________________
સુધી કદીયે ચૂકતે ન થાય, તેમ આજ સુધીના અનેક ભવોમાં આપણા ખાતામાં જે ઉધાર બોલે છે, તે ભરપાઈ કરી દેવા સર્વજીવહિતકર ધર્મની સાધના અનિવાર્ય બની રહે છે.
દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિના આપણા શુભ પ્રયત્નોમાં પૂરતો વેગ અને એકાગ્રતા આણવા માટે બાહ્ય અને અત્યંતર તપનો પવિત્ર તાપ અને જપનું સંગીત ખૂબ-ખૂબ જરૂરી છે.
તપનો તાપ અને જાપનું સંગીત જીવનના પ્રવાહને ઉર્ધ્વગામી બનાવવામાં અચૂકપણે સફળ પુરવાર થાય છે.
તપ-તાપજન્ય વિશુદ્ધિના પ્રભાવે શ્રીનવકારના જાપનું સંગીત એટલું તો ઊંડે સુધી ફેલાય છે કે તેની અસર ભવાંતરમાં પણ સાથે રહે છે અને જીવને સન્માર્ગની પવિત્ર પ્રેરણા પૂરી પાડીને ઉન્માર્ગગામી બનતો અટકાવે છે.
ભયનો સંબંધ ઉન્માર્ગ સાથેના સંબંધના કારણે થતો હોય છે.
ધર્મના ધોરી માર્ગ ઉપર ચાલનારા પુણ્યશાળીને ભય પમાડી શકે એવો કોઈ ‘ભય’ ત્રણ લોકમાં અસ્તિત્વ ધરાવતો જ નથી.
ભય પણ જેનાથી ભય પામીને ભાગી જાય એવી પવિત્ર આંતરપ્રભા શુભભાવપૂર્વકની ધર્મસાધનામાંથી જન્મે છે અને વાતાવરણને મંગલમય બનાવી દે છે.
સુખ પ્રત્યેનું આપણું લક્ષ્ય જ્યારે ફટકીયા મોતી જેવા માત્ર ચમકદાર જણાતા ઉપલક સુખને બદલે સાચા મોતી સરખા કાયમી ટકનારા સુખ સાથે બંધાય છે, ત્યારે જગતના બધા જીવોને એવા સાચા સુખના ભાગી બનાવવાનો ભાવ આપણી વૃત્તિને સ્પર્શે છે અને તે વૃત્તિપૂર્વકની પ્રવૃત્તિમાં આપણને અનુપમ આનંદ અનુભવવા મળે છે.
એ આનંદના સ્પર્શે ચિત્તમાં પુનમના ચંદ્રની પ્રસન્નતા પથરાય છે. એ પ્રસન્નતાને ‘મંગળધર' સાથે સરખાવી શકાય.
મનને ‘શોકસદન’ને બદલે ‘મંગળધર’માં બદલી નાખવા માટે ત્યાં પધરામણી થવી જોઈએ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની, એ ભગવંતોને સમર્પિત થયેલા મનને અડવાની મુદ્દલ હિંમત કોઈ પણ પ્રકારના ભયમાં હોતી નથી.
રાજાના શરણાગતનું એક જમાદાર કાંઈ ન બગાડી શકે તેમ શ્રીનવકારના શરણાગતને પજવવાની હામ ભીડે એવી કોઈ તાકાત ત્રિભુવનમાં નથી.
ઘણા હર્ષની વાત છે કે ભારતનાપુણ્યશાળી આત્માઓ અષ્ટગ્રહોના અનિષ્ટકરયોગનો સામનો આજે સારી રીતે કરી રહ્યા છે.
એ સામનો સત્ત્વવર્ધક નીવડો !
શુભ ફળદાયી નીવડો !
નમસ્કારભાવની અમાપ શક્તિનો પરિચાયક નીવડો !
ધર્મ-ચિંતન ૦ ૨૪૭