________________
ચતુર્થ પલ્લવઃ કર્યો. કરમોચનમાં રાજાએ અર્ધ રાજ્ય આપ્યું. રત્નપાળ લગ્ન પછી દશ દિવસ સુધી ત્યાં રહ્યો. પછી તેણે પોતાના રાજ્યમાં જવા માટે પોતાના શ્વસુરની આજ્ઞા માંગી. રાજાએ તેની સાથે આવેલા સર્વને યોગ્ય ધનસન્માનવડે સંતોષ પમાડીને રત્નપાળને સ્વદેશમાં જવાની રજા આપી. તેઓ વિદાય થયા ત્યારે કેટલાક પ્રયાણ (મુકામ) સુધી રાજા વળાવવા ગયા. પાછા વળતી વખતે તેમણે પોતાની પુત્રીને હિતશિક્ષા આપી કે-“હે વત્સ! પતિની સાથે નિષ્કપટપણે વર્તજે, નણંદ સાથે રમતી રહેજે, સાસુની ભક્તિ કરજે, બંધુવર્ગ સાથે સ્નેહવાળી રહેજે, પરિજનઉપર વાત્સલ્ય રાખજે, સપત્ની (શોષ) ઉપર પણ પ્રેમ રાખજે, પતિના મિત્રોની સાથે અત્યંત નમ્રતા રાખજે, પતિના શત્ર કે દ્વેષી ઉપર દ્વેષી રહેજે આ પ્રમાણેનું ભત્તર વગેરે સાથેનું વર્તન સર્વને પ્રેમ ઉત્પન્ન કરનાર સર્વશ્રેષ્ઠ સાધન છે. હે વત્સ ! પોતાના સ્વામીના ચરણકમળને કદાપિ છોડતી નહિ. ઇષ્ટ દેવની જેમ તેનું ધ્યાન કરજે, તેમજ તેમની સેવા કરજે. કદાપિ દુર્મનવાળા તો થવું જ નહીં. પતિની અનુગામી સ્ત્રી ચંદ્રયુક્ત રાત્રીની જેમ શોભે છે. તેથી હે સુને ! તારે નિરંતર પતિના ચિત્તની અનુવૃત્તિ પ્રમાણે વર્તન કરવું, બીજા ગમે તેટલું આપે તો પણ પિતા, ભ્રાતા, પુત્ર બધા પરિમિત આપનારા છે, અપરિમિત આપનાર તો એક ભર્તાર જ છે. તો તેની પૂજા કોણ ન કરે ?
આ પ્રમાણે વિવિધ પ્રકારની હિતશિક્ષા આપીને રાજા પાછા વળ્યા, પછી રત્નપાળકુમાર પોતાને સ્થાને પહોંચ્યા, તેના પિતાએ ઘણા ધામધૂમ સાથે વરવધૂનો પ્રવેશોત્સવ કર્યો. મંગળકારી વરવધૂએ શહેરમાં પ્રવેશ કરીને માતાપિતાના ચરણમાં નમસ્કાર કર્યા. પછી શૃંગારસુંદરી સાસુના ચરણમાં પડી. તેનું રૂપ જોવા માટે અનેક સ્ત્રીઓ ત્યાં આવી. તેને જોઈને તેઓ અંદરોઅંદર વાત કરવા લાગી કે–“આ તે શું વિદ્યાધરી છે? દેવાંગના છે? નાગકુમારી છે? લક્ષ્મી છે? કિન્નરી છે? કે પાર્વતી છે ? આવી તો દેવાંગના, નાગકુમારી, કિન્નરી, ખેચરી કે પાર્વતી પણ જોવામાં આવતી નથી. આ તો સાક્ષાત્ રૂપના ભંડાર જેવી આ કન્યા રત્નપાળ રાજકુંવરને ભોગ્ય અને યોગ્ય મળી છે.
મધુર વાચાવડે જાણે અમૃતને વરસાવતી હોય તેવી, પ્રસન્નમુખવાળી, વિનયવડે નમ્ર, શીલવડે સરળ, સૌભાગ્યને લાવણ્યની ભૂમિ જેવી, પતિને જીવિત સમાન વહાલી, પુત્રવતી, પુણ્યસંપદાવડે અંતઃદ્રવ્યવાળી અને પુણ્યાત્ય એવી સુવધૂ લક્ષ્મીની જેમ પોતાના ચરણકમળવડે ગૃહને પવિત્ર કરે છે.
રત્નપાળકુમાર શૃંગારસુંદરીની સાથે દેવની જેમ ભોગસુખ ભોગવે છે અને માતાપિતાના ચરણકમળને ભ્રમરની જેમ નિરંતર સેવે છે. કહ્યું છે કે–તે જ સાચો પુત્ર કહેવાય કે જે પિતાનો ભક્ત હોય, માતાના વચનને પાળનારા હોય અને સદા પોતાના કુળાચારમાં રક્ત હોય. આવા ગુણો રહિત અન્ય તો ઉદરના કિડા સમાન છે.” દીપક તો પોતાના તેજવડે પ્રત્યક્ષ એવા પદાર્થોને જ પ્રકાશિત કરે છે. પરંતુ નિષ્કલંક પુત્ર તો પરોક્ષ એવા પૂર્વજોને પણ દીપાવે છે. કુળદિપક એવો પુત્ર સૂર્યની જેમ સ્વજનોરૂપી કમળને ઉલ્લાસ પમાડે છે અને પિતાની કીર્તિને, ધર્મને તથા ગુણને વૃદ્ધિ પમાડે છે.