________________
શ્રીનમસ્કારસામર્થ્ય
જીવનું શિવસ્વરૂપ શ્રીનવકારમાં છે.
જેમ-જેમ તેની વિધિપૂર્વકની આરાધનામાં આરાધક ઓતપ્રોત થતો જાય છે તેમ તેમ તેનું શિવસ્વરૂપ ઉઘડતું જાય છે. તેને તે સ્વરૂપનો ભાવ સ્પર્શતો થાય છે.
શ્રીનવકારની આરાધના એટલે અરિહંતભાવની એકનિષ્ઠાપૂર્વકની આરાધના. પ્રાણવંત આસ્તિક્ચ સિવાય તે આરાધનામાં પૂરો વેગ નથી આવતો. આસ્તિક્ય એટલે જીવંત લોકસંપર્ક.
શ્રીઅરિહંત પરમાત્માના સર્વોચ્ચ આત્મભાવના એક વારના પણ સ્પર્શ પછી જીવ પ્રત્યેના ભાવનું યથાર્થ મૂલ્ય આરાધકને હૃદયગત થાય છે.
શ્રીનવકાર એ તે ભાવનો મહાસાગર છે.
તેના આંતરસ્પર્શે વિભાવદશા જાય છે અને સ્વભાવદશા પરિણત થાય છે. સ્વભાવદશા પરિણત થાય એટલે જીવના હિતને ભાવ આપવાનું મહાકાર્ય શ્વાસોચ્છવાસની ક્રિયા જેટલું સરળ અને સ્વાભાવિક બનતું જાય.
શ્રીનવકાર સાથે જોડાયેલા પ્રાણો શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર આજ્ઞા સાથે જોડાઈને ઉત્કૃષ્ટ આસ્તિક્યને પાત્ર બને છે.
આસ્તિય, આજ્ઞા અને નમસ્કારભાવ એ ત્રણે વચ્ચે સાચો અભેદ સધાતો જાય તેમ તેમ સાધકનો પરમાત્મયોગ દઢતર બનતો જાય. ભવોભવનાં કર્મોનો હિસાબ ચૂકવવાની તેની આત્મશક્તિ વધતી જાય. શ્રીતીર્થંકર પરમાત્માની આજ્ઞાના અંતરાળે વહેતા મહાકરુણાના અમૃતપ્રવાહની બહાર ફરવું પડે તે તેને ખૂબ વસમું લાગે. વિશ્વઋણ ચૂકવવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહેવા માટે તે પોતાના વિચારના ભવચક્રમાં ફસાવારૂપ વિરાધકમાર્ગની સામે પણ ન જુએ.
ચક્રનો દાંતો જે રીતે દેહને ઈજા પહોંચાડે છે તેમ પોતા પ્રત્યેની મમતા આત્મભાવને ઝાંખો પાડે છે.
અરિહંતભાવના અનન્યતમ આલંબન સિવાય ભવચક્રના વેગને આંબવાની ક્ષમતા જીવમાં એકાએક પ્રગટ થતી નથી.
વિશ્વપ્રાણ શ્રીનવકાર તે આલંબન પૂરું પાડે છે.
કર્મની સત્તા નીચે રહેલા જીવને ધર્મની અચિંત્ય શક્તિના સીધા સંબંધમાં લાવવામાં શ્રીનવકારનો એક એક અક્ષર, આજ્ઞાસ્વરૂપ છે.
૧૬૦ ૦ ધર્મ-ચિંતન