________________
યુગે યુગે પાટણની પ્રભુતા
ભયમુક્ત કર્યું હતું. જ્યારે માધવ મંત્રીએ પાટણનો સર્વનાશ કરવા ગુજરાત પર ચઢાઇ કરવાનું લાંછનરૂપ કામ કર્યું.
२७३
વિ.સં. ૧૩૫૬માં અલ્લાઉદ્દીન ખીલજીનાભાઇ ઉલુધખાને લશ્કર લઇ ગુજરાત પર ચઢાઇ કરી. માધવમંત્રી મુસલમાન લશ્કરને દોરવણી આપી માર્ગ બતાવતો હતો. પરંતુ માર્ગમાં ઘણા અવરોધો હતા. જાલોરના કાન્હડદેએ મુસલમાન લશ્કરને પોતાના રાજ્યમાંથી પસાર થવા દેવા સ્પષ્ટ ના પાડી, ત્યારે મેવાડના રાજવી રાવળ સમોરાસિએ મેવાડમાંથી લશ્કરને જવા માર્ગ મોકળો કરી આપ્યો. આગળ જતાં મોડાસાના બત્તડ નામના ઠાકોરે લશ્કરને રોકી સામનો કર્યો, પણ યુધ્ધમાં તે મરાયો. મુસલમાન લશ્કર આગળ વધી ધાણધાર (પાલનપુર-મહેસાણા પ્રદેશ) પ્રદેશમાં પ્રવેશ્યું અને છેવટે લશ્કરે પાટણના કિલ્લાને ઘેર્યો.
પદ્મપુરાણની અંતર્ગત ગણાતો ધર્મારણ્ય નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, “નાગર પ્રધાન માધવે મુસલમાનોને નોંતરી ગુજરાતનો નાશ કરાવ્યો. ગ્રંથ વધુમાં જણાવે છે કે, પ્રતાપશાળી રાજા કર્ણદેવ રાજ્યાસન પર બેઠો. તેનો ગુણ વગરનો, દુષ્ટ માધવ નામનો પ્રધાન હતો. તે દેશદ્રોહી, દુષ્ટાત્મા, અધમકુળનો અને ક્ષત્રિય કુળનો નાશ કરાવનાર તથા મ્લેચ્છોનું રાજ્ય ગુજરાતમાં સ્થાપન કરાવનાર હતો''
દેશદ્રોહી માધવે ઉલુધખાનના લશ્કરને પાટણમાં પ્રવેશવાનો ગુપ્ત માર્ગ બતાવ્યો. કર્ણદેવના અગાઉના રાજવી સારંગદેવના વખતથી માધવમંત્રી પાટણના પ્રધાન તરીકે હતો, તેથી ગુપ્ત માર્ગોથી વાકેફ હોય જ !
સમુદ્ર જેવું ઉલુધખાનનું લશ્કર પાટણમાં ઘોડાપૂરની માફક પ્રવેશ્યું. પાટણ લૂંટાયું. પાટણના ભંડારો લૂંટાયા. પાટણ પડીને પાદર થયું.
ગઢમાં ભરાયેલો પાટણનો છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ નાસી છૂટ્યો અને દક્ષિણમાં ખાનદેશમાં ભરાયો. કર્ણની રાણી કૌલાદેવી પકડાઇ ગઇ. તેને દિલ્હી મોકલવામાં આવી. પાછળથી તેની પુત્રી દેવળદેવી પણ પકડાઇ ગઇ. તેને પણ દિલ્હી ભેગી કરવામાં આવી. સમય જતાં બાદશાહના શાહજાદા ખિંજરખાન સાથે દેવળદેવીનાં લગ્ન કરવામાં આવ્યાં.
પ્રાચીન ગ્રંથોમાં લખાયેલી કરુણ કથની મુજબ મુસલમાન સૈન્યે પાટણનો રાજભંડાર લૂંટચો. મંદિરોનો વિધ્વંશ કર્યો. મુસલમાનોએ મંદિરો તોડાવી મસ્જીદો બનાવી. ઉલુધખાન પાટણમાં થાણું સ્થાપી પોતાનું લશ્કર લઇ આગળ વધ્યો. પાટણથી મોંઢેરા, અસાવળ, ધોળકા, ખંભાત, સુરત, રાંદેર વગેરે ગામો લૂંટી લશ્કર સોરઠમાં પ્રવેશ્યું. ઉલુધખાને સોમનાથ મંદિર તોડ્યું. ભગવાન સોમનાથના શિવલિંગને ઉખાડી નાંખી ગાડામાં નાંખી દિલ્હી લઇ જઇ ચૂનાની ભઠ્ઠીમાં નાંખી પીસી નાંખ્યું હોવાનું કહેવાય છે. સોમનાથની અઢળક સંપત્તિ લૂંટી ગયો.
મુસલમાન લશ્કરનો ઘણા રાજાઓ સામનો કરી વીરગતિ પામ્યા. કર્ણ વાઘેલો પણ વગડામાં રઝળી રાંક માણસની માફક મૃત્યુ પામ્યો. વીર વનરાજ ચાવડાએ સં. ૮૦૨માં સ્થાપેલ રાજ્યનો સંવત ૧૩૫૬માં એક હિન્દુ રાજ્ય તરીકેનો અંત આવ્યો.