________________
ભાષાંતરકારનું વક્તવ્ય
શ્રી ગણધરમહારાજાગુંફિત દ્વાદશાંગીના રહસ્યનો પાર પામી શકાય તેમ નથી. જૈનાગમ ખરેખર સાગર સંદેશ અગાધ છે. જૈન શાસ્ત્રોના મૌલિક ગંભીરાર્થને સમજવા માટે તેને ચાર અનુયોગ-દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગમાં વિભક્ત કરવામાં આવેલ છે. જેમ જેમ મતિમંદતા થવા લાગી તેમ તેમ પરોપકારી પૂર્વપુરુષોએ આગમગ્રંથો પર ભાષ્ય, નિર્યુક્તિ, ચૂર્વી અને ટીકા ઇત્યાદિની રચના કરવા માંડી. આધુનિક સમયમાં તો ભાષાન્તર પણ સારા પ્રમાણમાં થવા લાગ્યા છે.
ઇચ્છા - ઉદ્ભવ :
કચ્છી સંવત્ ૧૯૬૫ નું મારું ચાતુર્માસ કચ્છ-પત્રીમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ દાદાગુરુ શ્રીમાન્ વ્રજપાલજી સ્વામી સાથે થયું. તે સમયે સુયગડાંગ વિગેરે સૂત્રોની વાચના ચાલતી હતી તે પૈકી ઠાણાંગસૂત્રની વાંચનાથી મને અનેરો આનંદ આવ્યો. તે ઠાણાંગસૂત્ર મૂળ અને વિસ્તૃત ટબાવાળું જ હતું છતાં સૂત્રના ગંભીરાર્થે મારા મનમાં આશ્ચર્ય ઉત્પન્ન કર્યું. બાદ સં. ૧૯૭૫માં મારા ભાવનગરના ચાતુર્માસમાં પુનઃ શ્રી ઠાણાંગસૂત્ર વાંચવાનો પ્રસંગ સાંપડ્યો. આ વખતે તે ટીકા પરથી વાચના. શરૂ કરી અને અર્થગંભીરતા, વસ્તુ-વૈવિધ્ય, નિરૂપણશૈલી અને ઉપકારિતાએ મારા મનમાં સચોટ અસર નીપજાવી અને જ઼નહિતાર્થે આ સૂત્રનું ભાષાન્તર પ્રકાશિત કરવાનો મારા મનમાં મક્કમ મનસૂબો કર્યો.
પ્રેરણા :
પછી તો આ સૂત્રના પ્રકાશન સંબંધી મારા સંસર્ગમાં આવતા મુનિરાજો સાથે વિચાર-વિનિમય શરૂ કર્યો અને સૌ કોઈના દૃષ્ટિબિન્દુ જાણ્યા પછી મારા ઉત્સાહમાં બમણો વધારો થયો. કચ્છી બૃહદ્ક્ષીય આચાર્યશ્રી નાગચંદ્રજી સ્વામી, પ્રખર વક્તા મુનિશ્રી કલ્યાણચંદ્રજી મહારાજ, લીંબડી સંપ્રદાયના વયોવૃદ્ધ આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી અને તેમના લઘુબંધુ શ્રી વીરજીસ્વામીએ મારી ઉત્કંઠાને વધાવી લીધી અને કોઈપણ ભોગે અને પ્રયાસે આ કાર્ય પાર પાડવા પ્રેરણા કરી. સહાયકો :
સં. ૧૯૯૫ નું ચાતુર્માસ કચ્છ-મુંદ્રામાં કર્યું અને ત્યાં જ આ કાર્યની શરૂઆત કરવાનો નિરધાર કરી સ્થિરતા કરી. પત્રી નિવાસી પંડિત ગાંગજીભાઈએ મને સારી સહાયતા અર્પી અને વ્યાકરણ સમજવામાં તથા લાંબા લાંબા વાક્યોના અર્થ સમજવામાં મૈથીલી પંડિત કૃષ્ણકાન્ત ઝા મને અતીવ ઉપયોગી થઈ પડ્યા. લગભગ ત્રણ વર્ષ પર્યન્ત સતત કાર્ય કરી મેં આ સૂત્રનું સંપૂર્ણ ભાષાંતર અને સંપાદન કરવાનું કાર્ય પૂર્ણ કર્યું અને તેના ફલસ્વરૂપ સૂત્રનો પ્રથમ વિભાગ જનતા સમક્ષ રજૂ કરવા આજે ભાગ્યશાલી થયો છું. ગ્રંથનું શ્લોકપ્રમાણ વિશેષ હોવાથી સમગ્ર સૂત્રના ત્રણ વિભાગ પાડવા મેં વિચાર રાખ્યો છે; અને આ પછીનો બીજો તથા ત્રીજો ભાગ પણ ટૂંક સમયમાં જ બહાર પડશે. આ સૂત્રના પ્રૂફ સંશોધક આદિ કાર્યમાં ભાવનગરનિવાસી વયોવૃદ્ધ શ્રીમાન્ શેઠ કુંવરજી આણંદજીની સહાય અને સલાહ ભૂલાય તેમ નથી. આ મારા કાર્યમાં સૌય પ્રયાસ કરનાર મારા શિષ્યસમૂહને પણ હું કેમ ભૂલી શકું? આ સર્વની સાથે આ સૂત્રના પ્રકાશનકાર્યના આર્થિક સહાયકો પણ એટલા જ યશના ભાગી છે, કારણ કે તેમની દ્રવ્ય સહાયના અભાવમાં મારું કાર્ય સ્થૂલદેહ કેવી રીતે ધારણ કરી શક્ત? અંતમાં, ગુરુદેવની કૃપાથી આવા કાર્યોમાં હું સવિશેષ રક્ત રહું અને જનસમાજ પણ તેનો યથેચ્છ લાભ ઉઠાવે એ જ અભિલાષા સહ વિરમું છું.
-
• ઉપાધ્યાય શ્રી દેવચંદ્રજી મહારાજ
(આઠ કોટી મોટી પક્ષ)
V