________________
યુગે યુગે પાટણની પ્રભુતા -
૨૯૫
લોકસાહિત્યમાં પાટણ
| ડૉ. મયંકભાઈ એમ. જોષી લોકસાહિત્ય એ આધુનિક યુગને મળેલો પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યનો અમૂલ્ય વારસો છે. લોકસંસ્કૃતિને જીવંત રાખવાનું કામ લોકસાહિત્ય કરે છે. પ્રજાના શિષ્ટ સાહિત્ય કરતાં પણ વધુ ગાઢ સંબંધ સમાજ સાથે આ સાહિત્ય ધરાવે છે. આમ લોકસાહિત્યનું કંઠોપકંઠ સંવહન થતું હોવાથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યને બોલાતી જનવાણીનો નીચોડ કહ્યો છે. આ લોકસાહિત્યમાં જનસમુદાયના વિવિધ ભાવો કોઇપણ આવરણ વિના અભિવ્યકત થયેલા હોય છે. એ રીતે લોકસાહિત્ય સમગ્ર પ્રજા જીવનની ચેતનાનું સર્જન છે. લોકકંઠે જીવતું અને લોકજીભે રમતું આ લોકસાહિત્ય કાળે કાળે શાસ્ત્રોમાં, પુરાણોમાં, બૃહત્કથાઓમાં, નાચોમાં ને નવલકથાઓમાં સંઘરાતું અને સ્થાન પામતું રહ્યું છે. સંસ્કૃત સાહિત્યની સરવાણીઓ ‘હિતોપદેશ’ ‘પંચતંત્ર’ અને ‘કથા સરિત્સાગર” વગેરે લોકસાહિત્યની નરી પેદાશ છે. હેમચંદ્રાચાર્યે પોતાના પ્રાકૃત વ્યાકરણમાં અપભ્રંશ ચર્ચા વખતે ટાંકેલા વીર અને શૃંગાર રસથી ભર્યા દુહા તે સમયનું તરતું લોકસાહિત્ય છે,
લોકસાહિત્ય લોક્શીત, લોકગાથા, લોકકથા, લોકનાટય, લોકસુભાષિત આ પાંચ મુખ્ય પ્રકારોમાં વહેંચાયેલું છે. આ વર્ગીકરણ પ્રમાણે લોકસાહિત્યમાં પ્રગટ થતા પાટણનો વિગતે પરીચય કરીએ.
ધરતી એ લોકસંસ્કૃતિનું મંડાણ છે. એ સંસ્કૃતિને ઘાટઘૂંટ આકાર આપનારાં પરિબળો છે. ઐતિહાસિક સત્તાપલટાઓ અને ભૌગોલિક સમૃધ્ધિ જેની અસર લોકજીવન અને લોકસંસ્કૃતિ પર પડે છે.
ભવ્ય ઇતિહાસની સ્મૃતિઓ જેમના લોકહૃદયમાં ભરીને પડી છે તે અણહિલવાડ પાટણ સોલંકીઓની પ્રાચીન ઐતિહાસિક નગરી હતી. એક સમયે પાટણ નગરી જ્યારે ગુજરાતની રાજધાનીનું સ્થળ હતી, ત્યારે પંચાસર નગરીનું સ્થાન રાજધાની તરીકેનું હતું. પંચાસર નગરીના નાશ પૂર્વે પંચાસરમાં ચાવડા વંશનું રાજ્ય હોય એ સંભવિત હતું. જે અંગેની અનેક લોકકથાઓ, દંતકથાઓ ઇતિહાસ ન કહી શકે તે લોકસાહિત્યમાં આપણને મળે છે. વનરાજ ચાવડાના રાજ્ય શાસનનો ઉલ્લેખ સોલંકીકાળથી સાહિત્યમાં મળે છે. વનરાજના પિતા જયશિખરીનો ઉલ્લેખ ૧૭ મા, ૧૮ મા સૈકામાં રચાયેલી કૃષ્ણકવિની હિંદી ‘રત્નમાલા” માં મળે છે. આમ ગુર્જર સામ્રાજ્યના પ્રસ્થાપક વીર વનરાજ ચાવડાએ નવી રાજધાની વિ.સં. ૮૦૨માં સરસ્વતીને તીરે અણહિલવાડ પાટણ નામે વસાવી. ત્યારથી વિ.સં. ૯૯૮ સુધી ચાવડાવંશે પાટણ ઉપર શાસન કર્યું. ચાવડા વંશના અંતિમ શાસક સામંતસિંહ પાસેથી સત્તા આંચકીને મૂળરાજદેવ સોલંકીવંશની સ્થાપના કરે છે. તેણે પાટણના રાજ્યનો વિસ્તાર ઘણો વધાર્યો. જેનો શાસનકાળ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો છે અને જેમના શોર્ય અને શાણપણની કથાઓ, ગાથાઓ, લોકહૈયાઓએ ઝીલી છે, તે સિધ્ધરાજ જયસિંહદેવ અને