________________
પરોપકારી ગુરુદેવ
લેખક -નવકાર સાધક શશીકાંતભાઈ મહેતા પરમ પૂજ્ય પંન્યાસજીમ.ના દેહ વિલય થયાને સમય થઈ ગયો. તેઓશ્રીના ઉપકાર વર્ણન કરવામાં શબ્દ ઓછા પડે છે. આ મહાપુરુષના સંઘ પર અસીમ ઉપકારો છે. જે પણ એમની નિકટમાં આવે તેને અમીરસનો પ્યાલો પીવડાવતા.
તેઓશ્રી શાસ્ત્રવિદ્ મંત્રવિદ્ અને આત્મવિદ્ હતા. ગુરુગમથી જ્ઞાનને પ્રાપ્ત કરીને શાસ્ત્રના જાણકાર બન્યા હતા. નમસ્કાર મહામંત્રની અપૂર્વ સાધના કરીને આત્મ સાક્ષાત્કાર કર્યો હતો.
તેઓશ્રી નામ અને રૂપની મમતાથી પર બનેલા હતા. આ જ કારણથી તેઓ સૌના હૃદયમાં વસ્યા હતા.
અસ્વસ્થ તબિયતમાં પણ ૨-૨ કલાક સુધી તત્ત્વબોધ સમજાવતા. એમના ઉપકારોનું વર્ણન કયા શબ્દોમાં કરું? તેમનું મૌન પણ ઉપદેશ આપતું. તે જેમ જેમ મૌનની સાધનામાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ સંઘના હૃદયમાં આદર પ્રાપ્ત બન્યા.
આત્મ કલ્યાણ અને કર્મનિર્જરાને માટે જૈનશાસનમાં ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે તે ધ્યાન માર્ગના તેઓશ્રી શ્રેષ્ઠ સાધક હતા. સાધના માર્ગમાં આગળ વધવા માટે જીવનમાં મૈત્રી અનિવાર્ય છે. મૈત્રીભાવને આત્મસાત્ કર્યા વિના ધ્યાન માર્ગમાં આગળ વધી શકાતું નથી.
નમસ્કાર મહામંત્રના માધ્યમથી તેઓશ્રીએ ધ્યાન સાધના કરી હતી. પરિણામ સ્વરૂપ નમસ્કાર મહામંત્રની અતલ ગહરાઈમાં પહુંચીને અનેક અનુપ્રેક્ષા પ્રાપ્ત કરી હતી.
આ મહામંત્રમાં ધ્યાનયોગ રહેલો છે. આ મહામંત્રમાં ભક્તિયોગ છે. વાસ્તવમાં એ આત્મવિદ્ મહાત્મા હતા. સંઘનું પુણ્ય હતું કે આ પવિત્ર મહાત્માના દર્શન થયા. એમની નિઃસ્પૃહતા અજબ કોટિની હતી. એમના વિચારોમાં સ્યાદ્વાદની છાયા હતી. એમના વચનમાં અવર્ણવાદ ન હતો. અને વ્યવહારમાં દયા હતી. એમની સ્યાદ્વાદ યુક્તિની વિચારશૈલીને દેખી મુક્તાનંદસ્વામી પણ એમના ચરણોમાં ઢળી પડ્યા હતા.
૫૦ વર્ષના શ્રીસંયમ પર્યાયમાં તેઓશ્રીના મુખમાંથી ક્યારેય કોઈની નિંદા થઈ નથી. તેઓશ્રીનું પવિત્ર જીવન મૈત્રીભાવથી દિપ્તિમાન હતું. તેઓશ્રીનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે પોતાના જીવનને નમસ્કાર મહામંત્ર અને મૈત્રીભાવથી ભાવિત કરવું પડશે.