________________
મૈત્રી અભ્યાસનું સાધન છે. જીવ સાથે મૈત્રીનો અભ્યાસ વારંવાર કરવો પડશે. માધ્યસ્થ વૈરાગ્યનું સાધન છે અજીવ પ્રત્યે માધ્યસ્થનો વૈરાગ્ય કેળવવો પડશે. ઉચિત વ્યવહારનું પાલન જીવને મોક્ષનો અધિકારી બનાવે છે. ઉચિત વ્યવહારના પાલનવડે જ આત્મામાં સમત્વભાવ પ્રગટે છે.
વિષમતા દૂર કરવા માટે જીવરાશિ પ્રત્યેના દ્વેષભાવને તથા પુદ્ગલરાશિ પ્રત્યેના રાગભાવને ટાળવો પડશે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પુદ્ગલ પ્રત્યે માધ્યસ્થભાવ કેળવવો પડશે.
જીવરાશિ પ્રત્યે દ્વેષભાવ અને પુદ્ગલરાશિ પ્રત્યે રાગભાવ એ વિપર્યાસ છે. જીવમાં અજીવબુદ્ધિ અને અજીવમાં જીવબુદ્ધિ એ મિથ્યાત્વ છે.
કોઈ કહે છે કે અનાદિ સંસારમાં વિષયોના કારણે જીવ ભટકે છે, કોઈ કહે છે કે કષાયોના કારણે જીવ ભટકે છે. કોઈ કહે છે કે પ્રમાદના કારણે જીવ ભટકે છે. કોઈ કહે છે કે અશુભ યોગોના કારણે જીવ ભટકે છે. પણ તે બધાની પાછળ પ્રાણ પૂરનાર દોષ એક જ છે અને તે મિથ્યાત્વનું સેવન છે.
સામાયિક ધર્મનો પાયો
બીજા જીવો પોતાના જેવા જ જીવો છે. પોતાની જેમ સુખદુઃખની લાગણી અનુભવનારા છે. (Similarity of Substance) સર્વ જીવો સુખ ઇચ્છે છે. સર્વ જીવોનું અંતિમ ધ્યેય “સુખ” છે. (Sameness Purpose) આ સત્ય તરફ દુર્લક્ષ આપવું એ જ મિથ્યાત્વનો અંધાપો છે, આ ગાઢ અંધકાર છે અને સર્વ જીવો પ્રત્યે સમાનભાવ ધરાવવો એ જ સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉજ્જવળ પ્રકાશ છે.
સર્વ જીવોનો હિતભાવ એ સામાયિક ધર્મનો પાયો છે. સામાયિક ધર્મની સમતા જીવમાત્ર પ્રત્યેની ઉપેક્ષા રૂપે નથી. સામાયિકધર્મની સમતા નિષ્ક્રિયપણું નથી, સામાયિકધર્મની સમતા નિષેધાત્મક નથી. અનાદિ ભવભ્રમણમાં અનેકવાર સર્વ જીવોની ઉપેક્ષા કરી છે, અનેકવાર નિષ્ક્રિયપણું ધર્યું છે, અનેકવાર માત્ર નિષેધાત્મક વ્યવહાર આચર્યો છે.
બધાને સુખ મળો અને બધાનું દુઃખ ટળો. સર્વનું હિત થાઓ અને અહિત ટળો. એ વિચાર આજ પર્યંત અંતરથી જીવે કદી કર્યો નથી, જો કર્યો હોત તો તેનું ભવભ્રમણ હોત નહિ. કારણ કે એ વિચારમાં જ અનંત વિષાયાભિલાષ નિવારવાનું સામર્થ્ય છે, અનંતાનુબંધી કષાયોને રોકવાનું બળ છે, અત્યંત પ્રમાદ અને અત્યંત અશુભ યોગોને ન પ્રવર્તવા દેવાની શક્તિ છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૯૯