________________
૧૭૬
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય
ચંદ્રમાએ એકદમ આવીને મારા મુખમાં પ્રવેશ કર્યો.” આ પ્રમાણેનું સ્વપ્ન જોઈને રાણી હર્ષ પામી, જાગીને પોતાના સ્વામી જ્યાં હતાં ત્યાં જઈને તે હકીકત નિવેદન કરી. રાજાએ કહ્યું કે– ‘‘આ સ્વપ્નના મહાત્મ્યથી કોઈ દેવ સ્વર્ગમાંથી ચ્યવીને તારો ભાવીપુત્ર થશે. આ સ્વપ્નથી મારો મનોરથ ફળિભૂત થયો છે.” આ પ્રમાણે સાંભળીને રાણી ઘણી હર્ષિત થઈ. પુણ્યકાર્ય વિશેષે કરવા લાગી અને ગર્ભરત્નને ધારણ કરતી તે રત્નની ખાણ જેવી શોભવા લાગી.
જેમ જેમ ગર્ભ વૃદ્ધિ પામતો ગયો, તેમ તેમ રાજભુવનમાં ઋદ્ધિની વૃદ્ધિ થવા લાગી. રાણીને જે જે મનોરથો થયા તે તે રાજાએ પૂર્ણ કર્યા. સાતમે મહીને ગર્ભના પ્રભાવથી સર્વાંગસુંદર અને કાંતિમાનૢ એવી રાણીને એવો દોહદ થયો કે—‘હું ચંદ્રમાનું પાન કરું અને પછી વૈતાઢ્યપર્વત ઉ૫૨ના સર્વવિદ્યાધરોને સમાધિપૂર્વક જીતી લઉં,” આ દોહદ બળવાનથી પણ પૂરી શકાય તેવો ન હોવાથી રાણી દિનપ્રતિદિન દુર્બળ થવા લાગી. આ દોહદને દુઃસાધ્ય જાણીને રાજાએ મંત્રીને પૂછ્યું કે—‘દોહદ ન પુરાવાથી રાણી દુર્બળ થતી જાય છે, તો એનો શું ઉપાય કરવો ?’ મંત્રીએ વિચાર કરીને ઉત્તર આપ્યો કે—‘હે સ્વામિન્ ! બુદ્ધિના પ્રયોગ વડે એ દોહદ પૂર્ણ કરીએ ગૃહમાં રહેલા જાળી દ્વારા ચંદ્રમાનું પ્રતિબિંબ અંદર રહેલા જળના પાત્રમાં પડે ત્યારે રાણીને કહીએ કે આમાં ચંદ્ર આવેલ છે માટે તેને પીવો. અંધકારમાં ખરેખર ચંદ્રની ભ્રાંતિથી તે પીવા માંડે ત્યારે જાળની ઉપર રહેલો મનુષ્ય ધીમેથી તે જાળને ઢાંકતો જાય. રાણી બધું જળ પી જાય ત્યારે ઉપરની જાળ તમામ ઢંકાઈ જાય, તેથી રાણી માનશે કે મેં ચંદ્રમાનું પાન કર્યું. એ રીતે એ દોહદ તો પૂર્ણ થાય. હવે વૈતાઢ્ય ઉપર રહેલા વિદ્યાધરોને જમીન પર રહેલા આપણે જીતવા તે તો અસાધ્ય જેવું છે. તેને માટે કોઈક ઇન્દ્રજાળીઆને બોલાવીએ અને તેની પાસે એવું નાટક કરાવીએ કે—તેમાં તે ઇન્દ્રજાળિક વિદ્યાવડે વૈતાઢ્ય, વિદ્યાધરો, તેના નગરો વગેરે રચશે. પછી તમારા સુભટરૂપે થઈને તે ઇન્દ્રજાળિક રાણીની નજરે તે વિદ્યાધરોને યુદ્ધવડે જીતશે. હે રાજન્ ! આ પ્રમાણે કરવાથી રાણીને સંતોષ થશે અને તેને સંતોષ થવાથી તે દુર્બળ મટીને હર્ષવડે પુષ્ટ
થશે.’
રાજાએ મંત્રીની યુક્તિ પસંદ કરી તે પ્રમાણે કરવા હુકમ આપ્યો. મંત્રીએ તે પ્રમાણે કરીને રાણીનો દોહદ પૂર્ણ કર્યો. તેથી તે પણ પ્રસન્ન થઈ. ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શુભયોગે, શુભદિવસે બધા ગ્રહો પોતાના સ્થાનમાં અથવા ઉચ્ચ સ્થાનમાં આવતાં, સારા લગ્નમાં સૌમ્ય સમયે, રાત્રીએ ચંદ્રોદય થતા, સુદિ સાતમે શુભવારે રાણીએ પુત્રને જન્મ આપ્યો. તે વખતે દાસી વગેરે સેવકોએ રાજાને વધામણી આપી. રાજાએ તેમને વાંછિત દાન આપ્યું. પુત્રોત્પતિની વધામણી સાંભળીને રાજાએ અત્યંત હર્ષ થવાથી પુત્રના જન્મોત્સવ નિમિત્તે અનેક પ્રકારે નગરની શોભા કરાવી. સ્થાને સ્થાને મલ્લયુદ્ધ અને ચતુષ્પથમાં નાટકો કરાવ્યા અને લાખો દ્રવ્ય દાનમાં આપ્યું, એ રીતે જન્મોત્સવ કર્યો.
અનુક્રમે સૂર્ય-ચંદ્રનું દર્શન, ઝોળીમાં સુવાડવું, ષષ્ઠિનું બલિદાન આપવું. ઇત્યાદિ પુત્રજન્મને લગતાં સર્વ સંસ્કારો વિધિપૂર્વક કરવામાં આવ્યા. પછી ભોજન વસ્ત્રાદિવડે સ્વજનોનું ગૌરવ કરીને પોતાની બહેન તથા બીજી વૃદ્ધ સ્ત્રીઓને રાજાએ કહ્યું કે—પૂર્વના પુણ્યથી,