________________
૮૦
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય, રાજાએ સ્વયંવર મંડપ કરાવ્યો અને અનેક રાજપુત્રોને આમંત્રણ મોકલ્યા. ઘણા રાજપુત્રો આવ્યા. પિતાના આદેશથી રત્નપાળ પણ ત્યાં આવ્યો. હજારો મોટા મંડલિક રાજાઓ ત્યાં એકત્રિત થયા. રાજાએ રમણીય હવેલીઓમાં સ્થાન આપીને પ્રિયવચનવડે આદર આપીને નમ્રતાપૂર્ણ વ્યવહાર કરાવીને તથા શવ્યા-આસન વગેરેની યોગ્ય વ્યવસ્થા કરાવીને તે સર્વનો સારી રીતે સત્કાર કર્યો. સ્વયંવરમાં આવેલ અતિથિઓના આતિથ્ય માટે રાજાએ પકવાનોના હિમાલય જેટલા મોટા ઢગલાઓ કરાવ્યા. તેમજ શાળ વગેરે ધાન્યના પણ વૈતાઢ્યના શિખર પ્રમાણના ઢગલા કરાવ્યા.
અનુક્રમે લગ્નદિવસે શૃંગારસુંદરી સુંદરવસ્ત્રાભરણથી ભૂષિતથઈને લગ્નમંડપમાં આવી. રૂપવડે રંભાને જીતનાર, શાસ્ત્રાભ્યાસવડે સરસ્વતિને જીતનાર, ગુણવડે ગૌરીને જીતનાર, લક્ષણલક્ષિતદેહવડે લક્ષ્મી સમાન આ પ્રમાણે અનેક ગુણોવડે અલંકૃત સાક્ષાત મોહનવેલી જેવી તે કન્યા વરમાળા હાથમાં લઈને સ્વંયવરમંડપના મધ્યમાં આવીને ઊભી રહી. પછી ત્યાં જે જે રાજાઓ આવ્યા હતા તેના કુળ રાજ્યાદિકના વર્ણન કરીને પ્રતિહારીએ શૃંગારસુંદરીને ઓળખાણ આપી. પરિણામે પૂર્વભવના પ્રેમાનુબંધથી તેણે રત્નપાળના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે જોઈને રત્નપાળના પ્રતિસ્પર્ધી તેમજ અધિક ઋદ્ધિવાળા અનેક રાજાઓ રત્નપાળ પર ક્રોધાયમાન થયા અને તેની સાથે લડવા તૈયાર થયા. સર્વે રાજાઓનું મળીને એકંદર ત્રીશ અક્ષૌહિણી સૈન્ય. એકત્ર થયું. “દશ હજાર હાથી, તેથી દશગુણા રથ, તેથી દશગુણા અશ્વ અને તેથી દશગુણા પદાતિવડે એક અક્ષૌહિણી થાય છે.” અથવા “૧૧ હજાર હાથી, ૨૧ હજાર રથ, નવલાખો યોદ્ધા, દશલાખ અશ્વ અને ૩૬ લાખ ઉદાર સેવકોવડે એક અક્ષૌહિણી કહેવાય છે.
લાખોની સંખ્યામાં રહેલા યોદ્ધાઓ સહિત બધા શત્રુ રાજાઓ એકલા રત્નપાળની સામે લડવા તૈયાર થયા. રત્નપાળ પણ પરાક્રમી હોવાથી એકલો હોવા છતાં તેઓની સામે લડવા તૈયાર થઈ ગયો. યુદ્ધની તૈયારીઓ જોઈને વીરસેન રાજા મનમાં વિચારવા લાગ્યો કે–“અરે ! અકાળે લગ્નના અસવરે આ શું અનર્થ ઉત્પન્ન થયો? આ તો ભોજનને અવસરે ઉત્પાત થયો. કહ્યું છે કે “પુષ્પવડે પણ યુદ્ધ ન કરવું તો તીક્ષ્ણ એવા આયુધોવડે તો યુદ્ધ કેમ કરાય? કારણકે યુદ્ધમાં વિજય પ્રાપ્તિનો સંદેહ છે પરંતુ પ્રધાનપુરુષોનો ક્ષય થાય તે તો નિશ્ચય જ છે.
અહીં મહારૌદ્રયુદ્ધ પ્રવૃત્ત થવાથી વીરસેન રાજાએ સંધિપાલકોને યુદ્ધ નિવારણ કરવા મોકલ્યા પણ તેઓ યુદ્ધથી પાછા હટ્યા નહીં. તે જોઈને શૃંગારસુંદરી વિચારવા લાગી કે- “મારી માટે આવું ઘોર યુદ્ધ મંડાણું, તેથી હું તો કાળરાત્રી જેવી થઈ પડી. હું આ રાજકુળમાં ઉત્પન્ન થઈને કુળનો નાશ કરનારી વિષવલ્લી જેવી થઈ છું. માતાપિતાની મતિ આમાં ચાલતી નથી અને મારી ભાગ્યલતા પણ ભગ્ન થઈ ગઈ છે. સંગ્રામથી થતી હિંસાદિકનું મહાપાપ મને લાગે છે કારણકે હું જ તેની કારણિક છું. ચંદ્રની જેમ અત્યારે કર્મના દોષથી મને આ લાંછન લાગ્યું છે. અહો ! અત્યારે મારી નિર્મળ જાતિ મલિન થઈ અને નિષ્કલંક એવું મારું કુળ કલંકિત થયું છે.” આ પ્રમાણે વિચારતી મુનિની જેમ મૌનપણાનો આશ્રય કરીને તે સર્વના ક્ષેમને માટે શાંતિનો ઉપાય વિચારવા લાગી, તેટલામાં સુબુદ્ધિ નામનો રાજયમંત્રી ત્યાં આવ્યો. કન્યાએ તેને પૂછ્યું