________________
ખંડ - ૧ : ઢાળ - ૧૩
63
સાંજે ફૂલેકાએ.ચઢાવ્યા. ઓચ્છવ ઘણા થયા. ચૉરી પણ નગરના ચોકમાં ચિત્રવિચિત્ર ચિતરાવીને મૂકી છે. અર્થાત્ કલાકારે ચૉરીની રચના સુંદર કરી છે. ॥૩૨॥ રાજાએ મહામહોત્સવપૂર્વક રાજકુંવરીનાં લગ્ન કુમારની સાથે કર્યા. કન્યાદાન આપ્યું. કન્યાદાનમાં રૂપે રંભા સરખી દીકરી જ મુખ્યપણે હતી. ને તેની સાથે સાથે કન્યાદાનમાં એક હજાર અલંકારીને હાથી આપ્યા. સજાવેલા ૧૦ હજાર ઘોડા આપ્યા. એક કરોડ સોનૈયા, દાયજામાં આપ્યા. એક લાખ ગામ આપ્યાં. વસ્ત્રોનો પાર ન પામી શકાય તેટલાં રત્ન માણેક મોતી સુશોભિત અલંકારો – આભૂષણો – જરઝવેરાતનો તોટો નથી. તેટલું આપ્યું. વળી વાહન-દાસ-દાસીનો ઘણો વર્ગ...આદિ કમળસેનાને મનમાનતી બીજી પણ ઘણી વસ્તુ આપી. II૩॥
કુમાર સસરાને ઘેર ઃ- વળી નવપરિણીત વરકન્યાને રહેવા મોટો મહેલ બંધાવીને આપ્યો. જે મહેલમાં કુમાર અને કુંવરી સુખભર રહે છે. કુમાર (સસરાધેર) રાજાનાં અધિક માન સન્માનથી આનંદમાં સુખપૂર્વક દિવસો (પસાર કરે છે) નિર્ગમન કરવા લાગ્યો. દીન દુઃખી અને અનાથોનો ઉદ્ધાર કરતો. લક્ષ્મીનો સદ્બય કરે છે. રાજકુમાર પિતા સમાન – પંડિતજીને પણ બહુમાનપૂર્વક દાન ઘણું આપે છે. વળી આગળ પરણેતર મદનમંજરીને પણ યાદ કરે છે. શેઠની પુત્રી મદનમંજરીને ભૂલતો નથી. ।।૩૪।। રાસના કર્તા પુરુષ કહે છે કે જેમ મુનિ નિશ્ચયનયને હૈયામાં રાખીને વ્યવહારનું પાલન કરે છે તેમ અગડદકુમાર, મદનમંજરીને યાદ કરતો, મનમાં તેનું સ્મરણ કરતો થકો, કમળસેના સાથે સંસારનાં સુખ ભોગવી રહ્યો છે.
શ્રી ધમ્મિલકુમાર રાસની આ પ્રથમ ખંડની તેરમી ઢાળ કહેતાં શ્રી શુભવીરવિજયજી મ.સા. ઘણા (આધ્યત્મિક રીતે) સુખી થયા. આ રાસની કથાના નાયક અગડદત્ત કુમાર સંસારના સુખના સ્વામી થયા. આ રીતે બંનેએ સુખ મેળવ્યું. ।।૩૫।।
પ્રથમ ખંડની ઢાળ : ૧૩ સમાપ્ત
ચોપાઇ
ખંડે ખંડ મધુરતા ઘણી, જેમ રસ શેરડી સાંઠે ભણી,
શ્રી શુભવીર વચન રસ લત્તા, ધમ્મિલ રાસે ચખો પુણ્યવતા. ॥૧॥
જેમ શેરડીના સાંઠામાં આગળ વધુ રસ હોય છે, અને (જ્યાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય) અહીં પણ પ્રથમ ખંડ કરતાં બીજા ખંડના રસની મધુરતા વધારે હોય છે, તે જ રીતે શ્રી શુભવીરવિજયનાં વચનરૂપી શેરડીના રસને આ ધમ્મિલકુમારના રાસમાં હે પુન્યવંતા પ્રાણીઓ ! તમે તે રસ ચાખો. ઇતિ શ્રીમત્તપોગચ્છીય સંવિશશિરોમણી પંડિત શિરોરત્ન પંડિતશ્રી શુભવિજય ગણિશિષ્ય પંડિતશ્રી વીરવિજયગણિવિરચિતે શ્રી ધમ્મિલચરિત્રે પ્રાકૃત પ્રબંધે પ્રથમખંડ સમાપ્તઃ ॥
આ પ્રમાણે શ્રીમદ્ તપાગચ્છીય સંવિજ્ઞ શિરોમણી, બુદ્ધિશાળીઓમાં મુગટ સમાન પંડિતવર્ય શ્રી શુભવિજય ગણિવર્યના શિષ્ય પં. શ્રી વીરવિજય ગણિવર્યે શ્રી ધમ્મિલકુમાર ચરિત્રના પ્રાકૃત પ્રબંધમાંથી રચેલ પ્રથમખંડ સમાપ્ત થયો. સર્વ ગાથા ૪૩૪.
-
ધમ્મિલનો જન્મ – ધમ્મિલનો વૈરાગ્ય - લગ્ન - વેશ્યાને ત્યાં રહેવું – અક્કાનો તિરસ્કાર, ઘરે માતપિતાનું મૃત્યુ, અગડદત્તમુનિ સાથે સમાગમ, વિજયપાલ રાજાનું દૃષ્ટાંત, અગડદત્ત મુનિએ કહેલો પોતાનો વૃત્તાંત,...આ સર્વ વાતો પ્રથમખંડની ૧૩ ઢાળમાં જણાવી.
પ્રથમ ખંડની ઢાળ : ૧૩ પૂર્ણ. · પ્રથમ ખંડ પૂર્ણ