________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૬
હવે તમે પહેલાં મને લૂંટવાનું પૂછ્યું ત્યારે મેં તમને તેમ કરવા ના પાડી તેનું કારણ જાણો છો ? અન્ય દેશના રાજવીઓ ગુર્જર દેશમાં ચોરોનું રાજ્ય છે. એમ કહી મશ્કરી કરે છે, મને પૂર્વજો વિષે દુઃખ છે. આપણા પૂર્વજોનું કલંક ભૂંસાઇ જાય તો બધા રાજાઓની હારમાં બેસી શકીએ, પણ તમે તો ધનના લોભથી આ કલંક તાજું કર્યું છે. તમે રાજાની આજ્ઞાનો ભંગ કર્યો છે.
રાજાએ વધુમાં બોલતાં જણાવ્યું કે, ‘‘રાજાની આજ્ઞાનો ભંગ થાય, સેવકોની રોજી બંધ થાય અને પત્નિની પતિથી જુદી પથારી થાય એ ત્રણે બાબતોનો વગર શસ્ત્રે વધ કર્યા બરાબર ગણાય.’’ આ પ્રમાણે નીતિ શાસ્ત્રોનો ઉપદેશ હોવાથી તમે મારો શસ્ત્રો વગર વધ કર્યો ગણાય. પણ તમે મારા પુત્ર છો એટલે તમને મારે શી શિક્ષા કરવી ? આથી રાજાએ પોતે જ અન્ન-જળનો ત્યાગ કરી ૧૨૦ વર્ષની ઉંમરે ચિતામાં પ્રવેશી પ્રાણ ત્યાગ કર્યો હતો.
આ હકીકત વનરાજ પ્રબંધમાં નોંધાયેલ છે. આ રાજવી યોગરાજે ભટ્ટારિકા યોગેશ્વરીનું મંદિર બંધાવ્યું.
રત્નાદિત્ય ત્રીજો રાજવી :
તે બળવાન રાજવી હતો. તેની તલવારથી શત્રુઓ સ્વર્ગે જતા હતા. (સુકૃત સંકીર્તન)
ચોથો રાજા વૈરસિંહ :
રત્નાદિત્યના પછી વૈરસિંહ ગાદી ઉપર આવ્યો.
ક્ષેમરાજ પાંચમો રાજા ઃ
ધર્મારણ્ય કથા મુજબ વૈરસિંહ પછી ક્ષેમરાજ ગાદી ઉપર આવ્યો.
ચામુંડારાજ, આગહ (આહડ) અને ભૂવડ :
આ ત્રણેય રાજાઓ ત્યાર પછી થયા. જેની કોઇ ખાસ નોંધપાત્ર વિગતો મળતી નથી. ચાવડા વંશનો છેલ્લો રાજા ભૂવડ યાને સામંતસિંહ હતો. તેને મારીને તેનો ભાણેજ મૂળરાજ
સોલંકીએ ગાદી કબજે કરી સોલંકી વંશની સ્થાપના કરી.
સામંતસિંહ વ્યસની હતો. દારૂના ધેનમાં તેને તેના ભાણેજ મૂળરાજને ગાદીએ બેસાડયો, પણ કેફ ઉતરતાં ગાદી ઉપરથી ઉઠાવી મૂક્યો અને બંને વચ્ચે રાજગાદી માટે તકરાર થઇ, તેમાં ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ મરાયો અને વિક્રમ સંવત ૯૯૮ (ઇ.સ. ૯૪૨) માં પાટણની ગાદી ઉપર મૂળરાજ સોલંકી આવ્યો અને સોલંકી વંશની સ્થાપના થઇ હતી.