________________
ર
અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત બનાવનાર જીવનું જીવન સદા સમ=સ્વસ્થ હોય છે. એ સુખમાં ગર્વિષ્ઠ નથી બનતો અને દુઃખમાં દીન નથી બનતો. એનું જીવન હોકાયંત્રની જેમ સ્થિર રહે છે. વહાણ ગમે તે દિશામાં જાય પણ તેમાં રહેલ હોકાયંત્રનો કાંટો તો ઉત્તરદિશા તરફ જ રહે છે તેમ અનિત્યાદિ ભાવનાઓથી આત્માને ભાવિત બનાવનાર જીવ ગમે તે દેશમાં હોય, ગમે તે વેશમાં હોય, ગમે તેવી અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં હોય તો પણ તેનું જીવન સ્વસ્થ
હોય.
અનિત્યાદિ ભાવનાઓ જીવનને સ્વસ્થ બનાવવા છત્રીની ગરજ સારે છે. સંસારમાં અનુકૂળપ્રતિકૂળ કર્મોની વૃષ્ટિ અવશ્ય થવાની. એને રોકવા કોઇ સમર્થ નથી પણ એ વૃષ્ટિથી પોતાના આત્માને ભિનો ન થવા દેવો એ જીવના હાથમાં છે. અહંકાર અને દીનતા એ ભિનાશ = આર્દ્રતા છે. અનુકૂળ કર્મોની વૃષ્ટિથી અહંકાર અને પ્રતિકૂળ કર્મોની વૃષ્ટિથી દીનતા કરનારનો આત્મા ભિનો બને છે.
વર્ષાદને રોકવો એ મનુષ્યના હાથમાં નથી પણ તેનાથી પોતાનું શરીર અને વસ્ત્રો વગેરે પલળે નહિ એ મનુષ્યના હાથમાં છે. છત્રી ઓઢવાથી કે રેઇનકોટ પહેરી લેવાથી શરીર વગેરે પલળતું નથી. મૂશળધાર વર્ષદમાં બહાર જવા છતાં છત્રી ઓઢનારનું શરીર વગેરે ભિનું થતું નથી. તેમ અહીં અનુકૂળ કે પ્રતિકૂળ કર્મોની વૃષ્ટિને રોકવી એ મનુષ્યના હાથમાં નથી પણ અહંકારી કે દીન ન બનવું એ મનુષ્યના હાથમાં છે. સમતારૂપી છત્રી ઓઢી લેનાર (કે સમતારૂપી રેઇનકોટ પહેરી લેનાર) અહંકારથી કે દીનતાથી લેપાતો નથી.
જ્ઞાનીઓ કહે છે કે સમતા જ શાંતિનું સાધન છે. સમતા જ સુખનું મૂળ છે. સમતા જ સાચી સંપત્તિ છે. સમતા જ સાચું ધન છે. સમતા પામવા માટે અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન અનિવાર્ય છે.
સમતાથી ભાવિત જીવ કંપોઝીટર સમાન બની જાય છે. કંપોઝીટર દરરોજ વિવિધ મેટરનું વાંચન કરે છે. કોઇ મેટરમાં પ્રિયાએ પ્રેમાળ પતિ ઉપર લખેલો પ્રેમપત્ર હોય છે, કોઇ મેટરમાં યુવક-યુવતિના પ્રેમલગ્નનું વર્ણન હોય છે, કોઇ મેટરમાં પ્રેમીના મિલનનું તો કોઇ પત્રમાં પ્રેમીના વિરહનું વર્ણન હોય છે. આમ કંપોઝીટર હર્ષ-શોકની લાગણીથી ભરપૂર મેટરનું વાંચન કરે છે, છતાં તેના હૃદયમાં એ મેટરની કોઇ અસર થતી નથી. અરે! અસર થયાના કોઇ ચિહ્નો એના શરીર ઉપર જરાય દેખાતા નથી. શોકની લાગણીવાળું મેટર વાંચીને તેને જરાય શોક થતો નથી અને હર્ષની લાગણીવાળું મેટર વાંચીને તેને જરાય હર્ષ થતો નથી. તે સ્વસ્થતાથી પોતાનું કામ કરતો રહે છે. આનું શું કારણ? કારણ કે તે સમજે છે કે- આ પ્રસંગો સાથે મારે જરાય નિસ્બત નથી. મને એનાથી કોઇ લાભ કે નુકશાન નથી. એ જ પ્રમાણે સમતાથી ભાવિત જીવ વિચારે છે કે આ હર્ષ- શોકના પ્રસંગ સાથે મારે કોઇ નિસ્બત નથી. હું શુદ્ધ આત્મા છું અને આ પ્રસંગો કર્મના કારણે થયેલા છે એટલે એ પ્રસંગથી મને = આત્માને કોઇ લાભ કે નુકશાન થતું નથી.
સમતાની સિદ્ધિ અનિત્યાદિ ભાવનાઓના ચિંતનથી થાય છે.