________________
૧૮૧.-શક્યતા હોય તો હું આર્દ્રનક્ષત્ર સુધીમાં ચોમાસાના સ્થાનની નજીકના ૨૦ કિ.મી.ના સ્થાનમાં પહોંચી જઈશ :
શાસ્ત્રકારોએ અષાઢ સુદ પુનમથી કારતક સુદ પુનમ સુધી એક જ સ્થાને રોકાવાની આજ્ઞા કરી, વિહાર બંધ કરાવ્યો. એની પાછળનો મુખ્ય ઉદ્દેશ આ હતો કે ચોમાસામાં વરસાદના કારણે ચારેબાજુ પાણી, નિગોદ, વનસ્પતિ, ત્રસજીવો વગેરેનો ઉત્પાત હોય. એમાં વિહાર કરવામાં આવે તો ચિક્કાર વિરાધના થાય. આ વિરાધનાથી સંયમ મલિન ન થાય એ માટે (૯૭)(શેષકાળમાં એક મહિનાથી વધારે એક દિવસ પણ ન રહેવાની આજ્ઞા કરનારા) શાસ્ત્રકારોએ એક સ્થાને ચાર મહિના રહેવાની આજ્ઞા કરી.
એટલે આ આજ્ઞા પાછળનો આશય તો સૌ કોઈ જાણે જ છે. છતાં આજે વ્યવહાર એવો ચાલે છે કે “ચાર મહિના વિહાર ન કરવો. અષાઢી પુનમ પહેલા ચોમાસાના સ્થાને પહોંચી જવું.”
ચોમાસું બોમ્બે હોય અને છેક છેલ્લા ૧૫-૨૦ દિવસોમાં સુરત-અમદાવાદથી નીકળીને બોમ્બે પહોંચના૨ાઓ પણ જોયા છે. એમાં કેટલાંય વિહારો વરસાદમાં થાય. ચાલુ વિહારમાં વરસાદ પડે. વરસાદ બંધ પડ્યા પછી ય ભીના રસ્તા ઉપર, નિગોદવાળા રસ્તા ઉપર લાંબા લાંબા વિહારો કરવા પડે. એમાં જો લારી, ગાડી સાથે હોય તો એના દ્વારા ત્રસકાયની વિરાધના પારાવાર થાય.
ચાર મહિના વિહાર ન કરવાની આજ્ઞા પળાય છે એ તો સારું છે. પણ એ આજ્ઞા જે આશયથી કરવામાં આવી છે એ આશય ભાંગી નાંખવામાં આવે તો જિનાજ્ઞાપાલન ગણાય ખરું ? પ્રાચીનકાળમાં અષાઢથી કારતકનો સમય વરસાદના સમય તરીકે હશે માટે એને ચાતુર્માસ બનાવાયું. હવે જો આજે બોમ્બે વગેરેમાં વહેલો વરસાદ થઈ જતો હોય. જેઠસુદ-વદમાં જ મેઘલાઓ વરસી જતા હોય તો પછી એ વરસાદ શરૂ થતા પૂર્વે જ ચાતુર્માસ ક્ષેત્રની નજીકના સ્થાનમાં પહોંચી જ જવું જોઈએ . ચાતુર્માસક્ષેત્રથી વધુમાં વધુ ૨૦ કિ.મી. દૂરના સ્થાન સુધીમાં પહોંચી જઈએ તો બે-ત્રણ દિવસમાં જ ચાતુર્માસ પ્રવેશના સ્થાને પહોંચી શકાય. વિહારોની ચિક્કાર વિરાધના અટકે.
બાકી છેક અષાઢી પુનમ સુધી પણ લાંબા લાંબા વિહારો કરવામાં આવે તો એ શાસ્ત્રરહસ્યની સમજણ સાચી શી રીતે કહેવાય ? ચાર મહિના વિહાર ન કરવાની આજ્ઞા કટ્ટરતાથી પાળવી અને એના કરતા ઘણી વધુ ચડિયાતી આજ્ઞા વરસાદમાં-નિગોદમાં વિહાર ન કરવાની ન પાળીએ તો એ કેવું વિચિત્ર લાગે ?
—
સાંભળવા પ્રમાણે આજે પણ એક ગચ્છ એવો છે કે જેના તમામ સાધુ-સાધ્વીજીઓ આર્દ્રનક્ષત્ર સુધીમાં ચાતુર્માસક્ષેત્રની નજીક પહોંચી જાય છે. જો આ વાત સાચી હોય તો એ અત્યંત અનુમોદનીય છે. આ સાચી શાસનરક્ષા-શાસનપ્રભાવના છે.
—
આર્દ્રનક્ષત્ર પહેલા પ્રાયઃ વરસાદ પડતો નથી. ત્યાર બાદ વરસાદ પડતો હોય છે. તો તમામ સંયમીઓએ બધા કાર્યક્રમો એ રીતે જ ગોઠવવા જોઈએ કે જેથી આર્દ્રનક્ષત્ર સુધીમાં ચાતુર્માસક્ષેત્રમાં પહોંચી જવાય.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૭
(૧૮૫)