________________
परिशिष्ट
- '
श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३
અહીં કલ્પ્ય અકલ્પરૂપ બંને વસ્તુ મેળવીને જે આપે, તે ઉન્મિશ્ર.
સંહરણતો વાસણમાં રહેલ અદેય વસ્તુને બીજી છાબડી વગેરેમાં સંહરીને આપવું તે સંસ્કૃત – એમ ઉન્મિશ્ર અને સંસ્કૃતનો ભેદ છે.
૮. અપરિણત : અપ્રાસુક એટલે અચિત્ત ન થયેલ તે. તેમાં સામાન્યથી દ્રવ્ય અને ભાવ – એમ બે પ્રકાર છે. આ બંનેના પણ દાતા વિષયક અને ગ્રહણ કરનાર વિષયક – એમ બે પ્રકાર છે.
દ્રવ્યરૂપે અપરિણત એટલે પૃથ્વીકાય વગેરે સજીવ સ્વરૂપે હોય તે, પરિણત એટલે જે અચિત્ત થયેલ હોય. તે; તે પૃથ્વીકાય વગેરે દાતાના કબજામાં હોય, તો દાતૃવિષયક અને ગ્રાહકના કબજામાં હોય તો ગ્રાહકવિષયક. ભાવવિષયક – બે અથવા ઘણી વ્યક્તિ જે દેય પદાર્થના માલિક હોય, તેમાંથી કોઈક એકને દાન આપું એવો ભાવ થાય અને બીજાઓને ન થાય – એ ભાવથી દાતૃવિષયક પરિણત.
અહીં સાધારણ અનિસૃષ્ટદોષમાં દાતા પરોક્ષમાં હોય છે. દાતૃભાવઅપરિણતમાં દાતા હાજર હોય છે - એમ બંને વચ્ચે તફાવત છે.
સંઘાટકરૂપે બે સાધુઓ ગૃહસ્થને ત્યાં ગોચરી માટે ગયા હોય, તેમાં એક સાધુને લેવા યોગ્ય અશનાદિને શુદ્ધ છે – એમ મનમાં લાગ્યું હોય એટલે પરિણમ્યું હોય અને બીજા સાધુને ન પરિણમ્યું હોય, તે ગ્રાહકવિષયક ભાવાપરિણત છે. આ સાધુને ન ખપે, શંકિત હોવાથી અને ઝઘડા વગેરે દોષનો સંભવ હોવાથી.
૯. લિપ્ત : દહિં, દૂધ, ઓસામણ વગેરે હાથ અને પાત્રને લેપ કરનાર એવા પદાર્થને ઉત્સર્ગથી સાધુએ ન લેવા. કારણ કે દૂધ, દહિં વગેરે રસોના વપરાશથી લંપટતા વધવાનો સંભવ છે. દહિં વગેરેથી લેપાયેલ હાથ ધોવા વગેરે રૂપ પશ્ચાત્કર્મ વગેરે અનેક દોષોનો સંભવ છે. સાધુને અલેપકૃત વાલ, ચણા,ભાત વગેરે જ ખપે.
તથાવિધ શક્તિનો અભાવ હોય, કે નિરંતર સ્વાધ્યાય અધ્યયન વગેરે કંઈક બીજા પુષ્ટ કારણ આશ્રયીને લેપકૃત પણ ખપે.
લેપકૃત ગ્રહણ કરતા દાતાનો હાથ સંસૃષ્ટ અથવા અસંસૃષ્ટ હોય છે અને જે વાસણ વડે ભિક્ષા આપવાની હોય, તે વાસણ માત્રક વાટકી વગેરે પણ સંસૃષ્ટ અથવા અસંસૃષ્ટ હોય છે.
દેય પદાર્થ પણ સાવશેષ એટલે પાછળ કંઈક બચે તે સાવશેષ અને પાછળ કંઈ નેં બચે તે નિરવશેષ – એમ બે પ્રકારે છે.
આ ત્રણ પદો ૧. સંસૃષ્ટ હાથ, ૨. સંસૃષ્ટમાત્રક, ૩. સાવશેષ દ્રવ્યના વિરોધી પદો સાથે પરસ્પર યોગ કરવાથી (મેળવવાથી) આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે
૧. સંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૨. સંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય. ૩. સંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય, ૪. સંસૃષ્ટ હાથ, અસંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય. ૫. અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, સાવશેષદ્રવ્ય. ૬. અસંસૃષ્ટ હાથ, સંસૃષ્ટમાત્રક, નિરવશેષદ્રવ્ય.
૧૫૩