________________
૧૫૮
શ્રી ધર્મક્લ્પદ્રુમ મહાકાવ્ય નામ પણ લેવું નહીં પ્રેમવાળી હાથણીને આગમાં બળતી મૂકીને હાથી ભાગી ગયો તેથી વિચાર કર કે પુરુષમાં શ્રેષ્ઠતા કયાં છે ? અને તેવા પુરુષો કઈ રીતે માન્ય કરી શકાય ?
આ પ્રમાણેના રાજપુત્રીના વચનો સાંભળીને સુલોચના બોલી કે—‘હે સખી ! તું કહે છે તે ઠીક છે પણ સ્ત્રીનું કન્યાપણું મોટી ઉંમરે યોગ્ય લાગતું નથી.' તેનો આવો આગ્રહ જોઈને કમલશ્રી પુનઃ બોલી કે—‘હે સખી ! જો હું પૂર્વભવના ભત્તરને જાણું અને તેનામાં ગુણનો સદ્ભાવ હતો એમ સમજું તો સમયે તેની સાથે પ્રાણિગ્રહણ કરું.' આ પ્રમાણેનો કમલશ્રીનો વિચાર જાણીને ચિંતામાં પડેલી કૃત્રિમ સ્ત્રીને વિશેષ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે પોતાનો પૂર્વભવ જોયો.
એક દિવસ તાપસી પાસે જઈને તે સ્ત્રીરૂપે થયેલ રાજાએ પોતાના અને રાજપુત્રીના પૂર્વભવની બધી વાત કરી. તે સાંભળીને તાપસીએ તે હકીકત એક ચિત્રપટમાં આલેખી. તેમાં દાવાનળ સહિત અટવી ચીતરી. હાથણીને બળતી જોઈને પાણી લેવા માટે જતો હાથી દોર્યો. તે પાણી સૂંઢમાં લઈને આવ્યો અને તે જળવડે હાથણીને સીંચવા લાગ્યો. વળી બીજીવાર પાણી લેવા ગયો અને તેનાવડે હાથણીને સીંચી. એમ ગમનાગમન કરતાં તે હાથી પણ દવથી બળી
ગયો અને મૃત્યુ પામ્યો. આ બધું ચીતર્યું આ બધી હકીકત સમજાવીને ચિત્રપટ્ટ મંત્રીને આપ્યો. મંત્રીએ તે ચિત્રપટ્ટ તે નગરના ચતુથ વચ્ચે મૂક્યો અને તેનો મહિમા કર્યો, તે જોઈને લોકો ‘આ શેનું ચિત્રપટ્ટ છે ? એમ પૂછવા લાગ્યા. તેથી મંત્રી બોલ્યો કે—‘આ મારા સ્વામીનું ચિત્ર છે અને તેનું ચરિત્ર બહુ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું છે.' આ હકીકત પરંપરાએ રાજપુત્રીએ સાંભળી. તેથી તેણે પટ્ટ લઈને મંત્રીને બોલાવ્યો, તે ગયો. તેની પાસેથી પટ્ટ લઈને રાજપુત્રી તે જોવા લાગી. તેમાં તેણે દાવાનળ યુક્ત અટવી જોઈ, તેમાં હાથી અને હાથણી જોયા. હાથીને પાછો આવીને હાથણીને પાણી સીંચતો અને છેવટે મરણ પામતો જોયો. તેને પોતાના પૂર્વભવનો ભર્તાર જાણીને તે રાજપુત્રી ઉંચે સ્વરે વારંવાર રોવા લાગી. હાથીને અગ્નિમાં બળી ગયેલો જોઈને તેનો પુરુષપરનો દ્વેષ નાશ પામ્યો. તે વિચારવા લાગી કે—‘અહો ! મારા સ્નેહથી બદ્ધ હસ્તી મારી પાછળ મરણ પામ્યો ! સ્નેહ અનર્થનું મૂળ છે. સ્નેહ દુઃખની શ્રેણિરૂપ છે, સ્નેહવડે જ પ્રાણી દધિની જેમ મંથનનું દુ:ખ ભોગવે છે. પ્રેમનો વિકાર નિશ્ચે દુર્નિવાર છે. તેને કારણે જ મુરારિ (કૃષ્ણ) શૃંખલાબદ્ધ થયા, ચંદ્રમા કલંક પામ્યો, રવિ કુષ્ટિપણાને પામ્યો અને શંભુ (શિવ)ને અર્ધશરીરે પાર્વતીને રાખવી પડી. સ્વજનો સીદાય, ચાડીયાઓ હસે, બાંધવો શોક કરે, પ્રાણ કંઠે રહે, ન્યાયવાળા નિંદા કરે, લક્ષ્મી ચાલી જાય તોપણ કામી પુરુષ પોતાના ઇચ્છિત જનને નિઃશંકપણે સેવે છે. જો યુક્તાયુક્તની વિચારણા પ્રાપ્ત થાય છે તો તે આવા સ્નેહને જલાંજલી આપે છે—તજી દે છે.’
વળી રાજપુત્રી વિચારે છે કે—‘મેં જળ લાવીને દવથી પીડિત એવી મને સીંચતા હાથીને જોયો નહીં તેથી જ તેના ઉપર અને અત્યારે પુરુષદ્વેષ કર્યો. પ્રાયે નારી અલ્પ બુદ્ધિવાળી જ હોય છે.” આ પ્રમાણે વિચારીને તેણે મંત્રીને પૂછ્યું કે—‘આ ચિત્ર તમને કોણે આપ્યું છે ? મંત્રી બોલ્યો કે—“હે સ્વામિની ! સાંભળો. મારો સ્વામી પદ્મિનીપુરમાં રાજા છે. તેનું નામ પુરુષોત્તમ