________________
સતમ પલ્લવઃ
૧૮૫
ત્યાં મેઘવાહન નામનો વિદ્યાધર આવ્યો. તેની સાથે તેની પુત્રી નરમોહિની હતી.” તેનો ચંદ્રોદયકુમાર વર થશે.” એવું પૂર્વે તેને કોઈ નૈમિત્તિકે કહ્યું હતું. તે કન્યાએ પૂર્વે જોયેલ હોય તેમ ચંદ્રોદયને જોયો. પછી તે પોતાના પિતાની સાથે જિનપૂજા કરવા માટે પ્રવર્તમાન થઈ. એટલામાં સિંહનાદ વિદ્યાધરેન્દ્ર પણ પોતાની પાંચે પુત્રીઓ સાથે તે જિનાલયમાં આવ્યો. જિનેશ્વરના ધ્યાનમાંથી છૂટા થઈને ચંદ્રોદયે સિંહનાદ વિદ્યાધરને પૂછ્યું કે–“તમે કયાંથી આવ્યા ? ને તમને તમારી પાંચ કન્યાઓ ક્યાંથી મળી ?” સિંહનાદ બોલ્યો કે– હું આ પાંચે કન્યાઓનો પિતા છું. હવે એ કન્યાઓનો સંબંધ કહું છું તે હે ચંદ્રોદયકુમાર ! તમે સાંભળો -
" પૂર્વે વનમાં તમે સમરવિજયને જે જીત્યો હતો તેના કમળ અને ઉત્પલ નામના બે પુત્ર છે. તેમાંના કમળે તમારા રથમાંથી ભુવનશ્રીનું હરણ કર્યું. તેને લઈને તે વૈતાદ્યપર ગયો છે. બીજા ઉત્પલે તમને પ્રાસાદમાંથી ભૂમિપર મૂક્યા, પ્રાસાદને અદશ્ય કરી દીધો અને મારી પાંચ પુત્રીને લઈ હું અહીં આવ્યો.” આ પ્રમાણે સાંભળીને ચંદ્રોદય કુમાર પોતાના મનમાં હર્ષિત થયો. તે વખતે મેઘવાહન વિદ્યાધરે કુમારને કહ્યું કે–“હે કુમારેંદ્ર ! સાંભળો. પૂર્વે કોઈ નિમિત્તિયાએ મારી પુત્રી નરમોહિનીના વર તમે થશો એમ કહેલું છે. તમને અહીં જાણીને હું મારી પુત્રીને લઈને અહીં આવ્યો છું, તો હવે તે નિમિત્તિયાનું વચન સત્ય કરો અને મારી પુત્રીનું પાણિગ્રહણ કરો.” કુમારે તે વાત સ્વીકારી અને નરમોહિની સાથે તરત જ ત્યાં પાણિગ્રહણ કર્યું. પુણ્યવંત પુરુષો જ્યાં જાય છે ત્યાં તે સંપત્તિને પામે છે.”
ત્યારબાદ પરમાત્માને નમીને સિંહનાદ વિદ્યાધરેંદ્રના આગ્રહથી તેની સાથે જ પ્રિયા સહિત વિમલપુરમાં આવ્યો. ત્યાં તેનો મહોત્સવપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો. પછી સિંહના પોતાની પાંચ પુત્રીઓનો વિવાહ મહોત્સવ ઘણા વિસ્તારથી કર્યો અને કરમોચન વખતે જમાઈને પોતાનું અડધું રાજય આપ્યું. વળી પોતાની પાસે હતી તે બધી વિદ્યાઓ આપી. કુમારે તે સાધી લીધી તેથી ચંદ્રોદય ભૂચર મટીને ખેચર થયો. પોતાના બન્ને પુત્રોની વિપરીત હકીકત જાણીને લજ્જા પામતો સમરવિજય ચંદ્રોદય પાસે આવ્યો અને મહાઉન્નતિવાળા તેને પગે લાગ્યો. ભુવનશ્રી તેને સોંપીને તેણે પોતાના પુત્રોના અપરાધની ક્ષમા માંગીને પુત્રોએ કરેલા વિરોધ અને વૈરનું નિવારણ કર્યું. ચંદ્રોદયના પુણ્ય પ્રભાવથી ઘણા વિદ્યાધરો આવીને તેની સેવા કરવા લાગ્યા. ત્યાં સુખભોગ ભોગવતો તે કુમાર કેટલાક વર્ષો સુધી રહ્યો. એ રીતે પરદેશમાં કૌતુકથી તેના સાતસો વર્ષ વ્યતીત થયા અને તે આઠ કન્યાઓ પરણ્યો.
એક વખત રાત્રિના પાછળના છેલ્લા પ્રહરે તે જાગ્યો. તેથી તેને પોતાનું રાજ્ય યાદ આવ્યું અને ત્યાં જવાનો વિચાર કર્યો. પછી કમળમાળાને બોલાવીને સર્વ પ્રિયાઓ અને વિદ્યાધરોના સૈન્ય સાથે તે પોતાના નગરે આવ્યો. પુષ્પચૂલ રાજા પોતાના પુત્રનું ઘણે કાળે આગમન સાંભળીને તેને મળવા ઉતાવળા થયા અને ત્વરિતપણે તેની સન્મુખ ગયા. અનેક વિદ્યાધરીઓ સાથે વિવાહ કરનાર અને વિદ્યાધરોના સૈન્યસંયુક્ત તેમજ પુષ્કળ લક્ષ્મીયુક્ત એવા પોતાના પુત્રને વિમાનમાં બેસીને આવતો જોઈ તે ઘણા ખુશ થયા. વિમાન આકાશમાંથી નીચે ઉતર્યું ત્યારે ચંદ્રોદયકુમાર તેમાંથી ઊતરીને હર્ષના આંસુ મૂકતો પોતાના પિતાના ચરણમાં પડ્યો.