________________
યુગે યુગે પાટણની પ્રભુતા
४७४
શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુ ઈતિહાસ દર્શન
પ્રા. ભાદભાઇ પી. બ્રહ્મક્ષત્રિય પાટણના શ્રી પંચાસરા પાર્શ્વનાથના ભવ્ય અને ઐતિહાસિક જિનાલયમાં મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથના શ્વેત વર્ણના પદ્માસનસ્થ પ્રતિમાજી નયનમનોહર છે. દર્શકનાં નયનો પર કામણ કરતાં આ અલૌકિક પ્રતિમાજી એક કલાત્મક પરિકરમાં સાત મનોહર ફણાથી અલંકૃત છે. આ પ્રાચીન અને ઐતિહાસિક પ્રતિમાજીની ઊંચાઈ ૪૫ ઈંચ અને પહોળાઈ ૩૭ ઈંચ છે. અતીતના ઊંડાણમાં એક ડૂબકી :
સૈકાઓથી ઊભેલું શ્રી પંચાસરા પાર્શ્વનાથનું આ જિનાલય વીર વનરાજના તેના ઉપકારી ગુરૂદેવ પ્રત્યેના કૃતજ્ઞભાવનું યશોગાન રેલાવી રહ્યું છે. આ મંદિરના ઉદ્ભવમાં વનરાજની કૃતજ્ઞતા વણાયેલી છે.
નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિએ વનરાજને શૈશવમાં શૌર્ય અને સંસ્કારનાં પીયૂષપાન કરાવીને વીર બનાવ્યો હતો. બાલ્ય કાળમાં વનરાજને આશ્રય આપનારા આચાર્ય ભગવંતે તેનું પાલન અને ઘડતર કર્યું હતું. ચાવડા વંશનો આ બાહોશ અને શૂરવીર રાજપૂત્ર ક્રમે કરીને રાજવી બન્યો. વલ્લભીપુર અને ભિન્નમાલના પતન પછી તેનો સંસ્કાર વારસો સાચવી શકે એવી તીર્થ ભૂમિની શોધ કરનારા ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજની દષ્ટિ અણહિલ ભરવાડે સૂચવેલા “લાખારામ” ગામની ધરતી ઉપર પડી. સરસ્વતીનાં નિર્મળ નીરથી પાવન બનેલી એ ધરા ઉપર વિ.સં. ૮૦૨માં વૈશાખ સુદ-5ને સોમવારે જૈન મંત્રોચ્ચાર પૂર્વક પાટણ નગરની સ્થાપના થઈ. ઉત્કર્ષના દ્વારે આવીને ઊભેલા કૃતજ્ઞચૂડામણિ વનરાજને પોતાના ઉત્કર્ષના મૂળમાં બેઠેલા જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિના ઉપકારોની સ્મૃતિ થઈ. પૂજ્યપાદશ્રીના ચરણોમાં તેણે રાજ્યની સમૃદ્ધિ ધરી દીધી. દુનિયાની તુચ્છ સમૃદ્ધિ છોડીને આત્માના વૈભવને પામવા સાધુ બનેલા આ સૂરિ પુંગવા નિઃસ્પૃહ શિરોમણિ હતા. કૃતજ્ઞતા અને નિઃસ્પૃહતાનો એક મીઠો કલહ ઉપસ્થિત થયો. આ કલહનાં સમાધાન સ્વરૂપ એક ભવ્ય જિનાલયનું નિર્માણ પાટણની સ્થાપના બાદ થોડા જ સમયમાં થયું. આ ભવ્ય જિનાલયમાં ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથના મનોહર જિનબિંબને પંચાસરથી લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું. પંચાસર વનરાજના પિતા જયશિખરીની રાજ્યભૂમિ હતી. તેથી, ત્યાંથી લાવેલા આ પાર્શ્વનાથ “શ્રી પંચાસરા પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધિ પામ્યા. આ ચૈત્યમાં વનરાજે પોતાની આરાધક મૂર્તિ પણ સ્થાપિત કરી.
નવમી સદીના પ્રારંભમાં નિર્મિત થયેલું આ જિનાલય ગુજરાતના પ્રાચીનતમ જિનાલયોમાંનું એક છે. આ જિનપ્રાસાદનું નિર્માણ થતાં પાટણમાં મંદિર-નિર્માણની પ્રવૃત્તિના શ્રીગણેશ મંડાયા. વનરાજના મંત્રી નિન્વયે પાટણમાં ઋષભદેવ પ્રાસાદ બંધાવ્યો. વનરાજ, મૂળરાજ,