________________
યુગે યુગે પાટણની પ્રભુતા
(4) લાંછન
२७२
પાટણની રાજગાદી પર ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કર્ણદેવ વાઘેલો થયો. સારંગદેવના ભત્રીજા આ કર્ણદેવે માત્ર ત્રણ જ વર્ષ રાજ્ય કર્યું. વિ.સં. ૧૨૫૩માં એ ગાદીએ બેઠો અને સં. ૧૩૫૬માં તો તેનું પતન થયું.
એના પતનની ઘટના મેરુતુંગાચાર્યે ‘વિચારશ્રેણી’ નામના ગ્રંથમાં આલેખી છે.
કરણ વાઘેલાએ માત્ર ત્રણ વર્ષ સુધી જ રાજ્ય કર્યું હતું. વળી એની કોઇ મોટી સિધ્ધિઓ પણ નથી. છતાં ગુજરાતી સાહિત્યમાં એના ઉપર ઘણી નવલકથાઓ લખાઇ છે. કારણ કે ગુજરાતનો એ છેલ્લો હિન્દુરાજા હતો. વળી એના પતનથી પાટણનું પણ પતન થયું. પાટણ રાજધાની મટી માત્ર દિલ્હીના શહેનશાહના સુબાઓનું વહીવટી કેન્દ્ર જ બની ગયું. કર્ણ વાઘેલાના અંતથી પાટણના યુગનો પણ અંત આવ્યો. પાટણની જાહોજલાલી પણ અસ્ત પામી. પાટણનો સર્વનાશ થયો એમ કહીએ તો પણ ચાલે.
પાટણના સર્વનાશની લાંછનભરી ઘટના વિવિધ ગ્રંથોમાં વિવિધ રીતે લખાયેલી છે. ગુજરાતી સાહિત્યમાં ‘કરણઘેલો’ એ નામની પ્રથમ નવલકથા નંદશંકર તુળજાશંકર મહેતાએ લખી છે અને છેલ્લી નવલકથા શ્રી મોહનલાલ પટેલે ‘લાંછન’ નામથી પ્રસિધ્ધ કરી છે. આ સિવાય શ્રી કનૈયાલાલ મુનશી તેમજ બીજા સાહિત્યકારોએ પણ કર્ણ વાઘેલા પર ઘણું લખ્યું છે.
•
પ્રાચીન સાહિત્યમાં જણાવ્યા મુજબ કર્ણદેવ વાઘેલો એક વહેમી અને ભીરુ રાજા હતો. કર્ણદેવનો મહામાત્ય માધવ હતો. તે ઘણો જ કાબેલ, મુત્સદી અને સ્વાભિમાની નાગર બ્રાહ્મણ હતો.
કર્ણ વાઘેલો દુર્વ્યસની, વિષયી અને જુલમી રાજા હોવાનું નોંધાયું છે. પ્રબંધોમાં જણાવ્યા મુજબ તે દરરોજ રાત્રે વછનાગ નામનું ઝેર ખાતો હતો. ઉઘાડી તલવાર હાથમાં રાખી તે ફરતો હતો. તેના રસોઇઆ તેનાથી ડરીને કે કર્ણદેવના વહેમના કારણે લાંબી કડછીથી તેને ભોજન પીરસતા હતા. ‘મુસલમાનોને ગુજરાતમાં લાવીશ ત્યારે જ પાટણનું અન્ન ખાઇશ’' એમ મહામાત્ય માધવે એકાએક એક દિવસ પ્રતિજ્ઞા કરી . માધવ પ્રધાનને આવી પ્રતિજ્ઞા કેમ લેવી પડી તે અંગે બે ત્રણ કથાઓ પ્રચલિત છે.
એક વાત એવી છે કે, કર્ણ વાઘેલાએ સત્તાના મદમાં માધવનું ઘોર અપમાન કર્યું હતું. બીજી વાત એવી છે કે, રાજાએ માધવ મંત્રીના ભાઇ કેશવને મારી નાખી તેની પત્નીનું હરણ કર્યું હતું. જ્યારે ભાટચારણો કેશવની પત્નીના બદલે ખુદ માધવની પત્નીનું હરણ કર્યાનું કહે છે. નેણસીની ખ્યાતમાં મંત્રી માધવની પુત્રીનું હરણ કર્યાનું જણાવ્યું છે. આમ કારણ ગમે તે હોય પણ મહામાત્ય માધવ કર્ણ વાઘેલાથી નારાંજ થઇ દિલ્હી પહોંચ્યો અને બાદશાહ અલ્લાઉદ્દીનને પાટણ ઉપર ચઢાઇ કરવા સમજાવ્યો.
વસ્તુપાળ જેવા ચતુર મંત્રીએ દિલ્હીના બાદશાહ સાથે મૈત્રી કરી ગુજરાતને આક્રમણથી