________________
ભાવનિધાન
(‘મેળવવા જેવા તો નવ ભાવનિધાન છે.' એ સત્યને મનનીય આ લેખમાં સચોટ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.સં.)
આ સંસારમાં નિધાન મેળવવાની ઇચ્છા કોને નથી ? જેમને નિધાનની સમજ નથી, તેવા જીવોની વાત બાજુએ રાખીએ, કેમ કે એ જીવો એવા અશુભ કર્મોથી પીડાય છે કે—આપણા દિલમાં તેમને માટે ગમે તેટલી દયાની લાગણી હોય તો પણ આપણે આપણી દયાને એ જીવો માટે ફલવતી બનાવી શકીએ તેવી તત્કાલ શક્યતા નથી. એટલે એવા જીવો માટે તો આપણે એવી જ ભાવના ભાવી શકીએ કે—એ જીવો મનુષ્યપણું પામી ભાવનિધાનને પ્રાપ્ત કરો.
પણ જે જીવો નિધાન વિષે કાંઈક સમજ ધરાવે છે અને એથી પોતાને નિધાન મળે તો તો સારું એમ ઇચ્છે છે, તેવા જીવોની સમજને અને ઇચ્છાને જો સારા અને સાચા માર્ગે દોરવાનો પ્રયત્ન કરીએ, તો તે પ્રયત્ન તેવા જીવો માટે સફળ બનવાનો ઘણો સંભવ છે..
બીજાઓને સારા અને સાચા માર્ગે દોરવાની ઇચ્છાવાળાએ અને એ જાતિનો પ્રયત્ન કરવાની ભાવનાવાળાએ, સૌથી પહેલાં તો પોતે સારા અને સાચા માર્ગે છે કે કેમ ? એ તપાસી લેવું જોઈએ.
આપણે કોઈને સારાં અને સાચા માર્ગે ન દોરી શકીએ એ જેટલું દુ:ખદ નથી, તેનાથી અધિક દુઃખદ એ છે કે આપણે આપણી અણસમજથી, બીજાને સારા અને સાચા માર્ગના નામે ખોટા અને ખરાબ માર્ગે દોરી જઈએ.
એટલે આપણે આપણી જાતને પહેલાં તપાસી લઈએ કે આપણને નિધાન મળે એવી ઇચ્છા છે ? છે, તો કેવા પ્રકારના નિધાનને મેળવવાની આપણી ઇચ્છા છે ? આપણે જો સારા અને સાચા માર્ગ વિષે શુદ્ધ સમજ ધરાવતા હોઈશું, તો આપણને લાગશે કે—ખુદ આત્મા પોતે જ સર્વ નિધાનોનો સ્વામી છે.
પૂ. ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મ. જ્ઞાનસારમાં જણાવે છે કે :
वत्स ! चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निधिं स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥
ભાવાર્થ :- હે વત્સ ! ચલચિત્તવાળો થઈ ઠામ ઠામ ભમી ભમીને તું કેમ ખેદ
ધર્મ અનુપ્રેક્ષા • ૩૩