________________
- જેમને શ્રીનવકાર નથી મળ્યો તેમની યથાર્થ દશાનું જો આપણે ચિંતન કરીએ તો પણ શ્રીનવકાર પ્રત્યેનો આપણો પરમપૂજયભાવ અનંતગણો વધી જાય. અને પરહિતચિંતાનો આપણે પરિઘ ટૂંક સમયમાં લોકવ્યાપી બની જાય.
શ્રીનવકારને યાદ કરતાં વેંત આપણને મોક્ષ યાદ આવવો જોઈએ. સિદ્ધશીલાના અજવાળામાં આપણા અંતરનો અંધકાર દેખાવો જોઈએ.
તે અંધકારને દૂર કરવાનું અચિંત્ય સામર્થ્ય શ્રીઅરિહંત પરમાત્માની સર્વકલ્યાણકર આજ્ઞાના હૃદય સરખી તેઓશ્રીની ભાવનામાં છે એવી શુભ નિષ્ઠા પાકવી જોઈએ.
તે ભાવનાને પકવનારી મૈત્યાદિ ભાવનાની સેવનની અનિવાર્યતા સમજાવી જોઈએ.
તે ભાવનાના સેવનમાં સહાયક થતા આત્માઓ પ્રત્યે આપણો આંતરિક આદર વધવો જોઈએ.
તે ભાવનાને માફકસરના આચાર વચ્ચે સ્થિર કરનારા ચતુર્વિધ શ્રીસંઘ પ્રત્યે, પ્રભુજીએ પ્રવર્તાવેલા ધર્મતીર્થ પ્રત્યે આપણા હૈયામાં ઉત્કૃષ્ટ પ્રકારનો આદર પ્રગટવો
જોઈએ.
' તે તીર્થના બીજભૂત દેવાધિદેવની મહાકરુણા પ્રત્યેનો આપણો પક્ષપાત આપણી જાતના પક્ષપાત કરતાં ખૂબ ખૂબ વધી જવો જોઈએ.
કારણ કે તીર્થકરત્વના બીજરૂપ મહાકરુણાના પક્ષ સિવાય શ્રીનવકાર પ્રત્યેનો આપણો આદર અસલિયત નહિ ધારણ કરી શકે, તે સિવાય આપણા આત્માની અસલિયત પ્રગટ નહિ થઈ શકે, અને આત્માના સ્વાંગમાં ભવ આપણને ભરમાવતો રહેશે, સ્વાર્થ આપણને સતાવતો રહેશે, અહં આપણને અથડાવતો રહેશે.
અને શ્રીનવકાર મળવા છતાં ભવપાર થવાની આપણી મૂળ ટેક, પૂરી નહિ
થાય.
ત્રિભુવનપ્રદીપતુલ્ય મહામંત્ર શ્રીનવકારનો ભાવપ્રકાશ આપણને સહુને અહર્નિશ આપણી મૂળટેકનું નિર્મળ દર્શન કરાવતા રહો !
ધર્મ-ચિંતન • ૧૩૩