________________
શ્રી સ્થાનાંગસૂત્ર સંબંધમાં
પત્રીના પંડિત શ્રી ગાંગજી વીરજીનું વક્તવ્ય આ સ્થાનાંગસૂત્રનો અનુવાદ કરવામાં શ્રીમાન ઉપાધ્યાય શ્રી દેવચન્દ્રજી મહારાજે કયા કયા શાસ્ત્રીય ગ્રંથોનો આધાર લીધેલ એ હકીકત પત્રીના પંડિત શ્રી ગાંગજીભાઈ મારફત પ્રાપ્ત થતાં તે અત્રે રજૂ કરવાનું ઉચિત ધારું છું.
સ્થાનાંગસૂત્રના મૂળ અનુવાદમાં સ્થાનાંગદીપિકાનો ખાસ આધાર લેવામાં આવેલ છે. આ દીપિકાના કર્તા શ્રીમાનું પાર્જચન્દ્રસૂરિના શિષ્ય શ્રી સમરસિંઘસૂરિ છે. એમણે શ્રીમદ્ અભયદેવસૂરિની કરેલ ટીકાને આધારે આ દીપિકા તૈયાર કરેલ. દીપિકાકર્તાએ ટીકાકાર ભગવાનને યુગપ્રધાન માન્યા છે. શ્રી અભયદેવસૂરિએ કરેલ ટીકામાં લગભગ ૧૨ ૫૦ ગાથાઓ અન્ય શાસ્ત્રની લીધેલ છે. તેમાં પણ મુખ્યત્વે વિશેષાવશ્યકની ગાથાઓ લીધેલી છે. લીબડી સમુદાયના પૂજ્ય મહારાજશ્રી ગુલાબચન્દ્રજી મહારાજે આ સ્થાનાંગ સૂત્રનો અનુવાદ કરવા ખૂબ પ્રોત્સાહન આપેલ એટલું જ નહિ પણ સાથે સાથે એવી સલાહ પણ આપી કે ગાથાની વૃત્તિની પ્રત પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ મારફત પાટણના ભંડારમાંથી મેળવી શકાશે. એમની આ સૂચના ખરેખર ઉપયોગી નીવડી. પ્રર્વતજીને પત્ર લખતાં તેમણે તે પ્રત ચાલતા નિયમ અનુસાર સપ્રેમ મોકલાવી આપી. સદરહૂ વૃત્તિના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનચન્દ્રસૂરિના શિષ્ય વાચનાચાર્ય શ્રી સુમતિકલ્લોલગણિ તથા સમયસુન્દર ઉપાધ્યાયના શિષ્ય વાદીન્દ્ર હર્ષનન્દન છે. જો કે ગાથાવૃત્તિ તો વિસ્તૃત છે પરંતુ તેનો ભાવાર્થ લઈને એમણે, એનો અર્થ સંક્ષેપમાં તૈયાર કરેલ છે. પ્રસ્તુત સૂત્ર તો અત્યંત ગહન છે. એને સમજવામાં સરલતા થાય એટલા માટે શ્રી વિશેષાવશ્યક સટીક, લોકપ્રકાશ, અભિધાન રાજેન્દ્રકોષ, અર્ધમાગધી કોષ, ક્ષેત્ર સમાસ, સંગ્રહણી, કર્મગ્રન્થ, કર્મપ્રવૃત્તિ, પ્રશમરતિ, બૃહત્કલ્યભાષ્ય ઇત્યાદિ અનેક ગ્રંથો સમીપમાં રાખીને આ અનુવાદ કરવામાં આવેલ છે.
અંતમાં ઉપર્યુક્ત ગ્રંથના કતઓ તેમજ આ અનુવાદ નીચે જે ટિપ્પણીઓ લખવામાં આવેલ છે તેના લેખક પંડિત ગાંગજીભાઈ વગેરે અનેકની સહાયતાથી આ અનુવાદ ઉપાધ્યાય શ્રી દેવચન્દ્રજી મહારાજે તૈયાર કરેલ છે. એમનો બધાનો અત્રે ઉપકાર માની વિરમું છું.
અષાઢ શુદિ બીજ, મંગળવાર, સંવત્ ૨૦૦૮ શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ-સોનગઢ (સૌરાષ્ટ્ર)
લી. મુનિકુલબાલ મુનિ કલ્યાણચંદ્રજી