________________
૪
વગેરે બહારની દુનિયામાં છે. અંતરાત્મામાં કશુંય નથી. અંતરાત્મામાં નથી રોગ અને નથી શોક. અંતરાત્મામાં નથી શ્રીમંતાઇ અને નથી ગરીબાઇ, અંતરાત્મામાં નથી કામ કે નથી ક્રોધ, અંતરાત્મામાં માન-અપમાન વગેરે કોઇ દ્વન્દ્વ નથી. એ બધું બહારની દુનિયામાં છે. અંતરાત્મામાં તો કેવળ આનંદ આનંદ ને આનંદ જ છે. અંતરાત્મામાં ડૂબકી મારવાનું સાધન અનિત્યાદિ ભાવનાઓ છે. અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન કરનાર અંતરાત્મામાં ચાલ્યો જાય છે. અનિત્યાદિ બાર ભાવનાઓના નામ આ પ્રમાણે છેઃ- અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, અશુચિ, લોકસ્વરૂપ, આસવ, સંવર, નિર્જરા, ઉત્તમગુણ અને બોધિદુર્લભ. બાર ભાવનાઓમાં સર્વપ્રથમ અનિત્યભાવના જણાવી છે કારણ કે જ્યાં સુધી મોહવશ જીવની ઐતિક પદાર્થો અને સ્વજન - સ્નેહીઓ ઉપરથી નિત્યત્વબુદ્ધિ ન ખસે ત્યાં સુધી તેમના ઉપર રહેલી મમતા દૂર ન થાય. જ્યારે જીવને આ બધું અનિત્ય છે એવું ભાન થાય છે ત્યારે તેને એમ થાય છે કે જો આ બધું અનિત્ય છે તો એના ઉપર મમતા કરવાનો શો અર્થ? આવી વિચારણાથી મમતા દૂર થાય છે.
ભૌતિક પદાર્થોનો કે સ્વજન સ્નેહીઓનો સંયોગ ભલે અનિત્ય હોય, પણ આપત્તિ આવશે ત્યારે તેઓ મારું રક્ષણ કરશે, આથી એમના ઉપર પ્રીતિ-મમતા કરવી જોઇએ, આવી વિપરીત સમજણને દૂર કરવા અનિત્ય ભાવના પછી અશરણભાવના છે. અશરણ ભાવના ‘‘આપત્તિમાં કોઇ રક્ષણ ન કરે’’ એવો બોધ આપે છે.
ભૌતિક પદાર્થો અને સ્વજન - સ્નેહીઓ આપત્તિમાંથી ભલે મુક્ત ન કરી શકે, પણ મારું થોડું દુઃખ લઇને મને થોડી સહાય તો કરશે ને? આવી વિપરીત બુદ્ધિને દૂર કરવા અશરણભાવના પછી એકત્વ ભાવના છે. ‘‘તારું થોડું પણ દુઃખ કોઇ લઇ શકે નહિ’’ એવો બોધ એકત્વભાવનાથી મળે છે.
ભૌતિક પદાર્થો અને સ્વજનસ્નેહીઓ મારું દુઃખ લઇને મને સહાય ભલે ન કરે, પણ તે બધા છે તો મારા જ ને? જે મારા છે તેમના ઉપર મારે પ્રેમ રાખવો જોઇએ. આવી ગેરસમજને દૂર કરવા એકત્વ ભાવના પછી અન્યત્વભાવના છે. અન્યત્વભાવના ‘“તારું કોઇ નથી અને તું પણ કોઇનો નથી’’ એમ સમજાવે છે.
ભૌતિકપદાર્થો અને સ્વજનસ્નેહીઓ પોતાના ન હોવા છતાં પોતાના માનીને જીવ તેમના ઉપર મમત્વ બુદ્ધિ કરે છે અને તેમની ખાતર અનેક પાપો કરીને સંસારમાં ભમે છે. આથી અન્યત્વભાવના પછી સંસાર ભાવના છે. જીવને અનેક વસ્તુઓ ઉપર મમતા છે. તેમાં કાયા ઉપર સૌથી અધિક મમતા છે. આથી કાયા ઉપરથી મમતા દૂર કરવાના ઉપાય તરીકે અનિત્યાદિ ભાવનાઓ ઉપરાંત અલગ અશુચિભાવના બતાવવામાં આવી છે. સંસારની દુઃખસ્વરૂપતાની અને શરીરની અશુચિતાની વિચારણા કર્યા પછી ધર્મધ્યાન જ કરવું જોઇએ, અને તે ધર્મધ્યાન લોકસ્વભાવ ભાવનાને ભાવતા જ થાય છે. આથી અશુચિ ભાવના પછી લોકસ્વભાવ ભાવના કહેવામાં આવી છે. ત્યારબાદ ધર્મધ્યાન માટે જ આઠમી આસવ ભાવના કહેવામાં આવી છે.
અન્ય ગ્રંથોમાં લોકસ્વરૂપ ભાવના દશમી છે. અન્ય ગ્રંથોમાં અગિયારમી અને બારમી ભાવના અનુક્રમે બોધિદુર્લભ અને ધર્મસ્વખ્યાત છે. પ્રસ્તુત ગ્રંથમાં અગિયારમી અને બારમી ભાવના અનુક્રમે ઉત્તમ ગુણ અને બોધિદુર્લભ છે.