________________
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
ગૌરી-ગાંધારીની કથા
* ‘કાંપિલ્યપુર નગરમાં બ્રહ્મદત્ત નામે ચક્રી રાજ્ય કરતો હતો. તે નગરમાં વિપ્રધર્મમાં તત્પર એવો દેવશર્મા નામનો એક વિપ્ર વસતો હતો. તેને દેવદત્તા નામે સ્ત્રી હતી. અનુક્રમે તેને સદાચારી એવા ચાર પુત્રો થયા, ત્યારબાદ સર્વ ગુણવાળી બે પુત્રીઓ થઈ, તેના ગૌરી અને ગાંધારી એવા નામ પાડ્યા. માતાપિતાથી પરિપાલન કરાતી તે બંને વૃદ્ધિ પામી. પાણિગ્રહણ યોગ્ય થયેલી તે કન્યાને જોઈને તેના પિતાએ વિચાર્યું કે—‘કોઈ ઉત્તમ વિપ્ર મળે તો તેને આ પુત્રી આપું.' એક વખત કોઈ નૈમિત્તિક પરદેશથી ફરતો ફરતો ત્યાં આવ્યો. દેવશર્માવિત્રે તે નૈમિતિકને પોતાની બન્ને પુત્રીની જન્મપત્રિકા બતાવી. તેણે જન્મપત્રિકા જોઈ માથું ધુણાવીને કહ્યું કે‘હે બંધુ ! આ તમારી બન્ને પુત્રી ભિલ્લની વલ્લભા થશે.' તે સાંભળીને દેવશર્મા શોક કરવા લાગ્યો કે—‘અરે ! કુલિનબ્રાહ્મણને ત્યાં જન્મીને પણ શું મારી પુત્રીઓ ભિલ્લની સ્ત્રી થશે? ઘણો પ્રયાસ ક૨વા છતાં પણ તે પુત્રીને કોઈ યોગ્ય પતિની પ્રાપ્તિ ન થઈ. કહ્યું છે–. પાતાળમાં પ્રવેશ કરો, સુરેંદ્રલોકમાં જઈને રહો, ક્ષિતિધરના અધિપતિ મેરુના શિખર ઉપર આરોહણ કરો, મંત્ર ઔષધ અને શસ્ત્રાદિવડે રક્ષણ કરો, પરંતુ જે ભાવિ બનવાનું હોય છે તે બને જ છે. કોઈપણ વિચારથી તે અન્યથા થતું નથી.”
૭૨
એક વખત તેના પિતાએ તેના મામાની સાથે તે બન્ને પુત્રીને મોસાળ મોકલી. સારો દિવસ જોઈને પ્રયાણ કરવા છતાં માર્ગમાં ભિલ્લોની ધાડ મળી. તેમણે આ બન્ને પુત્રીઓને પકડીને પલ્લીપતિને અર્પણ કરી. તે બન્ને તેની પ્રિયાઓ થઈ, પણ તેમણે વિપ્રનો ધર્મ છોડ્યો નહીં. એક વખત ફળાહારનો દિવસ આવવાથી તે બન્ને સરોવરે જઈ સ્નાન કરી તેને કિનારે બેઠી. તેમાંથી એક વિપ્રપુત્રીએ આંબાના ફળ નિર્બીજ કરીને તૈયાર કર્યા, બીજીએ કેળના ફળ છાલ કાઢીને તૈયાર કર્યા અને પોતે ખાવા તૈયાર થઈ. તે વખતે તે બન્ને વિચારવા લાગી કે ‘આપણો સંપૂર્ણ જન્મ નિરર્થક ગયો. કારણકે બ્રાહ્મણના કુળમાં જન્મ્યા છતાં ભિલ્લની સ્ત્રીઓ થઈ. હવે અત્યારે જો કોઈ ઉત્તમ ભિક્ષુ અહીં પધારે અને આ ફળાહાર ગ્રહણ કરીને આપણા પર અનુગ્રહ કરે તો આપણે કાંઈક ભાગ્યશાળી થઈએ.' આ પ્રમાણે વિચારતાં તેમનાં ભાગ્યોદયથી અકસ્માત્ ત્યાં માસોપવાસી ધર્મરાજા નામના મુનિમહારાજા પધાર્યા. તેથી તે બન્નેએ બહુ જ પ્રસન્નચિત્તે તૈયાર કરેલ અચિત્તફળો મુનિભગવંતને વહોરાવ્યા. મુનિઓ પણ તેનું કુળાદિક પૂછી તે ગ્રહણ કર્યા. મુનિભગવંત ગયા પછી તે બન્ને ફળાહાર કરીને ઘરે આવી ઘણા કાળ સુધી પોતે કરેલા મુનિદાનની અનુમોદના કરી.
અનુક્રમે સમાધિવડે ત્યાંથી મરણ પામીને તે બન્ને પ્રતિષ્ઠાનપુરમાં પદ્મ નામના રાજાની પદ્માવતી રાણીની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તેના જન્મ સમયે રાજાએ મહોત્સવ કર્યો અને તે બન્નેના કમલાવતી અને લીલાવતી એ પ્રમાણે નામ પાડ્યા. વય વધતાં તે બન્નેએ અનેક પ્રકારની કળાઓનો સારી રીતે અભ્યાસ કર્યો. અનુક્રમે યૌવનવય પામતાં તે બન્ને અનેક મનુષ્યના મનને હરનારી થઈ. તે બન્નેનું ઉજ્જવળ ભાગ્ય અને અદ્ભુત રૂપાદિક જોઈને તેમજ બીજા અનેક ગુણોને નિહાળીને રાજાએ પોતાની કન્યાનું સ્વયંવર રચ્યો. તેમાં અનેક રાજકુમારો