________________
૧૯૩
અષ્ટમ પલ્લવઃ
આ પ્રમાણેની હકીકત સાંભળીને ચંદ્રોદયકુમાર વિચારે છે કે –“જે માણસ શક્તિ હોવા છતાં સંકટમાં પડેલા મનુષ્યોનો ઉદ્ધાર કરતો નથી તેને મનુષ્ય કેમ કહીએ ? ઉત્તમપુરુષ તો પોતાના પ્રાણવડે પણ પરોપકાર કરે છે. કેમકે પરોપકાર મહાપુણ્યરૂપ છે. ઉત્તમ મનુષ્ય અવસરે પોતાના જીવિતને તેમજ ધનને તૃણવત્ ગણી તેને તજવા પડે તો તજીને પણ પરનું રક્ષણ કરે છે, એમાં સંશય નથી.” આ પ્રમાણે વિચારીને કુમારે ત્રીજી ત્રિકાળજ્ઞા વિદ્યાની અધિષ્ઠાયિકા દેવીનું સ્મરણ કરીને તેનાથી રાજપુત્રીનું સર્વ સ્વરૂપ જાણ્યું. પછી તેણે રાજાને કહ્યું કે-“હે નરાધિપ ! આ કાર્ય કષ્ટ સાધ્ય છે, પરંતુ તમારી પ્રાર્થના હું નિષ્ફળ કેમ કરું ? તેથી દશ દિવસમાં હું આપની પુત્રીને લાવી આપીશ. જો તેટલી મુદતમાં નહીં લાવી આપું તો અગ્નિમાં પ્રવેશ કરીશ. આ પ્રમાણે હું પ્રતિજ્ઞા કરું છું.” કુમારનું સત્ત્વ જોઈને પોતાના કાર્યની સિદ્ધિ થવાનો નિશ્ચયસંભવ માની રાજા હર્ષિત થયો અને સન્માનપૂર્વક તેને સ્વસ્થાને જવાની રજા આપી.
પછી ચંદ્રોદયકુમારે રાજપુત્રીનું સમ્યફ સ્વરૂપ જાણવા માટે ત્રિકાળજ્ઞા દેવીનું આરાધન કર્યું. એટલે તે દેવી પ્રત્યક્ષ થઈને બોલી કે–“હે કુમારેંદ્ર ! વૈતાઢ્ય પર્વત ઉપર ગંધસમૃદ્ધ નામના નગરમાં મણિકિરિટ નામનો વિદ્યાધર શિરોમણિ રાજા રાજ્ય કરે છે. નંદીશ્વરની યાત્રા કરીને પાછા આવતાં તેણે અહીં આકાશમાંથી અત્યંત રૂપવતી તે બંધુમતીને જોઈ. તેને જોતાં જ તે મોહ પામ્યો. તેથી તેને હરીને તે ઉતાવળો સ્વસ્થાને ચાલ્યો ગયો છે. હમણાં તે ગંગાના . કિનારા ઉપર ધવલકૂટ નામના પર્વત ઉપર છે અને તે કન્યાને પરણવાની સામગ્રી તૈયાર કરે છે, માટે હે ચંદ્રોદય ! તમે ઉઠો. આપણે બને ત્યાં જઈએ.” પછી ચંદ્રોદય તે દેવી સાથે ત્યાં ગયો અને વિવાહ સામગ્રી તૈયાર કરતા તે વિદ્યાધરને તિરસ્કારપૂર્વક બોલાવ્યો અને કહ્યું કે“અરે દુષ્ટ ! આ શું આવ્યું છે? અરે અજ્ઞાની ! શું તું આમ કરતાં લજ્જા પામતો નથી? તે પાપાત્માએ ચોરીવડે બીજાની કન્યાનું અપહરણ કર્યું છે તેથી તને અત્યારે પાપની શિક્ષા દેવો અને વિદ્યાધરોની સાક્ષીએ આપું છું.'. આ પ્રમાણે કહેવાથી તે વિદ્યાધર યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. બન્નેએ વિદ્યાના બળથી સૈન્ય વિકલ્ અને ઘોર યુદ્ધ થયું. પરિણામે જયદાયિની વિદ્યાના સાંનિધ્યથી તેણે તે ખેચરને જીતી લીધો, એટલે તે વિદ્યાધર માન તજીને ચંદ્રોદયના પગમાં પડ્યો અને ક્ષમા માગી. ચંદ્રોદયને કેટલાક દિવસ આનંદથી ત્યાં રાખીને દશમે દિવસે તેને કેટલાક વિદ્યાધરો સહિત રાજપુત્રીને લઈને આનંદપુર મોકલ્યો. બંધુમતી સહિત કુમારને આવતો જાણીને રાજાએ ઉત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. પછી રાજાએ કુમારને કહ્યું કે-“હે કુમાર ! તમારા જ્ઞાનની અને તમારા પરાક્રમની શું પ્રશંસા કરું ? અજ્ઞાનપણાથી ખેચરે રાજપુત્રીનું અપહરણ કરેલું તેને તમે પાછી લાવી દીધી છે.” પછી રાજાએ ચંદ્રોદયને ઉત્તમવર જાણીને પોતાની પુત્રી બંધુમતી તેની સાથે પરણાવી. ચંદ્રોદયકુમાર ત્યાં આનંદથી સુખભોગ ભોગવતો કેટલોક કાળ રહ્યો.
અહીં પુષ્પભદ્ર નગરમાં પુષ્પચૂલ રાજા પોતાના પુત્રને અકસ્માત્ ક્યાંક ગયેલો જાણીને હૃદયમાં અત્યંત દુઃખને ધારણ કરતો હતો. પુષ્પચૂલ રાજાએ પુત્રની શોધને માટે ચારેતરફ રાજપુરુષોને મોકલ્યા. તેઓ પૃથ્વી પર અનેક દેશ ગામ તેમજ નગરમાં શોધ કરતા ફરવા લાગ્યા.