________________
શરીર દ્વારા આત્મ વિકાસ અથવા દંડકમાં શરીરના ચિંતનનું કારણ:
શરીર નામ કર્મ એ પુણ્યની પ્રકૃતિ છે. પાપ તત્ત્વમાં શરીરની ગણતરી થતી નથી. પાંચેય શરીરો પુણ્યથી મળે છે. શરીર અશુચિનો ભંડાર પણ ગણાય છે. એ ઔદારિક શરીર છે. વૈક્રિય શરીરમાં નાના-મોટા રૂપ બની શકે છે. દરેક શરીર દરેક ગતિમાં આત્માને ઉપયોગી છે. આહારક શરીર શંકાના નિવારણ માટે અને તિર્થંકર ભગવંતોની સમવસરણાદિ ઋદ્ધિને જોવા માટે ઉપકારી છે. તૈજસ શરીર આહારનું પાચન કરવામાં ઉપકારી છે. કાર્પણ શરીર તો બીજા શરીરોના કાર્ય માટે નિમિત્તરૂપ બને છે.
શરીરમાં જ જો આત્મબુદ્ધિ થાય તો સંસારના દુઃખોનું મૂળ કારણ બની જાય છે. અનંતા શરીરો ધારણ કર્યા પરંતુ હજી સુધી ભવભ્રમણ ટળ્યું નથી. દંડકમાં શરીરનું ચિંતન કરવાનું કારણ એ જ છે કે શરીરએ રત્નનો કરંડિયો છે. યોગ-રત્નત્રયાત્મક ધર્મની સિદ્ધિ માટે સંયમના પાલનમાં વિરોધ ન આવે. આ રીતે રક્ષા કરવા છતાં પણ શક્તિ અને યુક્તિની સાથે શરીરમાં રહેલા મમત્વને દૂર કરવાં જોઈએ. ઔદારિક શરીર ખૂબ જ ઉપકારક બની શકે છે. જેઓ સંસારથી વિરકત થઈને સંયમ માર્ગનો સ્વીકારી કરે છે. તે જીવનને સફળ બનાવી શકે છે. રત્નરૂપ ધર્મનું સાધન શરીર છે. તેથી શયન ને ભોજનપાનમાં આદિ તેની સંભાળ રાખવી જરૂરી છે. પરંતુ અનાસકત ભાવે એ પ્રવૃત્તિ કરે તો કર્મબંધન ઓછાં થાય છે. આ પાંચ શરીરમાંથી શ્રેષ્ઠ શરીર ઔદારિક છે. એ શરીર દ્વારા પૂર્ણ આત્મવિકાસ થઈ શકે છે. દેશવિરતીનાં વ્રતો અને સર્વવિરતીનાં મહાવ્રતોનો સ્વીકાર આ દેહ દ્વારા જ શક્ય બની શકે છે. નમસ્કાર મહામંત્રમાં પ્રવેશ મેળવવા માટે આ ઔદારિક શરીર જોઈએ છે. મહાન પદવીઓ આ દેહથી જ મળે છે. ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી આ ઔદારિક શરીર દ્વારા માંડી શકાય છે. ક્ષપકશ્રેણીથી ગુણસ્થાનમાં આરોહણ કરતાં ૧૩મા ગુણસ્થાનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અને આખરે શાશ્વત સુખ પ્રાપ્ત થઈ જાય છે. માટે દંડકમાં શરીરનું ચિંતન કરવું જરૂરી છે. પૂર્ણ આધ્યાત્મિક વિકાસ માટે આ પાંચ શરીરોમાંથી ઔદારિક શરીર પૂર્ણ રીતે ઉપયોગી છે.
૧૩