________________
છઠ્ઠો પલ્લવઃ
૧૬૫
અત્યંત દુઃખિત થઈ ગઈ. ‘દાન વિનાની વિભૂતિ (સંપદા), સત્ય વિનાની સરસ્વતી, વિનય વિનાની વિદ્યા અને પતિ વિનાની સ્ત્રી શોભતી નથી. માન, દર્પ, અહંકાર, બંધુવર્ગમાં પૂજા અને પુત્રોમાં તેમજ સેવકોમાં આજ્ઞા આ સર્વ વૈધવ્યપ્રાપ્ત થવાથી નાશ પામે છે. આ પ્રમાણે દુઃખાર્દિત એવી તે મરણ પામીને વિંધ્યાચળના સમીપ ભાગમાં જ્યાં તેનો પતિ હાથી રૂપ થયેલો છે ત્યાં જ હાથણી તરીકે ઉત્પન્ન થઈ. તેને જોઈને કામવિહ્વળ થયેલો રણચૂડ હસ્તી તેની પાછળ દોડ્યો. પૂર્વભવનો મોહ દીર્ઘકાળે પણ છોડતો નથી મોહની ગતિ જ એવી હોય છે.' કહ્યું છે કે—‘ગિરીશ એટલે કે શિવ તે અર્ધાંગે પાર્વતીને ધારણ કરતા હતા, વિષ્ણુ નિરંતર શસ્રશ્રેણિને ધારણ કરતા હતા, બ્રહ્મા નિરંતર અક્ષસૂત્ર (માળા)ને ધારણ કરતા હતા અને સહસ્રાક્ષ એટલે કે ઇન્દ્ર તે ઇંદ્રાણીના પાદપ્રહારને સહન કરતા હતા. આ બધું મોહનું વિભિતપણું છે. આવા મહાપુરુષો પણ જ્યારે તેને તાબે થયા છે, તો પછી બીજા સામાન્ય જનોની તો વાત જ શી કરવી ?
હવે હાથી-હાથણીની સાથે સ્વેચ્છાએ વનમાં રમતો અને રેવા નદીના ઊંચા જળતરંગોમાં જળક્રીડા કરે છે. એક વખત તે વનમાં કોઈ જ્ઞાની મુનિ પધાર્યા તેમને જોઈને ક્રોધ ઉત્પન્ન થવાથી હાથી તેની સામે ઉતાવળો દોડ્યો. પરંતુ મુનિએ તપની લબ્ધિથી તેને શાંત કરી દીધો, તેથી તેણે શાંત થઈને હાથણી સહિત મુનિરાજને નમસ્કાર કર્યા. મુનિરાજે તેનો પૂર્વભવ કહીને તેને પ્રતિબોધ પમાડ્યો. તે પણ જાતિસ્મરણ થવાથી હાથણી સહિત સમકિત પામ્યો. તે દિવસથી તેણે સચિત્તનો ત્યાગ કર્યો તે વખતે તૃણ, કાષ્ટ, પત્ર, પુષ્પ ફળ વગેરે જે સચિત્ત હોય તે વર્જીને અચિત્તને જ ભોગવવા લાગ્યો. વળી દયાયુક્ત ચિત્તે ઇર્યાસમિતિના પાલનપૂર્વક ગમનાગમન ક૨વા લાગ્યો. તેમજ શાંતાત્મા એવો તે પૂર્વજન્મની જેમ દુઃસહ તપ કરવા લાગ્યો. મુનિરાજના વાક્યથી પ્રતિબોધ પામેલા તેણે હાથણીનો સંગ પણ તજી દીધો અને પુણ્યકાર્ય જ કરવા લાગ્યો.
તે વનમાં પૂર્વે મલયદેવીએ શ્રીયુગાદીશ પ્રભુનો તોરણ સહિત એક સુંદર અને આનંદ ઉત્પન્ન કરનારો પ્રાસાદ પોતાને જિનાર્ચા કરવા માટે કરાવ્યો હતો. તે જિનપ્રાસાદ પાસે તે હાથી હાથણી સહિત જિનવંદન માટે દ૨૨ોજ જવા લાગ્યો. એ પ્રમાણે આનંદથી કાળ નિર્ગમન કરતા, એક દિવસ તે વનમાં દાવાગ્નિ લાગ્યો, તેથી પૂર્વે બનાવેલા સ્થંડિલ તરફ તે હાથી દાવાનળથી ભય પામીને દોડ્યો, પરંતુ વનના પ્રાણીઓથી બધા સ્પંડિલો ભરાઈ જવાને કારણે પાંચમા સ્થંડિલમાં તે હાથી હાથણી સહિત ઊભો રહ્યો. મારા ભયથી આ બીજા નાના જીવો દાવાનળમાં ન જાઓ.' એમ વિચારીને તે શાંતપણે શરીરને સંકોચીને રહ્યો. પવને પ્રેરેલી દાવાનળની જ્વાળા ત્યાં પણ આવી, તેથી ખૂણા પર રહેલી હાથણી તે દાવાનળથી દાઝીને બળી ગઈ. હાથી તેના પરના મોહથી પાણી લાવી. લાવીને તેને સિંચવા લાગ્યો, એમ જવા આવવાથી દાવાગ્નિવડે તે હાથી પણ બળી ગયો. તે બન્ને અનશન કરી ધર્મધ્યાનમાં તત્પર થઈ નમસ્કારમહામંત્રનું સ્મરણ કરતા કરતાં મરણ પામીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા. સ્વર્ગમાંથી ચ્યવીને, હે રાજન્ ! તમે પુરુષોત્તમ રાજા થયા અને હાથણીનો જીવ તમારી કમલશ્રી નામે રાણી થઈ. પૂર્વે વિદ્યાધરના ભવમાં મોહથી તમે પરનારીનું હરણ કર્યું હતું તેથી તમે તે સ્ત્રી સહિત તિર્યંચપણું પામ્યા. તપ અને દયાદિક ધર્મકૃત્ય તમે જે પૂર્વભવમાં કર્યાં હતા તેથી બાંધેલા