________________
૧૮૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્યો પૃથ્વી પર પર્યટન કરી અનેક ભવ્યજીવોને પ્રતિબોધ કર્યો. લોકોએ ભુવનભાનું પ્રમાણે તેમનું નામ પ્રસિદ્ધ કર્યું.
તે વિજયમાં જયપુર નામના નગરમાં ચંદ્રમૌલી નામે રાજા હતો. ભુવનભાનુ કેવળીએ તેને દેશના આપી. તેમાં વૈરાગ્યરસથી સંપૂર્ણ પોતાની કથા પ્રારંભથી એટલે કે અવ્યવહરાશિમાંથી નીકળ્યા ત્યારથી કહી સંભળાવી. તે સાંભળીને રાજા સંવેગ પામ્યો અને તેણે દીક્ષા અંગીકાર કરી. તે રાજા પણ અનુક્રમે કેવળજ્ઞાન પામ્યો. અંતે તે બન્ને કેવળી સમ્યગ પ્રકારે સંયમનું આરાધન કરી ક્રોડ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષે ગયા.” (ભુવનભાનુકેવલી ચરિત્રમાં આ કથા વિસ્તારથી બતાવી છે.)
“હે ભવ્યો ! આ અસાર સંસારમાં કંઈપણ સારભૂત નથી, એકમાત્ર ક્ષમાયુક્ત ધર્મ જ સારભૂત છે કે જેથી પ્રાણી મોક્ષ પામી શકે છે. આ વિશ્વમાં ધર્મથી અર્થની સિદ્ધિ થાય છે. અર્થથી કામની પ્રાપ્તિ થાય છે, તેથી અર્થ, કામ અને પ્રાંતે મોક્ષ એ ત્રણેની જેનાથી પ્રાપ્તિ થાય છે એવા ' ધર્મનું ઉત્તમ ચિત્તવડે નિરંતર સેવન કરો. ધર્મનું મૂળ સમક્તિ છે શ્રી જિનેશ્વરને દેવ, સુસાધુને ગુરુ અને દયામૂળ સુધર્મને ધર્મ માનવો તે સમ્યક્ત કહેવાય છે.”
આ પ્રમાણેની દેશના સાંભળીને ચંદ્રોદયકુમારે શુદ્ધસમ્યક્નમૂળ શ્રાવકધર્મ ગ્રહણ કર્યો. જીવાજીવાદિ તત્ત્વોનું સ્વરૂપ પૂછીને તેનો જાણકાર થયો, પછી મિથ્યાભાવ તજીને ચંદ્રોદયકુમાર કંઈક વિશેષ પૂછે છે તેટલામાં તે મુનિ એકાએક અદૃશ્ય થઈ ગયા. તેથી વિસ્મય પામેલો કુમાર ચિંતવવા લાગ્યો કે–“આ મારા પરમ ઉપકારી મુનિ મને ઉપદેશ આપીને ક્યાં ગયા?” તે આ પ્રમાણે વિચારે છે તેટલામાં અકસ્માત ત્યાં એક મોટું સૈન્ય આવ્યું. તેના સુભટો શીધ્રપણે કુમારની આસપાસ વીંટળાઈને બોલ્યા કે–“અરે ! તને સમરવિજય રાજા હમણાં જ ક્રોધવડે હણી નાંખશે.” આવાં વચનો સાંભળીને તુરત જ તેણે ગાથાનો અર્થ વિચારી હૃદયમાં ધર્યને ધારણ કર્યું અને સિંહનાદ કરી તે સૈન્યમાંથી જ એક રથ ગ્રહણ કરી તેના પર આરૂઢ થઈને સંગ્રામમાં સામે આવી યુદ્ધ કરવા સજ્જ થયો. ગ્રહણ કરેલ રથ સર્વ આયુધવડે પૂર્ણ હોવાથી તેણે તે શસ્ત્રોવડે ઘણા સુભટોને હણ્યા. તે જોઈ સુભટો બોલવા લાગ્યા કે–“આ કોઈ સામાન્ય મનુષ્ય જણાતો નથી.' તે વખતે પોતાના સૈન્યને પાછું આવેલું જોઈને સમરવિજય રાજા પોતે યુદ્ધ કરવા આવ્યો અને ચંદ્રોદયની સામે થયો. તે ગર્વિત થઈને ચંદ્રોદયની ઉપર શસ્ત્રપ્રહાર કરવા તૈયાર થયો ત્યારે લઘુલાઘવી કળાથી તેનો પ્રહાર ચુકાવીને ચંદ્રોદયે તેને પકડ્યો. ત્યારબાદ તેને જીવતો બાંધીને ચંદ્રોદયકુમાર પોતાના રથમાં નાંખે તેટલામાં તે વિનયપૂર્વક ચંદ્રોદયના પગમાં પડ્યો અને પોતાને છોડી દેવા કહ્યું તેથી કુમારે દયા આવવાથી તેને છોડી દીધો.
તે વખતે એક સ્ત્રી ત્યાં આવી. તેણે કુમારને કહ્યું કે-“ભો ભદ્ર ! મારું વચન સાંભળો. શ્રીકુશવર્ધન નામના નગરમાં કમલચંદ્ર નામે રાજા છે. તેને અમરસેના નામે રાણી છે. તેને . ભુવનશ્રી નામે પુત્રી છે. તે જિનધર્મથી ભાવિત અંતઃકરણવાળી છે. તેણે તમારા ગુણો સાંભળીને એવી પ્રતિજ્ઞા કરી છે કે–“આ ભવમાં મારો ભત્તર ચંદ્રોદયકુમાર થાઓ. તે સિવાયના સર્વ મનુષ્યો મારા બંધુતુલ્ય છે. આવો મારો નિશ્ચય છે.” આ સમરવિજય નામે શૈલપુરનો રાજા છે.