________________
મને તો આ કાળમાં પોથી વાપરનાર સંયમી દેવદૂત જેવા ભાસે છે.
૧૨૬. હું મારા વસ્ત્રોમાં રંગબેરંગી દોરાઓ નહિ નંખાવું :
કેટલાંક સંયમીઓ પોતાની મહુપત્તીમાં, કપડા-પાંગરણીમાં, લુણામાં, પસીનાના ટુકડા સુદ્ધામાં પણ લાલ-પીળા દોરાઓ ટંકાવતા હોય છે. આવું કરવા પાછળ શું સંયમની દૃષ્ટિએ કોઈપણ લાભ ખરો? જો ના ? તો પછી આ બધાની જરૂર શી છે ? વસ્ત્રો સારા લાગે, આકર્ષક લાગે એ માટે જ જો આ દોરાઓ નંખાતા હોય તો એ શી રીતે ઉચિત કહી શકાય ? આમાં વિભૂષાપોષણ તો છે જ, ઉપરાંત આ બધા કામ કરવા પાછળ સમયનો બગાડ પણ છે. એ દોરા નાંખતા જેટલો સમય થાય, એટલા સમયમાં તો ઘણો સ્વાધ્યાય થઈ જાય. એક જાતનું અનર્થ દંડ જેવું જ આ પાપ છે. આમાં નથી તો એવી કોઈ વિષયસુખોની પ્રાપ્તિ કે જેના માટે આ બધું કરવા મન અત્યંત તલપાપડ બને. છતાં આ કામ કરવામાં આવે તો માનવું પડે કે સંયમજીવનનો સમય પસાર કરવાના બાકીના શુભયોગો ઓછા પડી ગયા છે.
આ રીતે પોતાના વસ્ત્રોમાં દોરાઓ નાંખવા તો નહિ જ, પણ કોઈને એવી પ્રેરણા પણ ન કરવી. એક શાસનપ્રભાવક, સંયમના પક્ષપાતી ગુરુના શિષ્ય કોઈક સાધ્વીજીઓને પોતાના ગુરુના લુણાઓમાં દોરાઓ નાંખવા આપ્યા. એ સાધ્વીજીઓએ શાસનપ્રભાવક ગુરુ પાસે જઈને કહ્યું કે ‘સાહેબ ! અમે તો આપની પાસેથી જ શીખ્યા છીએ કે આ દોરા નાંખવા વગેરે વિભૂષા ન કરવી. શું આજે અમારે આપના જ લુણાઓમાં દોરાઓ નાંખવા પડશે ?” ગુરુએ તરત શિષ્યને બોલાવી ઠપકો આપી ભવિષ્યમાં એવું ન કરવાની સૂચના કરી.
રે ! મહાન શાસનપ્રભાવક આચાર્ય ભગવંતો વગેરેની શોભાવૃદ્ધિ ખાતર આ દોરાઓ એમના વસ્ત્રોમાં નાંખવામાં આવે તો હજીય કદાચ શાસ્ત્રકારો માન્ય રાખે ય ખરાં. પણ બાકીના સાધુસાધ્વીજીઓ માટે તો આ વિભૂષા ન જ ચાલી શકે.
૧૨૭. હું ઓઘાનો પાટો સફેદ અને કોઈપણ પ્રકારના ભરતકામ=ડીઝાઈનો વિનાનો રાખીશઃ
અત્યારે પ્રાયઃ તમામ સંયમીઓના ઓઘાના પાટાઓ લાલ જ જોવા મળે છે. શાસ્ત્રમાં શ્વેતવર્ણના જ ઉ૫ક૨ણોનું વિધાન હોવાથી ઓઘાનો પાટો શ્વેત હોવો વધુ યોગ્ય લાગે છે. સફેદ રંગના જાડા વસ્ત્રો મળતા જ હોય છે. એ જ ઓઘાના પાટા તરીકે ચાલી શકે છે. આમ છતાં જો તે તે સમુદાયના સુવિહિત ગીતાર્થ આચાર્ય ભગવંતો તે તે સમુદાયના સંયમીઓને લાલ ઓઘો વાપરવાની રજા જ આપતા હોય તો તે તે સંયમીઓએ પોતાના નિશ્રાદાતાની આજ્ઞા અનુસાર કરવું.
ઓઘાના પાટામાં અષ્ટમંગલ કે એવી જાતજાતની ડીઝાઈનો રંગબેરંગી દોરાઓનું ભરતકામ કરવા દ્વારા સાધ્વીજીઓ કરી આપતા હોય છે. ગચ્છાચારમાં તો સ્પષ્ટ કહ્યું છે કે (૫)‘આવા પ્રકારની ડીઝાઈનો, આકર્ષક ચિત્રો-આકારોવાળા ઓઘા કે કોઈપણ વસ્ત્રો સાધુથી ન વપરાય. એમાં રાગપોષણ વગેરે પુષ્કળ દોષો છે જ. જો શાસ્ત્રકારો વિભૂષા ન પોષાય એ માટે વર્ષે એકવાર કાપ કાઢવાની, પગહાથ-મોઢું વગેરે કોઈપણ અવયવો બિલકુલ ન ધોવાની વાત કરતા હોય તો પછી આવી આકર્ષક ડીઝાઈનો વગેરેની અનુમતિ તો શી રીતે આપી શકે ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૩૯)