________________
ઘમ્મિલકુમાર રાસ
જે વિધિ હશે તે પતાવી ભોજન સમારંભમાં સૌ ભેગાં થયાં. સાથે સૌએ ભોજન કર્યું. ત્યાર પછી વિમળા રાજભવનમાંથી સુખાસન પાલખીમાં બેસીને પોતાની માતા કમળા પાસે પોતાના ભવનમાં આવી. હૈયામાં હરખ માતો નથી. કલ્પના બહાર આનંદ વધ્યો છે. માતાને પણ બધી વાત કરી. અને વિમળા હવે પોતાના વાસભવનને સારી રીતે શણગારવા સજાવવા લાગી, ॥૨૯॥
૩૦૬
બે દિન બાદ રાજાએ પણ ધન્મિલને વિદાયગીરી આપી. દાયજો ઘણો આપ્યો હતો. તે સઘળા દાયજા સાથે તે બંને વધૂને સાથે લઈને ધમ્મિલ ઠાઠમાઠ પૂર્વક પોતાને ઘેર (વિમળા કમળા જ્યાં રહેલા છે ત્યાં) રસાલા સાથે આવ્યો. વિમળાએ પણ એ ત્રણેયને સ્નેહપૂર્વક સારા ભાવ સાથે વરવહુને પોંખી લીધાં. ઘરમાં પ્રવેશ પણ સારી રીતે કરાવ્યો. વિમળાને ઘણી આનંદમાં જોઈને સ્વજનવર્ગ સેવક પરિજનો સૌ ઘણા આનંદ પામ્યા. ।।૩૦ા વિમળાને સોળે કળાએ ચાંદ ખીલ્યો. સોનાનો સૂરજ આંગણે ઊગ્યો. ધમ્મિલ પણ વિમળા સાથે પ્રેમપૂર્વક સ્વર્ગનાં સુખ ભોગવે છે. ક્યારેક આ પ્રેમીપંખીડાં જળક્રીડા કરવા જાય છે, તો ક્યારેક વન ઉદ્યાનમાં રમવા જાય છે. આનંદમાં દિવસો જાય છે. ।।૩૧।।
આ રીતે ચારેય પ્રેમીપંખીડાંના સુખમાં દિવસો જાય છે. ગુણવંતના હૃદયને ગમે, તેવી આ તેરમી ' ઢાળ ચોથા ખંડને વિષે શ્રી શુભવીરવિજયજી મહારાજે કહી. હે શ્રોતાજનો ! હવે આગળ શું બને છે ? તે તમે સૌ સાંભળો. આ પ્રમાણે તેરમી ઢાળ પૂરી કરતાં કરતાં ચોથો ખંડ પણ સમાપ્ત થાય છે.
હવે આગળ વળી કથાકાર કહે તે સાંભળીએ. ।।૩૨।।
ચોપાઈ
ખંડે ખંડે મધુરતા ઘણી, ધમ્મિલરાય ચરિત્રે ભણી; એ વાણીથી લઘુતા ભઈ, સુધા મધુરતા સ્વર્ગે ગઈ...IIII
ધમ્મિલકુમારનાં ચરિત્રમાં, એક ખંડ કરતાં બીજા ખંડમાં વધારે મધુરતા રહેલી છે, કે જે વાણીની મધુરતા આગળ અમૃતની મધુરતા તો લઘુતા પામીને સ્વર્ગે ચાલી ગઈ.
ઇતિ શ્રી મત્તપોગચ્છાધિરાજભટ્ટારક શ્રી વિજયસિંહ સૂરીશ્વર સંતાનીય સંવિશપક્ષી પંડિતશ્રી ક્ષમાવિજયગણિ શિષ્ય પંડિત શ્રી યશોવિજયગણિ શિષ્ય પંડિત શ્રી શુભવિજય ગણિશિષ્ય પંડિત શ્રી વીરવિજયગણિ વિરચિતે શ્રી ધમ્મિલ ચરિત્રે, પ્રાકૃત પ્રબંધે ઉભય સ્ત્રી પાણિગ્રહણ કૃતે પુણ્યોદયવર્ધનો નામ ૠતુર્થ ખંડ સમાપ્તઃ |
ઢાળ : ૧૩ સમાપ્ત
શ્રીમદ્ તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી વિજયસિંહસૂરીશ્વર સંતાનીય સંવિજ્ઞપક્ષી, પંડિત શ્રી ક્ષમાવિજયગણિ શિષ્ય પંડિત શ્રી યશોવિજયજી ગણિ શિષ્ય પંડિત પંડિત શ્રી શુભવિજયગણિ શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી ગણિ વિરચિત શ્રી ધમ્મિલ ચરિત્રના પ્રાકૃત પ્રબંધમાં બંને સ્ત્રીનું પાણિગ્રહણ કરાવનાર પુણ્યોદયવર્ધન નામનો ચોથો ખંડ સમાપ્ત. સર્વગાથા ॥ ૪૬૪ ॥
આ ખંડમાં ધમ્મિલનો જંગલમાં પ્રવેશ, દુર્યોધન ચોરને હણવું, અજિતસેન પલ્લીપતિનું બહુમાન, ધમ્મિલનો ચંપાનગરીમાં પ્રવેશ યુવરાજ રવિશેખરની મિત્રતા, રાજકન્યા વિમળા સાથે લગ્ન.