________________
શ્રીસુયશ જિનેશ્વરદેવના મુખકમળથી મહામહિમાશાળી શ્રીનવકારનું માહાત્મ્ય તથા પોતાનો પૂર્વભવ સાંભળી વિદ્યાધર રાજા રત્નશિખ સંસારના તુચ્છ સુખોથી વિરક્ત - બન્યો. પુત્રને રાજ્યગાદી આપી શુદ્ધ સંયમની આરાધના કરી કેવળજ્ઞાન અને મોક્ષ લક્ષ્મીને પામ્યો.
(આ.ભ. શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ‘શ્રીઉપદેશપદમહાગ્રંથ' ટીકા સમેત, પત્ર ૪૩૨, ગાથા ૧૦૩૯)
ચતુર્વિધ ભેરી
પ્રાચીન ઇતિહાસ આપણને ચાર પ્રકારની ભેરીના અસ્તિત્વની યાદ આપે છે. ભિન્ન ભિન્ન અવસરે વગાડવામાં આવતા આ વાજિંત્રથી તે તે પ્રકારની અસરો નીપજતી હતી, એમ કહેવાય છે.
ઉત્સવ મનાવવા માટે “કૌમુદી’”નામની ભેરી વગાડવામાં આવતી હતી. રણે ચડવા માટે “સંગ્રામિકા” નામની ભેરી બજાવવામાં આવતી હતી. નૂતન કાર્યોની શરૂઆત કરવાના પ્રસંગે જે શરણાઈ બજાવવામાં આવતી હતી, તે ભેરી “ઉપમૂદી” નામથી ઓળખાતી હતી.
સાંભળનારાઓના સર્વ પ્રકારના રોગોનો નાશ થાય એવી એક ખાસ ભેરી શ્રીકૃષ્ણે અટ્ઠમ તપ કરીને દેવતાઓ પાસેથી મેળવી હતી. એ ભેરીનું નામ હતું “અશિવોપશમિની.’
બાવીસમાં તીર્થંકર પ્રભુ શ્રીમનેથાથ ભગવંતના સમયમાં શ્રીકૃષ્ણ પાસે આ ચારે પ્રકારની ચાર ભેરીઓ હતી, એમ કહેવાય છે.
પરંતુ એ ચારેનું જેમાં એકીકરણ થયેલું છે, એવી એક મહાભેરી, ચતુર્વિધ ભેરી, જિનશાસનમાં અનાદિ કાળથી અસ્તિત્વમાં છે.
પ્રત્યેક નૂતન કાર્યના આરંભમાં એ મહા ભેરી વગાડીને જો પ્રારંભ કરવામાં આવે તો બધાં જ કાર્યોમાં અચૂક સફળતા પ્રાપ્ત થાય છે. એનું શ્રવણ કરનારના સર્વ રોગોનો નાશ થાય છે. કર્મરિપુ સામે રણે ચડેલા યોદ્ધાઓને ઉત્સાહ અને સામર્થ્ય આપવાની એ મહાભેરી સમી શક્તિ તો વિશ્વની બધી જ સંગ્રામિકાઓને ભેગી કરો, તોયે નહિ પ્રગટે. માનવી અને પ્રભુનાં તમામ મંગલ-કલ્યાણોના ઉત્સવને ઉજવવાનો ઉત્સાહ આપનારી કૌમુકી પણ એ પોતે જ છે. એનાથી વધે કે ચડે એવી અન્ય કોઈ ‘ભેરી’ આ વિશ્વમાં કોઈએ કદી જોઈ કે જાણી નથી.
એ મહાભેરીનું નામ છે, શ્રી ‘નમસ્કાર મહામંત્ર.’
ધર્મ-ચિંતન ૦ ૩૯૯