________________
૬૦
શ્રી ધર્મધૂમ મહાકાવ્ય વપરાય છે તે પુરુષ જ ધન્ય છે. બીજા ધનિકો અધન્ય છે.” “જે પુણ્યાત્મા નિરંતર ધર્મશાસ્ત્રો લખાવે છે તેણે ગોદાન, ભૂમિદાન અને સુવર્ણદાન એમ બધાં દાન આપ્યા છે એમ સમજવું. આ પ્રમાણેના ઉત્તમ વિચારો અને વાર્તાલાપ કરતાં તે રાજા અને તેનો જમાઈ બંને સારી રીતે ધર્મારાધન કરવા લાગ્યા. એમ આનંદમાં ઘણા દિવસો પસાર થયા.
એક વખત તે નગરનાં ઉદ્યાનમાં ગુણોથી ઉજ્જવળ એવા શ્રીગુણચંદ્રસૂરિ નામના આચાર્ય ભગવંત પધાર્યા. વનપાળે આવીને રાજાને વધામણી આપી તેથી તે બહુ હર્ષિત થયા. રાજા પોતાના જમાઈ સાથે ગુરુભગવંતને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવ્યા અને અત્યંત દુર્જય એવા ગર્વને ત્યજી ત્રણ પ્રદક્ષિણા આપી વિધિપૂર્વક વંદન કરીને ગુરુભગવંત પાસે ઉપદેશ સાંભળવા બેઠા. ગુરુમહારાજે પુણ્યરૂપ અમૃતને આપનારી અને ભયારણ્યમાં ભ્રમણ કરતા જીવોની તૃષ્ણાનો ઉચ્છેદ કરનારી ધર્મદેશના આપવાની શરૂઆત કરી.
“હે રાજનું ! ધર્મ સાંભળવાથી, જોવાથી, આચરવાથી અને કહેવાથી તેમજ અનુમોદવાથી પ્રાણીને અત્યંત પવિત્ર કરે છે. તે ભદ્ર ! ત્રણ લોકમાં સુખદુઃખની જે પ્રાપ્તિ થાય છે તે પ્રત્યક્ષ પુણ્ય અથવા પાપનાં જ ફળ છે. પુણ્યરૂપ કરિયાણાના પ્રભાવથી આખું વિશ્વ વશ થાય છે, શત્રુઓનો નાશ થાય છે અને સંપત્તિનો વિસ્તાર થાય છે. જેમ પૂર્વે યમુના રાજપુત્રીએ મહાન ધર્મનું આરાધન કર્યું હતું અને તેથી તેને ધર્મ તત્કાળ અહીં જ ફળ્યો હતો. તેનું દૃષ્ટાંત કહું છું, તે સાંભળો :
| યમુના રાજપુત્રીનું દૃષ્ટાંત : * યમુના નદીના કિનારા પર રત્નાવતી નામે એક શ્રેષ્ઠ નગરી હતી. ત્યાં અમરકેતુ નામે રાજા હતો તેને રત્નાવતી નામે પ્રિયા હતી. તેને અનુક્રમે સાત પુત્રીઓ થઈ. ત્યારપછી આઠમી પણ પુત્રી થઈ ત્યારે ખેદ થવાથી રાજાએ તેને કપડાથી વીંટીને એક પેટીમાં મૂકીને યમુના નદીમાં વહેતી મૂકી દીધી. સાત પ્રહર પૂર્ણ થતા તે પેટી તરતી કરતી પાપુર નગર પાસે પહોંચી. તે નગરમાં સુલસ નામે એક વણિક રહેતો હતો. તે પણ પોતાને સાત પુત્રી હોવાના કારણથી અતિ દુ:ખી હતો. તેણે યમુનાનાં જળમાં વહેતી એ પેટી જોઈ. તેથી વિચક્ષણ એવા તેણે નદીમાં પ્રવેશ કરીને તે પેટી નદીની બહાર કાઢી. પછી ઘરે લઈ જઈને તે પેટી ઉઘાડતા તેમાં રહેલી બાલિકાને જોઈને હાથ ઘસતો ઘસતો ખેદ પામીને તે બોલ્યો કે-“અરે દેવ ! તેં આ શું કર્યું ?” પછી તેણે વિચાર્યું કે “આ લોકમાં પુણ્યોદય વિના પ્રાણી જ્યાં જાય છે ત્યાં વાંછિત મેળવતો નથી પણ તેથી વિપરીત જ થાય છે. અર્થાત્ અનીચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. મારે પહેલેથી સાત પુત્રી તો છે જ, વળી આ આઠમી મળી અને મારે એક પણ પુત્ર નથી. તેથી મારા આ દુઃખની વાત હું કોને કહું? ને ક્યાં જાઉં? આ પ્રમાણે ખેદયુક્ત હોવા છતાં પણ તે આઠમી પુત્રીનું પરિપાલન કરવા લાગ્યો. તેનું યમુના નામ પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામી. અહીં સુલસ શેઠને પુત્રીઓ વધારે હોવાથી અને આ પાલક પુત્રી હોવાથી દરિદ્રીની જેવી તે સહુને અપ્રિય હતી. તેમજ રાત્રિ દિવસે જ્યાં ત્યાં અથડાતી હતી. તે ઇંધણ લેવા માટે દરરોજ અરણ્યમાં જતી હતી અને પૂર્વના પાપના યોગથી નિત્ય ભૂખ-તરસ સહન કરતી હતી.