________________
તેમ છે. માનસિક પથ્ય ભોજન પ્રભુનામમંત્રનું શબ્દથી અને અર્થથી ગ્રહણ કરવું તે છે. તે વડે ભક્તિ, આત્માનુભૂતિ અને વિષયવિરક્તિરૂપી તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધાનિવૃત્તિ સધાય છે. વિષયોની વાસનાઓથી ક્રોધાદિ કષાયોની ઉત્પત્તિ થાય છે અને અને ક્રોધાદિ કષાયોના પુનઃ પુનઃ સેવનથી આત્માની મૂળ કાયા ક્ષીણતાને પામે છે. તે ક્ષીણતાને દૂર કરવાનો ઉપાય પથ્યભોજનની જેમ પ્રભુના નામ મંત્રનું સ્મરણ આદિ છે અને કુપથ્ય વર્જનની જેમ વિષયોના સંગનો ત્યાગ વગેરે છે. વિષયોથી દૂર રહી પ્રભુસ્મરણ આદિમાં સમય પસાર કરવામાં આવે તો આત્મગુણોની તુષ્ટિ-પુષ્ટિ અવશ્ય થાય છે, એવો સર્વ મહાપુરુષોનો અનુભવ છે.
મહામંત્રનો પ્રભાવ
વિધિયુક્ત ભૂતકાળમાં આરાધાયેલાં અને વર્તમાનમાં આરાધાતા શ્રીપંચપરમેષ્ઠિ મહામંત્રના પ્રભાવથી વિશ્વરચના વ્યવસ્થિત ચાલી રહી છે. એ પરમેષ્ઠિના પવિત્રતમ ભાવના બળથી સૂર્ય, ચંદ્ર નિયમિત ઉદય પામે છે, પૃથ્વી ધાન્ય આપે છે, મેઘ પાણી આપે છે, જગતમાં સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. એ શ્રીપરમેષ્ઠિઓના પ્રભાવથી જ વિશ્વકલ્યાણની કામના જીવંત છે, પરમતત્ત્વની હયાતી છે, અરે ! જગતમાં જે જે શુભ દૃષ્ટિગોચર થાય છે, તે સર્વ સારાએ વિશ્વને સ્વાત્માની જેમ જોનારા પરમ પુરુષોના પરમભાવનું ફળ છે અને જે કાંઈ અશુભ છે, તે વિશ્વભાવને છોડી–પરાર્થભાવને ત્યજી કેવળ સ્વાર્થની વાસનામાંથી જન્મેલ મલિનતાનું ફળ છે.
અહો ! આવી મલિનતામાં પણ માનવતાના બીજ રોપી દાનવ થતા અટકાવી મહામાનવનું સર્જન કરી વિશ્વભાવનાનું પવિત્ર પાત્ર બનાવનાર આ પરમેષ્ઠિ મહામંત્રનો પ્રભાવ અજબ છે.
ત્રણે કાળમાં જગતમાં જ્યાં જ્યાં વિશ્વભાવના દેખાય છે, ત્યાં ત્યાં આ મહામંત્રનો પ્રભાવ કામ કરી રહ્યો છે.
ધર્મ-ચિંતન - ૪૫