________________
અષ્ટમ પલ્લવ:
ધર્મ આ ભવમાં અને પરભવમાં સુખ આપનાર છે. ધર્મ અંધકારમાં સૂર્યસમાન છે. ધર્મ સારા મનવાળા જીવોની સર્વ આપત્તિને સમાવવા સમર્થ છે, ધર્મ અપૂર્વ વિધાન છે, અબાંધવનો બાંધવ છે, સંસારના વિસ્તૃત માર્ગમાં ધર્મ નિશ્ચલ મિત્ર તુલ્ય છે, સંસાર રૂપ વિષમ સ્થળમાં ધર્મ જ એક કલ્પવૃક્ષ સમાન છે, અન્ય કોઈ નથી.
શ્રીકેવળજ્ઞાની ભગવંતના વચનથી પુષ્પચૂલ વિશેષ પ્રકારે ધર્મકાર્ય કરવા લાગ્યો અને ન્યાયથી પ્રજાનું પ્રતિપાલન કરવા લાગ્યો. યાચકોથી ખવાતો તે રાજા પુષ્કળ દાન આપવા લાગ્યો. ચંદ્રોદયકુમાર પિતાની સેવા કરવા સાથે ધર્મકાર્યમાં વિશેષપણે તત્પર થયો. એક દિવસ તે પોતાના મહેલમાં પોતાની પ્રિયાઓની સાથે દોગંદક દેવની જેમ ક્રીડા કરવામાં પ્રવર્તેલો હતો તે સમયે કામદેવ સમા સ્વરૂપવાળા તે કુમારને જોઈને તેની એક અપરમાતા કામબાણથી અત્યંત પીડિત થઈ. કામથી વિહ્વળ થયેલી અને ત્યાકૃત્યને નહીં જાણનારી એ લજ્જા છોડીને કુમારની સાથે ભોગ ભોગવવાની અભિલાષાવાળી થઈ તેથી તેણે પોતાની એક ચતુર દાસીને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે તું જઈને ચંદ્રોદયકુમારને મારી પાસે બોલાવી લાવ.” તે દાસીએ કુમાર પાસે જઈને કામચેષ્ટા સાથે કહ્યું કે– તમને કામાક્ષા રાણી તમારા રૂપથી મોહિત થઈને બોલાવે છે.” દાસીના કહેવાનો અભિપ્રાય સમજી જઈને કુમારે વિચાર્યું કે– “અહો ! ચપળ સ્ત્રીઓ લોકમાં જે અત્યંત વિરુદ્ધ કહેવાય તેવું કાર્ય પણ કરે છે. વિષયાસક્ત સ્ત્રી ગુપ્ત અંગોને પ્રગટ કરે છે અને લજ્જા, દાક્ષિણ્ય કે સૌજન્યને પણ ગણતી નથી.”,
આ પ્રમાણે વિચારીને તેણે દાસીને વારી કે–“અરે દાસી ! તું આ શું બોલે છે ? આમ બોલવું તને યોગ્ય નથી. હું પરનારીની સામું જોનારો નથી, તો આ તો મારી માતા છે, માટે જા, ચાલી જા.” આ પ્રમાણે નિર્ભત્સના કરીને કાઢી મૂકેલી દાસીએ રાણી પાસે જઈને તે વાત કરી. ઉપરાંત કહ્યું કે–‘તમારા મનમાં જે વાત છે તે તેના સ્વપ્નમાં પણ નથી.” આ પ્રમાણેની હકીકત બન્યા છતાં પણ કામાક્ષા રાણી ચંદ્રોદય ઉપરના રાગથી નિવર્તી શકી નહીં. તેથી તેણે કેટલાક દિવસ પછી પુનઃ દાસીને મોકલી, કુમારે પાછી મોકલી, તો પણ રાણીએ આશા મૂકી નહીં. કામ ખરેખર દુર્જય છે.” કહ્યું છે કે–આ અનંગ દુર્જય છે, કામની વેદના વિષમ છે, કામની વેદનાવાળો કૃત્યાકૃત્યને જાણતો નથી અને ભૂતગ્રસ્તની જેમ ભમ્યા કરે છે.” “કામ કળાકુશળને પણ વિડંબના પમાડે છે, પવિત્રતાના આડંબરવાળાની હાંસી કરે છે પંડિતને વિકળ કરે છે અને ધીરપુરષને પણ ક્ષણમાં નમાવે છે. મકરધ્વજ દેવની શક્તિ અચિંત્ય છે. વળી કેટલાક દિવસ પછી તેણે દાસીને મોકલી. કુવ્યસનીનો નિષેધ કરવા છતાં પણ રહેતા નથી.”