથને પણ.‘સરસ્વતીપુરાણ' કહેવામાં આવ્યું છે. આ ગ્રંથના મૂળ રચિયતા કોણ છે એની ચોક્કસ માહિતી મળતી નથી, પણ આ ગ્રંથની ત્રણેક હસ્તલિખિત પ્રતો ઉપલબ્ધ છે. જેમાંની એક પ્રત પાટણના શ્રી મણિશંકર મગનલાલ અયાચી પાસે હતી. પુનાના શ્રી ભાંડારકર ભંડારમાં પણ એની પ્રત છે.
‘સરસ્વતીપુરાણ’ના સંશોધક વિવેચક અને સંસ્કૃતમાંથી સુંદર ગુજરાતી ભાષાન્તર કરતા આપણા પાટણના વિદ્વાન સ્વ. શ્રી કનૈયાલાલ ભાઇશંકર દવે હતા. શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઇએ આ ગ્રંથનું પ્રકાશન કર્યું છે.
શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય રચિત ‘દ્દયાશ્રય’ મહાકાવ્યમાં જેમ સોલંકીવંશના રાજાઓની વંશાવળી મળે છે અને એ ગ્રંથ જેમ ગુજરાતના ઇતિહાસનું મહત્વનું સાધન ગણાય છે. બરાબર એજ રીતે ‘સરસ્વતી પુરાણ’ પણ સરસ્વતી નદીનું મહાત્મ્ય તો દર્શાવે છે. પણ સાથે સાથે એમાં પાટણને લગતા ઇતિહાસની અઢળક માહિતી ઉપલબ્ધ છે. આમ ‘સરસ્વતીપુરાણ’ માત્ર એક ધાર્મિક ગ્રંથ જ નહિ પણ ગુજરાતના ઇતિહાસને લગતો એક દસ્તાવેજી આધાર ગ્રંથ ગણી શકાય.
શ્રી કનૈયાલાલ ભા. દવેએ આ ગ્રંથ ખંત, ખાંખત અને ભારે શ્રમપૂર્વક તૈયાર કર્યો છે.
આ ગ્રંથમાં હિમાલયથી સિધ્ધપુર સુધીના સરસ્વતી નદીના મહાત્મ્યનું સુંદર વર્ણન તો છે જ. એની રચના પણ આપણા અઢાર પુરાણોની પધ્ધતિ જેવી વાર્તાલાપ સ્વરૂપે છે.
આ પ્રાચીન ગ્રંથનો શ્રી વાસુદેવશરણ, શ્રી જિનવિજયજી, શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી જેવા પ્રખર ઇતિહાસવિદોએ વખાણ કર્યા છે. એજ રીતે ડૉ. બુલ્હેર, ડૉ. કીલહોર્ન જેવા પરદેશી સંશોધક વિદ્વાનોએ પણ એક ‘‘ઐતિહાસિક ગ્રંથ’' તરીકે માન્ય કર્યું છે.
‘‘સરસ્વતીપુરાણ’” એ તીર્થવર્ણનાત્મક પુરાણ છે. સરસ્વતી નદીના તીરે આવતાં ધાર્મિક સ્થળોની, તીર્થોની એમાં નોંધ કરવામાં આવી છે. યાત્રા કરવા આ ધાર્મિક તીર્થોનું વર્ણન કરવું એ પ્રયોજનથી જ આ સરસ્વતીપુરાણની રચના થઇ છે.