________________
દ્વિતીય પલ્લવઃ
૨૭ કારણકે ચોરનો ભય છે.” કુમાર તે પાત્ર ઉપાડીને ઉતાવળથી ચાલવા લાગ્યો. પછી અર્ધ માર્ગે તે પાત્ર મૂકીને વિશ્રાંતિ લેવા બેઠો અને બોલ્યો કે, “અરે ! અહીં કોઈ ચોર હોય તો મારી સામે આવો.” આમ કહીને પાત્રનું ઢાંકણું ખોલી પાત્રની અંદર જોવા લાગ્યો. ઘીની અંદર પડેલું પોતાનું પ્રતિબિંબ જોઈને તે બોલ્યો કે, “શેઠે કહ્યું તે વાત સાચી છે. આ પાત્રની અંદર જ ચોર છુપાઈને બેઠો છે. તેથી હવે એને શિક્ષા આપું.” આમ વિચારી તેણે પાત્ર પર પ્રહાર કર્યો ને ચોરને કાઢવા માટે પાત્ર ઉંધું કર્યું. તેથી બધું ઘી ઢોળાઈ ગયું. પછી તેણે પાત્રમાં જોયું તો કંઈ પણ દેખાયું નહીં તેથી આનંદ પામતો તે બોલ્યો કે, “મેં આ બહુ સુંદર કાર્ય કર્યું, ઘી તો ભલે ગયું પણ ચોર તો તેમાંથી નીકળી ગયો.” “પુત્ર' ગયો તો ગયો પણ વહુનો અંબોડો તો કાયમ રહ્યો.” એ પ્રમાણે મૂર્ખ પ્રાયોગ્ય વિચાર કરતો ખાલી પાત્ર લઈને તે શેઠની પાસે જવા પાછો વળ્યો.
બીજા બે કુમારો ગાડું લઈને વનમાં લાકડા લેવા ગયા. માર્ગમાં રથનો ચિત્કાર શબ્દ સાંભળીને તે વિચારવા લાગ્યા કે, “આ રથ રડે છે તેથી તેને કોઈ રોગ થયો હોય એવું જણાય છે.” પછી તે બંને નીચે ઉતર્યા અને ગાડું ઊભું રાખ્યું ગાડાનો અવાજ બંધ થયેલો જાણીને તેઓએ વિચાર્યું કે “આ ગાડું મરી ગયું લાગે છે તેથી જ હવે તે કંઈપણ બોલતું નથી.” આ પ્રમાણે વિચારી ગાડાના અગ્નિસંસ્કાર કરીને તે બંને કુમારો સ્નાન કરવા નદી કિનારે ગયા. તે વખતે ઘી વેચવા ગયેલો કુમાર પણ તૃષાત થવાથી ખાલી પાત્ર લઈને પાણી પીવા ત્યાં આવ્યો. ત્રણે ત્યાં ભેગા મળ્યા. નદીના પાણીમાં બહાર આવીને તેઓ કંઈક વિચાર કરીને અંદરોઅંદર કહેવા લાગ્યા કે, “પંડિતોએ નદીનો વિશ્વાસ કરવો ન જોઈએ. કહ્યું છે કે નદીનો, નખવાળા પ્રાણીઓનો, શૃંગવાળા પ્રાણીઓનો, શસ્ત્રવાળા મનુષ્યોનો તેમજ સ્ત્રીનો અને રાજકુળનો વિશ્વાસ ન કરવો. ત્યારપછી મૂઢપણાથી એક બીજાને ગણવા લાગ્યા. પરંતુ પોતાના વિના અન્યને જ ગણતા હોવાથી બે જણની, ગણના થતી તેથી તેઓ વિચારવા લાગ્યા કે આપણે ત્રણ હતા, તેમાંથી બે થઈ ગયા તેથી જરૂર આ નદી આપણા એક ભાઈને ખેંચી ગઈ છે. આ પ્રકારની ખોટી કલ્પનાથી ત્રણે રડવા લાગ્યા. તેઓને આ પ્રમાણે રડતા જોઈને ત્યાંથી પસાર થતાં એક ગોવાળે તેમને કહ્યું કે તમારું શું ખોવાઈ ગયું છે? જેથી તમે આટલા બધા રડો છો?” ગોવાળને જવાબ આપતા તેઓએ કહ્યું કે, “અમારો ભાઈ ખોવાયો છે તેથી અમે સહુ રડીએ છીએ.” ગોવાળે પૂછયું કે “તમે કેટલા ભાઈ હતા ?” તેઓ બોલ્યા કે–“અમે ત્રણ ભાઈઓ હતા.” એટલે ગોવાળોએ કહ્યું કે–“તમે ત્રણ તો છો.” ત્યારે તેઓ તેને પગે લાગીને બોલ્યા કે—અહો ! તું તો અમારો પરમ ઉપકારી છે, તેથી તે નરોત્તમ ! અમારા ત્રીજા ભાઈને તું બતાવ.” ગોવાળે તે ત્રણેને એક લાઈનમાં બેસાડીને ગણી બતાવ્યા, તો ત્રણ હતા, એટલે તેઓ હર્ષિત થઈને સોમશેઠના ઘર તરફ ચાલ્યા. હવે ચોથાનું શું થયું તે સાંભળો -
સોમશ્રેષ્ઠીના ઘરમાં તેની વૃદ્ધ દાદી હતી, તે બેશુદ્ધ હતી. શ્લેષ્મ અને લાળથી તેનું મોઢું વ્યાપ્ત રહેતું હતું અને જરાવસ્થાથી પીડિત હતી. કહ્યું છે કે-શરીર સંકોચ પામે છે, ગતિ શિથિલ બને છે, દાંત પડી જાય છે. દષ્ટિ ભ્રષ્ટ થાય છે રૂપ નાશ પામે છે, મોઢામાંથી લાળ ઝરે છે, બાંધવો વાત પણ સાંભળતા નથી, સ્ત્રી ચાકરી કરતી નથી અને પુત્રો પણ અવજ્ઞા કરે છે, ખરેખર જરા-ઘડપણ કષ્ટકારી છે. જરાથી પરાભવ પામેલા મનુષ્યના જીવનને ધિક્કાર છે. વળી