________________
સપ્તમ પલવઃ
૧૭૭
તપસ્યાની સાધનાથી, શ્રીચંદ્રપ્રભસ્વામીની ભક્તિથી, દેવપાસેથી વરદાન મળવાથી, સેંકડો મનોરથ સહિત અમને પુત્રપ્રાપ્તિ થઈ છે. તમારી સૌની મીઠી નજરથી મારા વાંછિત પૂર્ણ થયેલા છે. ચંદ્રનું સ્વપ્ન આવવાથી અને ચંદ્રપાનનો દોહદ થવાથી તે પુત્રનું ચંદ્રોદય અથવા ચંદ્રોદર એવું નામ હો.' સર્વ સ્વજનોએ તે વાત સ્વીકારી. ત્યારપછી ધાવમાતાવડે પ્રતિપાલન કરાતો તે ચંદ્રોદય પુત્ર શુક્લ પક્ષના ચંદ્રની જેમ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યો. તે સાત વર્ષનો થયો ત્યારે વિદ્યાગ્રહણની યોગ્યતા જાણીને મહોત્સવપૂર્વક પંડિતને સોંપવામાં આવ્યો. દેવાંશી હોવાથી સ્વલ્પ કાળમાં તે સર્વ શાસ્ત્રો શીખ્યો, શસ્ત્રકળામાં પ્રવિણ થયો અને અન્ય કળાઓનો પણ સારો અભ્યાસ કર્યો. અનુક્રમે તે સ્ત્રીઓના માનનું મર્દન કરનાર યૌવનાવસ્થા પામ્યો. એટલે સર્વદા મિત્રોની સાથે તે વિવિધ પ્રકારની ક્રીડા કરવા લાગ્યો.
હવે તે નગરમાં શ્રેષ્ઠીઓમાં અગ્રેસર અને મહદ્ધિક એવો અમરચંદ્ર નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેને ચંદ્રલેખા નામે પ્રિયા હતી. તેને સાગરચંદ્ર નામે પુત્ર હતો, તે સર્વ કળાઓમાં પ્રવીણ હતો, સદાચારી હતો, વિચારશીલ હતો, સજ્જનો તેની પ્રશંસા કરતા હતા, તે નિરંતર દાનાદિ ધર્મકાર્ય કરતો હતો. તેના ઘરમાં કેટલી લક્ષ્મી છે તે કોઈ જાણતું નહીં. સર્વ જીવોપર કૃપાળુ તે સુખપૂર્વક કાળ પસાર કરતો હતો, તેમજ વિષમાવસ્થામાં પણ કુળાચારને કદી છોડતો નહોતો. એક વખત અંતરાય કર્મનો ઉદય થવાથી તે શ્રેષ્ઠી મહર્ધિક હોવા છતાં પણ તેની લક્ષ્મી કોઈના લઈ ગયા વિના જ સ્વભાવે ક્ષીણ થવા માંડી. તો પણ તે સદાચારને કે દાનધર્મને છોડતો નહોતો. થોડામાંથી પણ થોડું ઘણા આદરથી સાધુ વગેરેને દાન આપતો હતો. એ પ્રમાણે ક્ષીણઅવસ્થામાં બાર વર્ષ વ્યતીત થયા. તેમાં ઘણા પ્રકારનાં કષ્ટો સહન કર્યા. પ્રાંતે અંતરાય કર્મનો ઘણો અંશ ક્ષય થયો. તે દરમ્યાન એક દિવસ તેને ઘરે મૂર્તિમાનૢ કલ્પવૃક્ષ જેવા કોઈક લબ્ધિવંત મુનિરાજ પધાર્યા. તેમને જંગમ તીર્થંતુલ્ય જાણીને શ્રેષ્ઠીએ હર્ષથી નમસ્કાર કર્યા અને શુદ્ધઅન્નપાનાદિ વહોરાવીને આ પ્રમાણે સ્તુતિ કરી :—‘હે મહામુનિ ! આ સમય ને આ દિવસ ધન્ય છે. તેમજ તે રાત્રી અને તે પ્રહર પણ સુંદર ગણવા યોગ્ય છે કે જે વખતે પ્રમોદથી ભરેલા નિર્ભર લોચનવાળા ભવ્યાત્માઓને આપની સાથે સંગમ અને વાર્તાલાપ થાય છે.”
શ્રેષ્ઠીની ભક્તિથી સંતોષ પામેલા મુનિરાજે તેને ધર્મોપદેશ આપ્યો. તે સાંભળીને તેમની પાસેથી શ્રીજિનેશ્વરકથિત ધર્મને અંગીકાર કરીને સાગરચંદ્રે આ પ્રમાણે કહ્યું કે :—“હે પ્રભો ! મારી ઉપર કૃપા કરીને જે રીતે મારું દારિત્ર્ય દૂર થાય તેવો સુલભ તેમજ શ્રેષ્ઠ ઉપાય બતાવો.” તે વખતે મુનિરાજે ઉપયોગ મૂકી તેની હકીકત જાણીને તેને કહ્યું કે “હે સાગરચંદ્ર ! તારું અંતરાય કર્મ ઘણું તો ક્ષય થયેલ છે, પણ હજુ થોડુંક બાકી છે, તેથી.તેના ક્ષય માટે ઉપાય બતાવું છું. પરમેષ્ઠિ મહામંત્રમાં જે સાતમું પદ છે તેનું દુષ્કર્મના નાશને માટે વિધિપૂર્વક આરાધન કર. ‘‘ૐ નમ: સવ્વપાવપ્પાસો'' આ અગ્યાર અક્ષરનો મંત્ર ગૃહચૈત્યાદિમાં પરમાત્માની આગળ બેસીને એક ચિત્તે જપવો. પ્રમાદ તજી દેવો, બ્રહ્મચર્ય પાળવું, વિકથા નિદ્રા અને ચારે પ્રકારનો આહાર ત્યજી દેવો. આ પ્રમાણે કરવાથી હે સાગરચંદ્ર ! સાતમે દિવસે તારી પાસે દક્ષ એવી શાસનદેવી પ્રત્યક્ષ થશે. તે વખતે તારા ભાગ્યયોગથી તે તારા પર તુષ્ટમાન્ થઈને તને વરદાન આપશે, પણ શું વરદાન આપશે ? તે હું જાણતો નથી.”