________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૬૦
જોવામાં આવતાં. કેટલાક મહોલ્લાઓની પોળોનાં મુખ્યદ્વાર પાછળની બાજુ રાખેલાં હોવાનું આજે પણ જોવામાં આવે છે. આમ પ્રાચીનકાળે પાટણની નગર રચના ઉપર, રાજકીય અસરોના પરિણામો પડડ્યાં હોવાનું જાણવા મળે છે. આજે તે માન્યતામાં પરિવર્તન થયું છે અને જાહેર રસ્તાઓ ઉપર સારાં અને મોટાં મકાનો બંધાવવા લાગ્યાં છે. પરંતુ પોળોની બાંધણીઓ તો જેવી ને તેવી પુરાતન કાળની જ રહી છે. જેમાં કેટલાક મહોલ્લાઓની અંદર નવા રસ્તાઓ જાહેર માર્ગો ઉપર પાડવામાં આવ્યા છે. જ્ઞાતિ કે ધંધાના નામ ઉપરથી પડેલા કેટલાક મહોલ્લાઓમાંથી તે જ્ઞાતિ કે ધંધાદારીઓનું જ અસ્તિત્વ રહ્યું નથી.
પાટણના પ્રાચીન મહોલ્લાઓમાં સૌથી પહેલાં ‘‘ખરાકોટડી’’ થી ઓળખાતા મહોલ્લાનું નામ સૌ પ્રથમ ગણાવી શકાય. આવો જ બીજો મહોલ્લો ‘‘મણિયાર હટ્ટી’’ મણિયાતી પાડાનો છે. સંવત ૧૪૬૩ અર્થાત્ ઇ.સ. ૧૪૦૭ના એક દસ્તાવેજમાંથી નવા પાટણના આ મહોલ્લાનું નામ જાણવા મળે છે. જે તે પોળની પ્રાચીનતા સૂચવે છે. તેટલું જ નહિ પણ નવા પાટણની વસાહત વખતે આ પોળ વિદ્યમાન હતી એમ ચોક્કસ જણાય છે. કોકાવસતિનો મહોલ્લોઃ અણહિલપુર પાટણમાં પણ હતો. જેમાં કોકા નામના શ્રેષ્ઠીએ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બંધાવી, તેમની પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલી હતી. તેથી જ મહોલ્લાનું નામ કોકાવસતિ પડેલું અને પાર્શ્વનાથ ભગવાન પણ કોકા પાર્શ્વથી ઓળખાતા. તીર્થ કલ્પમાં કોકા પાર્શ્વનાથનો સ્વતંત્ર કલ્પ છે. જેમાં આ બધી વિગતો આપતાં તેની અવનવી માહિતી રજુ કરી છે. નવું પાટણ વસ્યા બાદ કોકા પાર્શ્વનાથ ભગવાનનું નવીન મંદિર અહીં બાંધવામાં આવ્યું અને તે મહોલ્લાનુ નામ પણ કોકાનો પાઠો રાખ્યું. જે આજે વિદ્યમાન છે. ફોફળીયાવાડો નામ ફોફળ-સોપારીના વેપારીઓ, તે મહોલ્લામાં નિવાસ કરતા હતા તેથી પડેલું. પ્રાચીન પાટણમાં પણ આ નામનો મહોલ્લો હતો, જ્યાં સંવત ૧૨૨૫માં સારંગ નામનો શ્રેષ્ઠી તેની સ્ત્રી સાથે રહેતો હતો. આ વૈશ્યની એક પ્રાચીન વંશાવલી મળી છે. જેમાંથી તેના સંબંધી હકીકત પ્રાપ્ત થાય છે. નવીન પાટણમાં પણ આ નામની પોળ સ્થપાઇ જ્યાં જુના પાટણની અંદર ફોફળીયાવાડામાં રહેતા વૈશ્યો આવી વસ્યા. તેટલું જ નહિ પણ નવા પાટણમાં પણ તેનું જુનું નામ કાયમ રાખ્યું. યુવરાજપાટક નામનો મહોલ્લો અણહિલપુરમાં હોવાનું ધારી હેમસૂરિષ્કૃત ઉપદેશ માલાની સંવત ૧૩૨૯માં લખાયેલ હસ્તપ્રતની પુસ્તક પ્રશસ્તિ ઉપરથી જાણવા મળે છે. તેવી જ રીતે સંવત ૧૪૨૪માં લખાયેલ ‘‘ત્રિશષ્ઠિ શલાકાપુરૂષ ચરિત્ર’’ના આઠમાં પર્વની પુસ્તક પ્રશસ્તિમાંથી પણ આ મહોલ્લાનું નામ મળે છે. આ સિવાય વાસુપૂજ્યની ખડકીમાં આવેલ વાસુપૂજ્ય સ્વામીના મંદિરમાં વિનયચંદ્રસૂરિની પ્રતિમા છે. તેની નીચેના સંવત ૧૩૭૯ના લેખમાં જણાવ્યા પ્રમાણે તે મૂર્તિ યુવરાજ પાટકના સમસ્ત સંઘ તરફથી પ્રતિષ્ઠિત કરી હોવાનું જણાવ્યું છે. સંવત ૧૩૨૯ની એક પુસ્તક પ્રશસ્તિમાંથી યુવરાજ પાટકનું નામ મળી આવે છે, જેના ઉપરથી પ્રાચીન પાટણમાં પણ યુવરાજ પાટક કે વાટક નામનો મહોલ્લો હતો એમ જાણી શકાય છે. નવું પાટણ વસતાં તે મહોલ્લાના રહેનારાઓ, નવીન પાટણમાં વસવાટ કરવા આવેલા, ત્યારે તેમણે પણ પોતાના મહોલ્લાઓનું પ્રાચીન નામ કાયમ રાખેલું હશે એમ માની શકાય.
યુવરાજ પાટકનો મહોલ્લો નવા પાટણમાં હતો કે કેમ ? તેના માટે કોઇ પ્રમાણ મળ્યું નથી.