________________
તૃતીયઃ પલ્લવઃ
૪૭ તેની આવી ભક્તિથી પ્રસન્ન થયેલો દરિદ્રદેવ તુષ્ટમાન થઈને હસતો હસતો બોલ્યો કે– મહાદરિદ્રી ! તારી ઉપર હું તુષ્ટમાન થયો છું, માટે તે વિશારદ ! વર માગ.” તેના આવા વચન -સાંભળીને તેને વચનના છળથી ચૂપ કરી દેવા માટે રાજપાળ બોલ્યો કે–ખરેખર તું જો મારી ઉપર પ્રસન્ન થયો હોય તો તારે મારા સિવાય બીજે ક્યાંય જવું નહીં.” તે સાંભળી દરિદ્રદેવ બોલ્યો કે- તે તો મારાથી બની શકે તેમ નથી, માટે તું મને છૂટો કર અને જવા દે. હું તારે ત્યાં રહીશ નહી.” રાજપાળે તેને છૂટો કર્યો તેથી તે દરિદ્ર દેવ ગયો અને લક્ષ્મીએ તેની ઝૂંપડીમાં પ્રવેશ કર્યો, રાજપાળે તેને નમસ્કાર કર્યો અને તેની પૂજા કરીને બોલ્યો કે– હે માતા ! અહીં દરિદ્ર દેવનો નિવાસ હતો ત્યાં સુધી આપ રહી શકો તેમ ન હતું તેથી મેં તેને રજા આપી છે. હવે તમે અહીં નિવાસ કરો. કલ્પવલ્લીને કેરડાની સાથે જોડાય નહીં, તેથી મેં આપને દરિદ્રદેવ સાથે જોડ્યા નથી. તેના આવા વચનોથી પ્રસન્ન થઈને લક્ષ્મીએ તેના ગૃહમાં પ્રવેશ કર્યો. તે કારણે પ્રાતઃકાળે રાજાએ તેને બોલાવીને કેટલીક પૃથ્વીનો સ્વામી બનાવ્યો. *
અહીં યંભુવનમાં દઢ આસન કરીને એકાગ્રચિત્તે બેઠેલા ચંદ્રયશાકુમારને ચલાયમાન કરવા માટે યક્ષે રાત્રીએ સર્પસિંહાદિકના અનેક રૂપો બતાવ્યા. પરંતુ રાજપુત્ર જરાપણ ચલાયમાન થયો નહી. એ પ્રમાણે તે સત્ત્વવંતના સાત દિવસ પસાર થયા. સાત ઉપવાસે યક્ષ પ્રગટ થઈને બોલ્યો કે- “હે મહાવીર ! તું શું માંગે છે ? તે કહે.” રાજપુત્ર બોલ્યો કે-“હે યક્ષરાજ ! આ ધર્મદત્તની પત્નીને મેં અહીં જોયેલી છે. તેને લાવી આપો અને ધર્મદત્તને સોંપો.” તે સાંભળી યક્ષે કહ્યું કે તે વાત અશક્ય છે ! કારણકે તે મનુષ્ય સ્ત્રી મારી યક્ષિણીના કબજામાં છે. તેથી હું તમને આપી શકું તેમ નથી.” ચંદ્રશે કહ્યું કે- હે યક્ષરાજ ! તે સ્ત્રી તમને ક્યાંથી મળી હતી ?” યક્ષે કહ્યું- હે ભદ્રે એક દિવસ હું મારી યક્ષિણી સાથે ફરવા નીકળ્યો હતો, ત્યાં અમે તેને એક સ્થાનમાં સૂતેલી જોઈ અને દિવ્યરૂપવાળી તેને જોઈને મારી યક્ષિણીએ મને કહ્યું કે-“આ મનુષ્યસ્ત્રીનું અપહરણ કરી મને આપો.” યક્ષિણીના વચનથી મેં તે સૂતેલી સ્ત્રીને ઉપાડીને તેને અર્પણ કરી તેથી હવે તેના કબજામાં છે. હું તેને લઈને તમને આપી શકે તેમ નથી.
- આમ કહીને તે યક્ષ અદશ્ય થયો. તેના વચનો સાંભળીને ચંદ્રયશાકમાર વિચારવા લાગ્યો કે “ધિક્કાર છે આ દેવને ! કે જે સ્ત્રીને વશ છે અને તેના કિંકર જેવી સ્થિતિ ધરાવે છે, જયારે દેવો આવી રીતે સ્ત્રીને વશ હોય તો પછી મનુષ્ય માટે શું કહેવું? કહ્યું છે કે ! હરિ હર, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને સ્કંદાદિક દેવોને પણ સ્ત્રીએ કિંકર બનાવ્યા છે, તેથી તે વિષયતૃષ્ણાને ધિક્કાર છે.' હવે હું યક્ષિણીને ઉદ્દેશીને ફરીથી તપ કર્યું કે જેથી મારી કાર્યસિદ્ધિ થાય. વિષમ અર્થને સાધ્ય કરી આપનાર એક તપ જ છે. ઈષ્ટ નષ્ટ થયે છતે અને સુખ ભ્રષ્ટ થયે છતે તેમજ કષ્ટ નજીક આવ્યું છતે બુદ્ધિમાનોએ વૈરાગ્યના આભરણરૂપ તપ કરવો તે જ યુક્ત છે.” તપ વિવિધ પ્રકારની વિકસિત એવી લબ્ધિરૂપી લતાના મંડપસમાન ને કલ્યાણરૂપ કુમુદના બગીચાને માટે ચંદ્ર સમાન છે. તપ સમસ્ત પ્રકારની લક્ષ્મીનું શૃંખલા વિનાનું નિયંત્રણ છે. તેમજ દૂરિતરૂપી ભૂતને વશ કરવા માટે અક્ષરવિનાનો મંત્ર છે.”