________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૧૩૨ ગ્રંથોમાં તો અનુપમ ચિત્રો દોરવામાં આવેલાં છે. આ જ્ઞાન મંદિર એ પાટણનું અપૂર્વ કલાધામ છે જ તે નિઃશંક છે. પંચાસરા પાર્શ્વનાથનું નૂતન મંદિર તથા પ્રાચીન મંદિર -
આ જ્ઞાન મંદિરની પાસે પ્રાચીન પાર્શ્વનાથના મંદિરનાં જ પ્રાંગણમાં નૂતન મંદિરનું નિર્માણ થયેલ છે. પરંતુ તેમાંથી પ્રતિમા પ્રાચીનકાળની અમદાવાદના હઠીસિંહના દહેરાંના સ્થાપત્ય પ્રમાણે વાસ્તુસ્થાપત્ય નિર્માણના ગ્રંથોના આધારે આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. તેની પીઠિકા, મંડોદર, શિખર ખૂબ જ કલાયુક્ત શિલ્પો, ગજથર, નરથર અને આસનોનાં કેટલાંક શિલ્પો, અંગ ભંગીવાળી નર્તિકાઓનાં શિલ્પથી પ્રચૂર છે. પ્રાચીન અણહિલપુરમાં વીર વનરાજે આ મંદિરની પ્રાચીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી હતી. આ નૂતન મંદિર પાસેનાં જૂનાં મંદિરમાં વનરાજ, સિદ્ધરાજના પ્રધાન આસાક, વનરાજના પ્રધાન જાંબ, પદ્માવતિજી, વનરાજના ગુરૂ શીલગુણસુરિના શિષ્ય દેવચંદ્રસૂરિ તેમજ આચાર્ય હેમચંદ્રસૂરિની પ્રતિમાઓ બેસાડેલી છે. આ પૈકી વનરાજની પ્રતિમા સંવત ૧૪૧૭માં તૈયાર થઇ હોવાનું તેની નીચેના લેખ કહે છે. જેમાં વનરાજનો ટુંકો ઈતિહાસ પણ નોંધાયેલો છે.
નવું પાટણ પણ અણહિલપુરના કલા અને શ્રીના ઉપાશકોનું જ નિવાસસ્થાન હોઇ ત્યાંના કેટલાંક જૂના મકાનો પ્રાચીન કાષ્ટકલા સમૃદ્ધિ સભર છે. જૈન મહોલ્લાઓમાં કેટલાંક જૂના મકાનોનાં ઝરૂખા, જાળીઓ, કમાડ, ગોખલા, નવખાનાંના કબાટો, અદ્વિતીય કલામય કોતરણીનાં વિવિધ શિલ્પ પ્રતિકો છે. કલાની સૂઝ કાંઇક પ્રમાણમાં ઓછી થતાં પુરાણી વસ્તુઓ વેચનારા દલાલોને હાથે ધણાં પાણીના મૂલે વેચાઈ પરદેશ ગયાં છે. તો પણ હજી કેટલાંક અવશેષ રૂપે બાકી રહે છે. કેટલાંક જૈન શ્રેષ્ઠીઓના મકાનોમાં ગૃહ મંદિરો પણ આવાં કલામય છે. આવા મકાનો ઉપરાંત કેટલાંક પ્રાચીન જૈન મંદિરો પણ કાષ્ટ શિલ્પોથી પ્રચૂર છે. તેમાં ઝવેરી વાડામાં વાડી પાર્શ્વનાથનું મંદિર જેનો આખોય રંગમંડપ કાષ્ટ શિલ્પોનો છે. જેનું વર્ણન વિસ્તારભયે કરવામાં અત્રે આવતું નથી. આગળ જણાવેલું પ્રાચીન પંચાસરા પાર્શ્વનાથના મંદિરોનો કલામંડપ પણ ગુર્જર કાષ્ટકલાના ભવ્ય નમૂના સમો છે. ઘીવટમાં કુંભારીયા પાડમાં આવેલું ઋષભદેવનું મંદિર પ્રમાણમાં નાનું હોવા છતાં તે પણ કાષ્ટકલાનો અભિનવ નમૂનો છે. કપૂર મહેતાના પાડામાં આદીશ્વર ભગવાનનાં મંદિરના ચોકનો મુખ્ય મંડપ કાષ્ટ કલાનો અપ્રતિમ નમૂનો છે અને આવાં મંદિરોનાં પ્રતિકો જેવાં અનેક ગૃહમંદિરો શ્રેષ્ઠીઓના ઘરમાં આજે છે તે પણ આવાં જ અનન્ય શિલ્પો છે. આવા ગૃહમંદિરો તથા મણિયાતી પાડામાં નગરશેઠનું ઘર દેરાસર પ્રથમ પંક્તિના છે. પદ્મનાભ :
પાટણ શહેર બહાર અગ્નિ ખૂણા ઉપર “પદ્મનાભ” નું સ્થાન છે. કુંભાર લોકો તેમને પદ્મવાડી કે ઠાકોરવાડી તરીકે સંબોધે છે. પદ્મનાભ નામ ઉપરથી કોઇ વિષ્ણુ મંદિરોનો સહજ ખ્યાલ આવે પરંતુ અહીં તેવું નથી. અહીં તો એક મોટી વાડી છે. જેમાં સેંકડો તુલસીક્યારા જમીનમાંથી ખોદી કાઢી, દરેક ક્યારાઓને જુદા જુદા દેવી-દેવતાનાં નામ આપી પૂજવામાં આવે છે. આ બધામાં મુખ્ય ક્યારો છે પદ્મનાભનો. આથી પદ્મનાભ વિષ્ણુ નહીં પરંતુ પદ્મ નામના ભકતના નામ પ્રભુ તે