________________
૯૨
શ્રી ધર્મસ્પદ્રુમ મહાકાવ્ય ગ્રહણ કર. અનશન ગ્રહણ કરીને સર્વ વ્રતોને પુનઃ અંગીકાર કરે. સ્પૃહા તજી દે. સર્વ પ્રાણી પર કષાયરહિત હૃદયવાળો થઈ ત્રિવિધ ત્રિવિધ ક્ષમાપના કર અને પંચ નમસ્કાર મંત્રનું ધ્યાન કર. આ પ્રમાણેની જે મનુષ્ય પોતાના દેહને ત્યજે છે તે ધન્ય છે.”
રત્નપાળે આ પ્રમાણે આરાધના કરાવવાથી તે શ્રાવક શુભધ્યાનવડે મૃત્યુ પામી દેવા થયો. પછી પરોપકારમાં તત્પર એવા રત્નપાળરાજાએ તેના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. “ઉપકારમાં તત્પર સજ્જનો જગતમાં વિરલ હોય છે અને ઉપકારને માનનારા તો હોય અથવા . ન પણ હોય.”
રત્નપાળ ત્યાંથી પૂર્વદિશા તરફ ચાલ્યો. કેટલુંક ચાલતાં આગળ સાક્ષાત બીજી દેવનગરી હોય તેવું એક નગર તેનાં જોવામાં આવ્યું રત્નપાળ જેવો તે મનોહર નગરમાં પ્રવેશ કરે છે તેટલામાં તેણે દૂરથી કંઈક પડહોદ્દોષણા થતી સાંભળી. તેથી કોઈક પુરુષને તેણે પૂછ્યું કે–“આ પડહ શા કારણથી વાગે છે?” તે પુરુષ બોલ્યો કે–“આ નગરમાં બલવાહન નામે રાજા રાજ્ય કરે છે. તે સમગ્ર સ્ત્રીજનમાં શ્રેષ્ઠ એવી રત્નાવતી નામની કન્યા છે. તે યૌવનવસ્થાને પામી છે. આજે તે જળક્રીડા કરવા માટે નગરની બહાર ગઈ હતી. ત્યાં સરોવરમાં જળક્રીડા કર્યા પછી વિશેષ વિનોદ માટે તે વનમાં ગઈ. ત્યાં સખીઓની સાથે આનંદ કરતાં અકસ્માત દૈવયોગથી તેને દુષ્ટ સર્પે દંશ દીધો છે. તેથી તરત જ તેને નગરમાં લઈ આવ્યા. રાજાએ વિષના નાશ માટે અનેક ઉપાયો, મંત્ર અને ઔષધાદિકના પ્રયોગો કરાવ્યા, પરંતુ વિષ વિશેષ વ્યાપ્ત થઈ ગયેલ હોવાથી કાંઈપણ ગુણ થયો નહીં. તેથી રાજા નગરમાં પડહ વગડાવે છે કે જે કોઈ એ કન્યાને જીવાડશે તેને રાજા અર્ધરાજય સહિત તે કન્યા આપશે.'
આ પ્રમાણેની હકીકત સાંભળીને રત્નપાળે તે પડહનો સ્વીકાર કર્યો. તેથી રાજપુરુષો તેને રાજા પાસે લઈ આવ્યા અને કન્યા દેખાડી. રત્નપાળે પૂર્વોક્ત ઔષધિના રસવડે તે સિંચન કર્યું. જેથી કન્યા તત્કાળ સજ્જ થઈ ગઈ. રાજાએ તે જ દિવસે સારા મુહૂર્ત રત્નપાળ સાથે તેનો વિવાહ કર્યો. હસ્તમોચન પ્રસંગે રાજાએ અર્ધ રાજ્ય અને હસ્તિ, અશ્વ, રથ તથા પત્તિરૂપ (પાયદળ) સેના આપી. તે વખતે “આ તો રત્નપાળ રાજા છે.” એમ યાચકોએ તેને ઓળખ્યો. તે સાંભળીને બલવાહન રાજા બહુ હર્ષિત થઈને બોલ્યા કે–“અહો ! ખરેખર મારો ભાગ્યોદય થયો છે. જેથી ઘેબરમાં ઘી, દૂધમાં સાકર અને કાંચનમાં મણિ મળ્યાની જેમ મારી પુત્રીનો ને રત્નપાળનો આવો શ્રેષ્ઠ યોગ થયો. રાજ્યભ્રષ્ટ થવા છતાં રત્નપાળ રાજા રાજપુત્રી પરણ્યો અને વિદેશમાં પણ તેને રાજય મળ્યું. “પુણ્યના યોગથી શું શું પ્રાપ્ત થતું નથી ?”
ધર્મની સિદ્ધિથી અવશ્ય અર્થ અને કામ બન્નેની પ્રાપ્તિ થાય છે, કારણકે દૂધની પ્રાપ્તિ થતા દહીં અને વૃતની પ્રાપ્તિ સુલભ જ છે.”
એક વખત રાત્રિમાં જાગેલા રત્નપાળને પિતાનું રાજય યાદ આવ્યું કે જે દુષ્ટ મંત્રી પોતાને કબજે કર્યું હતું. કહ્યું છે કે -