________________
સપ્તમ પલ્લવઃ
પોતાના હૃદયમાં વિચાર્યો તેથી ધૈર્ય ધારણ કરી ઉઠીને પર્વતના શિખરથી તે નીચે ઉતર્યો.
અરણ્યમાં ભમતાં તેણે કોઈક અશોકવૃક્ષની નીચે જિનમુદ્રાને ધારણ કરીને કાયોત્સર્ગે રહેલા એક મુનિને જોયા. ક્ષમાના આધાર, નિર્વિકાર, અવ્યક્ત આહાર અને જિતેન્દ્રિય એવા તે મુનિને જોઈને તે વિવેકવાન્ ભાવનાયુક્ત ચિત્તે તેમને વંદન કર્યું. મૌનનો ત્યાગ કરીને કાઉસગ્ગ પારીને મુનિએ ધર્મલાભરૂપ આશિષ આપ્યા. પછી મુનિ ભગવંતે પુણ્યને વહન કરનારી અને પાપનો નાશ કરનારી આ પ્રમાણે ધર્મ દેશના આપી.
૧૮૧
‘ભો ભવ્યજીવો ! આ સંસારમાં જીવોને ક્રોડો ભવે પણ મનુષ્યનો ભવ, ઉત્તમકુળ, ધર્મની સામગ્રી અને તેના વિષે શ્રદ્ધા તો મહાદુર્લભ છે. સારું રાજ્ય પ્રાપ્ત થાય, મનોહર નગરો પ્રાપ્ત થાય, પરંતુ સર્વશોક્ત વિશુદ્ધ એવો ધર્મ પામવો અતિ દુર્લભ છે. ચિંતામણિ રત્નસમાન ધર્મ પ્રાપ્ત થતાં દુષ્પ્રાપ્ય વસ્તુની જેમ પ્રમાદરૂપી તસ્કરોથી તેનું પ્રયત્નવડે રક્ષણ કરવું જોઈએ. આ સંસારમાં જે જે વસ્તુ ઇષ્ટ અને રમ્ય લાગે તે સર્વ અસ્થિર છે એમ જાણીને બુધજનોએ બલી નરેંદ્રની જેમ અચળ એવા ધર્મનું નિરંતર સેવન કરવું. તે બલી રાજાની કથા આ પ્રમાણે છે— બલીરાજાની કથા
* પશ્ચિમ મહાવિદેહમાં ગંધિલાવતી વિજયમાં સ્વર્ગપુરી જેવી ચંદ્રપ્રભા નામે નગરી હતી. તે નગરીમાં કલંકરહિત એવો અકલંક નામનો મહાન્ રાજા હતો. તે ચંદ્રસમાન સૌમ્ય હતો અને તેની વાણી અમૃત સમાન મધુર હતી. તેને આદર્શ સમાન ઉજ્જવળ સુદર્શના નામે રાણી હતી. તથા બલી નામે પુત્ર હતો. તે બાળપણમાં પણ શરીરે સબળ અને બુદ્ધિમાન્ હતો. તેણે વીશલાખ પૂર્વ યુવરાજપણું પાળ્યું અને ચાલીશલાખ પૂર્વ સુધી પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી શ્રી સુવ્રતાચાર્ય સમીપે તેણે શ્રાવકના વ્રતો ગ્રહણ કર્યા અને તેની પરિપાલના સાથે તેણે બીજા પણ અનેક પ્રકારના સુકૃત્યો કર્યા. જિનપ્રાસાદ, જિનપ્રતિમા, શ્રીસંઘનીભક્તિ, દીનજનોનો ઉદ્ધાર અને રથયાત્રા વગેરે કરીને તે જૈનધર્મનો મહાપ્રભાવક થયો. શ્રાદ્ધધર્મની ક્રિયામાં તત્પર એવા તે બલી રાજાએ એક વખત પક્ષીને દિવસે ઉપવાસ કર્યો અને આખી રાત્રી કાયોત્સર્ગમાં સ્થિરપણે સ્થિત થયો. રાત્રીના ત્રીજા પ્રહરને અંતે શુભ ભાવના ભાવતાં તે સર્વ વસ્તુમાં અનિત્યતા જોવા અને ભાવવા લાગ્યો. તેણે લક્ષ્મી વીજળીની લતા જેવી ચપળ, આયુષ્ય દર્ભના અગ્રભાગપર રહેલા જળબિંદુ જેવું ચંચળ, રાજ્ય ગજકર્ણવત્ ચંચળ અને સર્વસંગમો સ્વપ્ન જેવા ક્ષણિક જાણ્યા. તેણે વિચાર્યું કે—‘કોના પુત્ર, કોની સ્ત્રી, કોનું ઘર અને કોના ધનાદિ પદાર્થો ?” આ સર્વને પ્રાણી મારા મારા કરે છે પણ તે કોઈના નથી. ‘અહં મમ’ એ ચાર અક્ષરોથી સંસાર છે, કર્મનો બંધ છે અને નારૂં ન મમ' એ પાંચ અક્ષરોથી નિવૃત્તિ-મોક્ષ છે. આ શરીર અનિત્ય છે, વૈભવ અશાશ્વત છે અને મૃત્યુ નિરંતર પાસે જ રહેલું છે. તેથી પ્રત્યેક રીતે ધર્મનો સંગ્રહ કરવો. ક્રોધ અને વિરોધને સર્વ સંતાપના કારણભૂત જાણી તેને ત્યજી જે શમરૂપ સુધાયુક્ત વર્તે છે તે અલ્પકાળમાં નિવૃત્તિને પ્રાપ્ત કરે છે.” આ પ્રમાણે નિઃસ્પૃહવૃત્તિએ હૃદયમાં અનિત્યતાનું ચિંતવન કરતાં બલી રાજાએ ક્ષપકશ્રેણી માંડી અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ દેવે આપેલો મુનિવેશ ગ્રહણ કરી સુવર્ણકમળ ઉપર બેસી ધર્મદેશના આપવા લાગ્યા.