________________
૧૮૪
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય કહો.” અમારા પિતાના પ્રશ્નના ઉત્તરમાં તે નૈમિત્તિકે કહ્યું કે- “હે રાજેંદ્ર ! તમારી પાંચે પુત્રીનો સ્વામી એક ચંદ્રોદય નામનો ભૂચર થશે. આજથી સાડા છ માસ ગયા પછી હે રાજન્ ! અમુક વનમાં તે સ્વયમેવ આવશે.” નૈમિત્તિકના આવાં વચન સાંભળીને તેણે સૂચવેલા વનમાં આ સાત ભૂમિવાળો પ્રાસાદ કરાવીને અમારા પિતાએ અમારા વરની પ્રાપ્તિ માટે અમને અહીં રાખી છે. અમે અહીં રહીને સખીઓની સાથે રાત દિવસ અનેક પ્રકારની ક્રિડાઓ કરીએ છીએ. અમારા પિતા અમને જોઈતી વસ્તુ પૂરી પાડે છે અને અમારી રક્ષા કરે છે. નૈમિત્તિકે કહેલો અવધિ આજે જ પૂર્ણ થાય છે અને તે વખતે અમારા ભાગ્યોદયથી જ તમે અહીં પધાર્યા છો, તેથી અમે આકારાદિવડે ઓળખી શકીએ છીએ કે તમે જ અમારા થનારા પતિ ચંદ્રોદયકુમાર છો.”
કન્યાના આ પ્રમાણેનાં વચનો સાંભળી કુમાર મનમાં વિસ્મય પામ્યો. તે વખતે પણ પૂર્વોક્ત ગાથાના અર્થને વિચારતો તે હૃદયમાં પ્રમોદ પામ્યો અને વિચાર્યું કે–“અહો ! આ સંસારમાં વિધિનો વિલાસ ઘણો મોટો છે. વિધિના બળવડે દુર્ઘટ હોય તે અકસ્માત સુઘટ થાય છે અને સુઘટ હોય છે તે દુર્ઘટ થાય છે. કહ્યું છે કે–વિધિના બળથી સમુદ્ર અર્થાત્ જળ હોય છે ત્યાં સ્થળ થાય છે અને સ્થળ હોય છે ત્યાં જળ થાય છે. ધૂળ હોય ત્યાં પર્વત થાય છે અને પર્વત હોય ત્યાં સપાટ જમીન થઈ જાય છે. મેરુ મત્કણ (માંકડ) જેવો થાય છે અને મત્કણ મેરુ થાય છે. તૃણ વજરૂપ થાય છે અને વજ તૃણ પ્રાય થાય છે. અગ્નિ શીતલ થાય છે અને હિમ દહન કરે છે. દૈવની લીલાથી આનંદ કરતો હોય છે તે મહાસંકટમાં પડી જાય છે અને સંકટમાં પડેલાનો ઉદ્ધાર થઈ જાય છે. તેથી તેવા બળવાનું દૈવને નમસ્કાર થાઓ. જે તત્કાળ અસાધ્યને સાધે છે, સુસાધ્ય છતાં સાધી શકાતું નથી, વિપરીત હોય તે અનુકૂળ થાય છે અનુકૂળ હોય તે વિપરીત થાય છે–આ બધું વિધિનું જ વિલસીત છે.”
આ પ્રમાણે વિચારીને તે મૌન ધારણ કરી બેઠો, તેથી તે કન્યા બોલી કે–હે ભાગ્યનિધિ મનુષ્ય ! સાંભળો. નિમિત્તિઓની કહેલી સાડા છ મહિનાની અવધિ આજે જ પૂર્ણ થઈ છે અને તે વખતે જ તમારું આગમન થયું છે. આજે જ લગ્નનો દિવસ છે તેથી તમે અમારી સાથે પાણિગ્રહણ કરો.' કન્યાના આ પ્રમાણે કહેવાથી ચંદ્રોદયકુમારે પૂર્વે તૈયાર કરી રાખેલી સામગ્રીવડે તે પાંચે કન્યાની સાથે પાણિગ્રહણ કર્યું. તેટલામાં તો નથી કન્યા અને નથી પ્રાસાદપોતે એકલો જમીન ઉપર ઊભો છે. આ પ્રમાણે તેણે જોયું, એટલે બહુ જ આશ્ચર્ય પામીને વિચારવા લાગ્યો કે-“આ તે શું ઈન્દ્રજાળ હતી કે સાચું હતું? પાંચ કન્યાઓ ક્યાં ગઈ? સાત માળનો આવાસ ક્યાં ગયો? આ તો ક્ષણમાત્રમાં સ્વપ્નની જેવું થઈ ગયું.” આ પ્રમાણે વિચારતો તે પોતાના રથ પાસે ગયો તો ત્યાં રથમાં પોતાની સ્ત્રીને ન જોઈ. તેથી અત્યંત વિષાદ પામીને તે વિચારે છે કે– હા હા ! આ શું ? મારી પ્રિયા ક્યાં ગઈ ? આમ વિચારતો તે વનમાં ભમવા લાગ્યો અને પ્રિયાને શોધવા લાગ્યો. એટલામાં તેણે એક ઊંચા તોરણો અને સ્તંભોથીમંડિત સુવર્ણરત્નથી મનોહર શ્રીજિનપ્રતિમા સહિત એક શ્રીજિનમંદિર જોયું. મંદિરમાં પ્રવેશ કરતાં ભવસમુદ્રમાં આલંબનભૂત શ્રીયુગાદિનાથને જોઈને તે પરમાત્માને નમસ્કાર કરવા માટે અંદર ગયો. પછી પ્રભુને નમસ્કાર કરી, પૂજા કરીને તે તેમના ધ્યાનમાં સ્થિત થયો. તેટલામાં