________________
શિવમસ્તુસર્વજગતઃ ''વીર મને નિનિતમોહતનમ્'
આગમગચ્છીય શ્રી ઉદયધર્મગણિવર વિરચિત
શ્રી ધર્મકલ્પદ્રુમ મહાકાવ્ય
અનુવાદ
પ્રથમ પલ્લવઃ
હે ભવ્યજીવો....!
આ અવસર્પિણીના ચોવીશ તીર્થંકર પરમાત્મામાંથી સર્વપ્રથમ, ત્રીજા આરાને અંતે શાશ્વતસુખને આપનાર ધર્મને જેમણે ઉપદેશ્યો તે પિતા નાભિરાજાના પુત્ર શ્રી ઋષભ જિનેશ્વર તમને હંમેશા શ્રી મોક્ષલક્ષ્મી આપો. ૧.
મેરુપર્વતથી કઈ ગણી ચડિયાતી કાંતિને ધારણ કરનાર અને ભવથી પાર ઉતારનારા શ્રીશાંતિનાથ પ્રભુ શાંતિને આપનારા થાઓ. ૨.
વિશાળ રાજ્યને તજીને અને કામસુભટને જીતીને ચારિત્ર સામ્રાજ્યને અંગીકાર કરનાર શ્રી નેમિનાથ પરમાત્માને ભાવપૂર્વક વંદન કરું છું. ૩.
સકળ જીવોના સર્વદુઃખોને હરનાર અને મનવાંછિતને આપનાર શ્રીજિરાવલ્લિવિભૂષણશ્રીપાર્શ્વનાથ પ્રભુ તમારા આત્માને પવિત્ર કરનારા થાઓ... ! ૪.
પોતાનાથી અધિક પરાક્રમ જોઈને સિંહ પણ લંછનના બહાનાથી જેમની સેવા કરી રહ્યો છે તે શ્રી વીરપ૨માત્મા તમારા વાંછિતને આપનાર થાઓ...! ૫.
કામદેવને જીતનારા બીજા અજિતનાથ આદિ બાવીશ તીર્થંકર પરમાત્માઓ ભવ્યજીવોના હર્ષ માટે થાઓ તથા મોક્ષલક્ષ્મી આપનારા થાઓ. ૬.
કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિની જેમ સદાય ચિંતિતને (ઇચ્છિતને) આપનાર શ્રીગૌતમગણધરનું હે ભવ્યજીવો તમે ધ્યાન કરો. ૭.
જેમની કૃપાથી કવીશ્વરો ગ્રંથોને રચી શકે છે તે શાસ્ત્રરૂપી સમુદ્રનો પાર પમાડનારી મા શારદા તમને વરદાન આપનારી થાઓ. ૮.
આ લોક અને પરલોકમાં અનેક પ્રકારના સુખને આપનાર, દુષ્કર્મનો ઘાત કરનાર તથા માતા, પિતા અને સ્વામીતુલ્ય ધર્મ સદા જયવંતો વર્તે. ૯.