________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૨૯૪
વાસણો તેમાં પડેલાં મળ્યાં છે. આ તળાવ પર વલ્લભાચાર્યજી પધાર્યા હતા અને ખાનદાને તિમુરિયાનું રાજ્ય દઢ કરનાર બહેરામખાનનું ૩૧ જાનેવારી ૧૫૬૧માં ખૂન થયું હતું. તે પરથી પંદરમી સદીમાં તળાવનો જીર્ણોદ્ધાર થયા પછી કેટલાંક વર્ષ તે જીવંત હોવાનું સ્પષ્ટ થાય છે. આ સમય દરમિયાન અહીંના રાજાઓ બંધાયા. તેમાં લાખોરી ઇંટોનો પ્રચુર પ્રમાણમાં ઉપયોગ છે તથા કેટલાક લેખો છે તેથી સત્તરમી સદી સુધી આ તળાવ પર પ્રવૃત્તિ હોવાનું સમજાય છે. પરંતુ સત્તરમી સદીની ઇમારતોની જમીનનું તળ રેતથી દબાયેલું છે. આ રેતથી તળાવનો પણ નાશ થઇ ગયો અને તેનાં ખેતરો બની ગયાં. ઉપસંહાર:
ભૌગોલિક દષ્ટિએ આ તળાવની જગ્યાએ પાણીનો પુરવઠો ઓછો હોવાનાં પૂરતાં પ્રમાણ છે. અહીં નાળાં ઓછાં છે તેથી નહેર દ્વારા એમાં પાણી લાવીને ઉચ્ચ પ્રકારની ઇજનેરી કળા દર્શાવવામાં આવી છે. તેણે તળાવને જીવંત રાખવાના પ્રયત્નોમાં મદદ કરી પણ તેને માટે અથાક પ્રયત્નોની જરૂર હતી.
ભૌગોલિક રીતે પાણીનો પુરવઠો હાલના પાટણની દક્ષિણે વધુ છે. ત્યાં અકબરના સૂબા ખાન-એ-આઝમ અઝીઝ કોકાએ ખાન-સરોવરની રચના કરી. તેણે તેમાં સહસ્ત્રલિંગમાં વપરાયેલી ઘણી ઇજનેરી કળાનો ઉપયોગ કર્યો છે.